ભાજપને સંવિધાન કરતાં સંઘ વહાલો છે – કોંગ્રેસ

ભગવા અંગ્રેજોને હાર્દીક પટેલનો એવો ભય લાગ્યો છે કે આજે ગુજરાતના ગામે ગામ રજાઓ કેન્સલ કરી હજારો પોલીસનો કાફલો ઉતારી દીધો છે. વારંવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કેમ બેબાકળા થઇ નિવેદન કરી રહ્યા છે ? હાર્દીક પાસે જનસમર્થન નથી રહ્યું એવું ભાજપ સરકારે કહે છે પણ રૂપાણી સરકારના પગેથી પાણી ઉતરી ગયુ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે, લોકશાહીમાં તમામ વ્યક્તિને સંવિધાનની મર્યાદામા રહી પોતાની વાત કહેવાનો અધિકાર છે. પરંતુ તાનાશાહી ગોત્રના આ ભાજપને સંવિધાન કરતા સંઘી વિચાર પર ચાલવાની આદત પડી ગઈ છે કેમકે અંગ્રેજોની સંગતમાં મળેલી જનરલ ડાયર છાપ સંસ્કૃતિ આજે પણ તેમનો પીછો નથી છોડતી.
જો હાર્દીક પટેલની માંગણી ગેરબંધારણીય લાગતી હોય તો સરકારે સ્પષ્ટ જણાવી દેવુ જોઈએ કે તેમની માંગણી ગેરવ્યાજબી છે પરંતુ વોટબેંક ની ભુખી ભાજપ મુળ માંગણી પર ગંભીરતાથી વિચારવાના બદલે આયોગો રૂપી લોલીપોપમાં એનુ સમાધાન શોધે છે. આંદોલન ને સંવાદ થી ઉકેલ લાવવાના બદલે ભય અને લાલચ ના સહારે કેવી રીતે તોડવું એના હથકંડા અપનાવી રહ્યા છે.
રહી વાત હાર્દીક પાછળ કોંગ્રેસ ના હાથ હોવાની તો એક વાત સ્પષ્ટ છે કે જ્યારે જ્યારે સત્તા એના અહંકાર મા લોકતાંત્રિક મર્યાદાઓ ઓળંગવાની ચેષ્ટા કરે ત્યારે વિપક્ષની ફરજ છે કે એનો કાન આંબળી સંવિધાનની યાદ અપાવે. કોંગ્રેસે માત્ર હાર્દીક ને નહી દલિત સમાજ પર અત્યાચાર થયો ત્યારે પણ, ખેડૂતોના પ્રશ્નો હોય ત્યારે પણ, ફીક્સ પગાર થી શોષિત કર્મચારીઓની વાત હોય, મોંઘા શિક્ષણ થી રીબાતા વાલીઓના પ્રશ્નો હોય કે મહિલાઓ પર થતા અત્યાચારોને શોષણનો મામલો હોય તમામને થતા અન્યાયની લડતમાં તેમની સાથે રહી છે. રાજ્યનો કોઈ પણ નાગરિક જનતાના હીતમાં કંઈક રજૂઆતો કરતો હોય તેને દબાવી કચડી નાખવાનો જો ભાજપ પ્રયાસ કરે તો કોંગ્રેસના માત્ર હાથ નહીં હૈયા પણ તેની પડખે રહેશે.
અન્ના હજારેના આંદોલનની પાછળ દોરી સંચાર કરનારા હવે પોતાના પગ નીચે રેલો આવ્યો ત્યારે હવે લોકશાહીની દુહાઈ દઈ “કુંડુ કાથરોટને ભાંડે” તેવો ઘાટ થયો છે.