ભાજપનો સામૂહિક ભ્રષ્ટાચાર બહાર આવ્યો

આણંદ પાલિકાના નવા બસ સ્ટેન્ડ શોપીંગ સેન્ટરોની 13 દુકાનો પાછળની ખુલ્લી જગ્યા હરાજી વગર, અન્ડર ટેબલ વહીવટ કરીને ઓન પેપર મામૂલી રકમથી આપી દેવાના મુદ્દે આણંદ કમિશનરે હુકમ જાહેર કર્યો હતો. જેમાં ભાજપના જવાબદાર 8 કાઉન્સિલરો પાસેથી સરકારને-પાલિકાને થયેલી આર્થિક નુકસાનની રકમ સરખા ભાગે વસૂલવા જણાવાયું હતું. જવાબદાર કાઉન્સિલરોમાં પ્રજ્ઞેશભાઇ એ.પટેલ, અનિલભાઇ એન.પટેલ, દિપેનભાઇ જે.પટેલ, પુરસોતમદાસ એલ.રોહિત, અરવિંદભાઇ એલ.ચાવડા, પંકીલભાઇ જી.પટેલ, શ્વેતલભાઇ એ.પટેલ અને પ્રભુજી પીરાજી વણઝારાનો સમાવેશ કરાયો. આ બાબતની ગાંધીનગર શહેરી વિકાસ વિભાગે ગંભીર નોંધ લીધી છે, આ પ્રકારે સામૂહિક રીતે રાજકારણી પાસેથી ભ્રષ્ટાચારની રકમ વસૂલવામાં આવી હોય એવી પ્રથમ ઘટના છે.

સરખા ભાગે નાણાં વસુલાશે

તમામ પાસેથી સરખા ભાગે રકમ ગુજરાત પાલિકા અધિનિયમ હેઠળ વસૂલાત કરવા અને વસૂલાતપાત્ર રકમ ૩૦ દિવસમાં પાલિકામાં જમા કરાવીને પહોંચ મેળવી લેવા જે-તે કાઉન્સિલરોને તાકિદ કરવામાં આવી હતો. વધુમાં નિયમ મુદતમાં કાઉન્સિલરો દ્વારા રકમ જમા કરવામાં ન આવે તો જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલાત કરવા અંગે કાર્યવાહી કરવા ચીફ ઓફિસર, આણંદને અધિકૃત કરવામાં આવ્યાનું પણ હુકમમાં દર્શાવાયું હતું.

29.11 લાખનું નુકસાન

આણંદ નગરપાલિકા હસ્તકના નવા બસ સ્ટેન્ડ પાસેના શોપીંગ સેન્ટરોની દુકાનોના પાછળના ભાગે આવેલ માર્જીનની જગ્યા જે તે દુકાનદારને પાલિકાએ વગર હરાજીએ ભાડે આપીને દુકાનોમાં ભેળવી દેવા ફાળવી દીધી હતી. જેમાં પાલિકાના સત્તાધીશો દ્વારા ‘ખાયકી’ કરીને ઓછા ભાડાએ દુકાનો ફાળવ્યાની ફરિયાદ થઇ હતી. આ મામલે ભ્રષ્ટાચાર થયાના મુદ્દે એસીબી દ્વારા તપાસ કરીને સમગ્ર અહેવાલ રાજયમાં મોકલાયો હતો. છેલ્લા બે વર્ષથી આ મામલો નગરપાલિકા નિયામકની કચેરીમાં પહોંચ્યો હતો. દરમ્યાન મહેન્દ્ર એસ.પટેલ (કમિશનર, મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન, ગાંધીનગર) દ્વારા તાજેતરમાં આ મામલે હુકમ જારી કરવામાં આવ્યો હતો. જેમાં 13 દુકાનોની જગ્યા ફાળવણી મામલે પાલિકાને-સરકારને રૂ.29.11 લાખનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતો. આ નુકસાનીની રકમ સમગ્ર મામલે જવાબદાર ગણાયેલા 8 કાઉન્સિલરો પાસેથી સરખા ભાગે 30 દિવસમાં વસૂલાત કરવાનો હુકમ કર્યો હતો.

જીજ્ઞેશ પટેલની લડત ફળી

પાલિકાની કારોબારી કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે જીગ્નેશ પટેલે ગત 12 જાન્યુઆરી 2015ના રોજ એસીબીના ડાયરેકટરને અરજી કરી હતી. આ અરજીની તપાસ મદદનીશ નિયામક, એસીબી-અમદાવાદ દ્વારા કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટના આદેશથી એસીબીએ ગુનો દાખલ કર્યો હતો. છતાં  રાજકીય દબાણના કારણે આ મામલે કોઇ નકકર કાર્યવાહી કરવામાં આવી ન હતી. સમગ્ર મામલે ફરિયાદમાં દર્શાવાયેલ મુદ્દાનુસાર ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં સરકારની માલિકીની જમીન જે આણંદ પાલિકા હસ્તક હતો તેને કોઇપણ જાતની જાહેર હરાજી વગર ભાડાપટ્ટે આપી દીધાનું બહાર આવ્યું હતું. જેમાં સરકારના નીતિનિયમોનું પાલિકા દ્વારા પાલન ન થયાનું અને સભ્યોએ સત્તાનો દૂરપયોગ કર્યાનું બહાર આવ્યું હતું.

સરકારની મંજૂરી લેવાઈ ન હતી

જો કે ગુજરાત નગરપાલિકા અધિનિયમના ઉલ્લેખ સાથે અહેવાલમાં જણાવાયું હતું કે, 10 વર્ષ કરતાં વધુ મુદતના સ્થાવર મિલકતના પટ્ટાની બાબતમાં તથા જેની બજાર કિંમત રૂ.1 લાખ કરતાં વધુ હોય તેવી સ્થાવર મિલકતના દરેક વેચાણ અથવા બીજી તબદીલી બાબતમાં રાજય સરકારની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક હતો. પરંતુ સરકારના કાયદા તેમજ સરકારના પરિપત્રોનો આણંદ પાલિકાના શોપીંગ સેન્ટરની ફાળવાયેલ દુકાનોની પ્રોસીજરમાં પાલન ન કરાયાનું ધ્યાને લેવાયું હતું. વધુમાં વેલ્યુએશન કમિટી પાસે વેલ્યુએશન ન કરાવવા સહિત પાલિકાની સમિતિએ જાતે ભાડુ નકકી કરીને ખુલ્લી જગ્યા જે તે દુકાનદારને ભાડે આપી દીધેલ હતો.

18 લોકોની ગેંગ દ્વારા સામૂહિક ભ્રષ્ટાચાર

એસીબીએ 28 નવેમ્બર 2016ના રોજ નિયામકને પાલિકાના 7 કાઉન્સિલરોને હોદ્દા પરથી દૂર કરવા જણાવ્યું હતું. મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકની કચેરી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ દ્વારા 28 નવેમ્બરે 2016ના રોજ નગરપાલિકા નિયામક, ગાંધીનગરને પત્ર દ્વારા જાણ કરી હતી. જેમાં જણાવાયું હતું કે, એસીબી, અમદાવાદના ખાસ અહેવાલ, તપાસ અધિકારીનો રિપોર્ટ મુજબ કુલ 18 વ્યકિતઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો તથા ઇપીકો કલમ ૧૦૯ મુજબનો ગંભીર ગુનો કર્યાનું પ્રથમ દર્શનીય રીતે જણાય હતો. ઉપરાંત આ ગુનાસર પાલિકાના ચૂંટાયેલા સાત કાઉન્સિલરોને હોદ્દા પરથી દૂર કરવા માટે આગળની કાર્યવાહી અગ્રતાના ધોરણે કરવા ભલામણ કરવામાં આવી હતી.

જિલ્લા લેન્ડ વેલ્યુએશન કમિટી જવાબદાર

જમીન મૂલ્યાંકન જીલ્લા લેન્ડ વેલ્યુએશન કમિટી દ્વારા આપવામાં આવેલ વર્ષ 2014ની પ્રતિ ચો.મી.ના રૂ.45920 નકકી કરેલી. જેથી દુકાનની કિંમત રૂ.4,59,250 બાય 6.51 ચો.મી. એટલે કે રૂ.2,98,939 થતી હતી. પરંતુ નગરપાલિકા દ્વારા ફકત રૂ.75,000 પ્રતિ દુકાનદાર પાસેથી મેળવીને સરકારને દુકાનદીઠ રૂ.2,23,939નું નુકસાન પહોંચાડેલ હતો. કુલ 13 દુકાનો ફાળવી હોવાથી કુલ રૂ.29,11,207નું સરકારને નુકસાન કર્યું હતું. જેથી પાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઓએ સત્તાનો દૂરપયોગ કરીને, દુકાનદારો પાસેથી લાંચની રકમ લઇને સરકારને નુકસાન પહોંચાડેલ હોવાનું પ્રથમ દૃષ્ટિએ તપાસ દરમ્યાન પ્રસ્થાપિત થતું હોવાનું જણાઇ આવ્યાનું અહેવાલમાં જણાવાયું હતું.