ગઈકાલે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વક્ફનાં ઓથા હેઠળ ગુજરાત ભરના મુસ્લિમોને એકત્ર કરાવ્યા અને બરાબરના ભાંડ્યા અને કોસ્યા. ભાજપને વોટ કેમ આલતા નથી? બાકી હતું તે કોંગ્રેસને આડે હાથે લીધી. બન્ને બાપલાને કહેવાનું મન થાય છે કે ભાઈઓ, પ્રોગ્રામ વક્ફ બોર્ડનો હતો તો વક્ફની વાત કરવાની હતી. તમારા નેતાઓએ વક્ફની મહામૂલી જમીનો પર કબ્જા કર્યા તેની સામે કાર્યવાહી કરવાની વાત કરવાની હતી. વક્ફની જમીનોને ભાજપ હસ્તકની મહાનગરપાલિકાઓએ વિકાસના નામે લઈ લીધી છે તેની વાત કરવાની હતી, વક્ફ બોર્ડ માટે ભેગા થયેલા મુસ્લિમ સમાજને કોંગ્રેસના નામના મેણાં-ટોણાં મારવાની જરૂર ન હતી.
ભાજપના નેતાઓ હજુ પણ 1990ની ગર્તામાં પહોંચી જાય છે. તેમને લતીફ, મહંમદ સુરતી અને કચ્છના ઈબાની જ યાદ રહે છે. એવું લાગે કે ભાજપે લતીફને પુરો કર્યો, વિજય રૂપાણીને ખબર જ છે લતીફનું એનકાઉન્ટર થયું એમાં ભાજપ કે તમારે ફૂલીને ફાળકા થવાની જરૂર નથી. લતીફનું એનકાઉન્ટર કોંગ્રેસ-રાજપા સરકાર વખતે થયેલું અને શંકરસિંહ મુખ્યમંત્રી હતા.
હવે મૂળ મુદ્દાની વાત. મુસ્લિમો ભાજપને વોટ આપતા નથી. નહીં જ આપે ને. એક કારણ બતાવો કે ગુજરાત તો શું દેશભરના મુસ્લિમો ભાજપને વોટ આપે. જ્યાં જૂઓ ત્યાં ભાજપની સરકારમાં મુસ્લિમોની હત્યા, અત્યાચાર, નોકરીઓમાં અન્યાય, રાજકીય રીતે શોષણ વગેરે અનેક મુદ્દાઓ છે. સ્ટેજ પરથી મુસ્લિમોને ખુલ્લેઆમ ભાંડવાની ભાજપમાં ફેશન છે. જો મુસ્લિમોને ભાજપના નેતાઓ ભાંડે નહીં તો પછી તેમની લાડકી વોટ બેન્ક ખતરામાં આવી શકે છે. ભાજપના નેતઓને મુસ્લિમોને ભાંડવા પણ છે અને વોટ પણ મેળવવા છે. ડરની રાજનીતિ હવે ઓસરી રહી છે. ડર ત્યાં સુધી જ ડર રહે છે કે જ્યાં સુધી તે પાંચ આંગળીની મુઠ્ઠીમાં બંધ છે. મુઠ્ઠી ખુલી કે ડર ગાયબ. ભાજપના નેતાઓએ હવે સમજી લેવાની જરૂર છે કે મુસ્લિમોના વોટ જોઈતા હોય તો મુસ્લિમોની સાથે સૌહાર્દપૂર્ણ રીતે વ્યવહાર કરવો પડશે. મુસ્લિમોને કોંગ્રેસ પ્રત્યે કોઈ પ્રેમ નથી. જ્યાં પણ દેશમાં મુસ્લિમોને કોંગ્રેસ અને ભાજપ સિવાયના સબળ વિકલ્પો મળ્યા છે મુસ્લિમોએ ભાજપ-કોંગ્રેસને ઢેબે માર્યા છે.
ભાજપે સાર્વજનિક પાર્ટી બનવાની તક ફરી પાછી ગૂમાવી છે. મોદીએ સદભાવના કરી હતી તો ત્યારે એમ લાગતું હતું કે ભાજપ દ્વારા વૈમન્સ્યના રાજકારણને તિલાંજલિ આપવાની શરૂઆત થઈ રહી છે. પરંતુ જેના મૂળભૂત એજન્ડામાં જ મુસ્લિમ વિરોધ છે ત્યાં આવી અપેક્ષા વધારે પડતી લાગી રહી છે. ભાજપના નેતાઓ માઈક પરથી બોલે છે કે વોટ મળતા નથી પણ અમે ભેદભાવ રાખતા નથી. પરંતુ કોઈ દિવસ દિલ પર હાથ રાખીને કહ્યું છે ગુજરાતમાં પાછલા 25 વર્ષમાં મુસ્લિમોના ઉદ્વાર માટેની કઈ કલ્યાણકારી યોજના અમલમાં મૂકવામાં આવી. એક એમ્બ્યુલન્સ અને વક્ફની ઝોનલ ઓફીસો આપી મુસ્લિમોનો ઉદ્વાર થઈ ગયો કે શું? પાંચ-સાત હજાર મુસ્લિમો એકઠાં થયા તો વિજય રૂપાણીએ તેમને ભાજપની તરફ વાળવાના બદલે આડકતરી રીતે કોંગ્રેસના નામે આડે હાથે લઈ લીધા. સંશોધન કરો કે મુસ્લિમો ભાજપને શા માટે વોટ આપતા નથી. જે દિવસે સાચા દિલથી મુસ્લિમોને સ્વીકારશો તે દિવસે મુસ્લિમો ભાજપને માથે બેસાડીને ચાર રસ્તે નાચશે.
ભાજપમાં મુસ્લિમો પ્રત્યે ભેદભાવ તો ભરપૂર છે. પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મુસ્લિમ સમાજને કોઈને કોઈ રીતે ભાંડીને ચૂંટણી કે પછી રાજનીતિની ખીચડી અત્યાર સુધી પાકી રહી છે અને કદાચ હજી થોડાં વર્ષ પાકતી રહેશે. ભેદભાવ મુસ્લિમોમાં નથી અને મુસ્લિમ સમાજને ભાજપ સાથે આભડછેટ પણ નથી. મામલો સ્વમાન અને સ્વાભિમાનનો છે. અરસ-પરસ આદર, સદ્ભાવ અને સન્માનનો મામલો છે. દરેક સમાજનાં બે-પાંચ ટકા નોટેરીયસ લોકો રહેવાના જ, પણ તેનાથી સમગ્ર સમાજ જ એવો છે એવો અપપ્રચાર દેશ માટે ખતરનાક છે. જો ભેદભાવ હોય તો આટલા મોટા પ્રમાણમાં મુસ્લિમો કાર્યક્રમમાં આવ્યા ન હોત અને ભાજપ કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચમાં સક્રીય ન હોત. મુખ્ય સંગઠનમાં કોઈ દિવસ મુસ્લિમને સ્થાન આપવું નથી. લઘુમતિ મોરચો છે તો બે માણસોથી ચલાવવામાં આવે છે. કેમ ભાઈ, 25 વર્ષમાં એકેય મુસ્લિમને વક્ફ અને લઘુમતિ ફાયનાન્સ બોર્ડ સિવાય ક્યાં કશું પણ આપ્યું છે. કોંગ્રેસ મુસ્લિમોને ચૂંટણીમાં ઉભા રાખે છે અને જીતાડવા મહેનત પણ કરે છે અને ભાજપમાં મુસ્લિમને ટીકીટ અપાઈ હોય તો ભાજપના કાર્યકરો જીતાડવા મહેનત જ કરતા નથી.
ભેદભાવ અંગે ઘણું બધું લખી શકાય છે પણ વાત ગુજરાતની છે તો આટલા ઉદાહરણો પુરતા છે. નરી આંખે જોઈ શકાય તેવો ભેદભાવ રૂપાણીજી આપ રખતે હો. આપ હમકો ગાલી દેતે હો તો પહેલે અપને આપ કો આઈને મેં દેખ લો.
આઈને કે રૂબરૂ ખડે હો જાઓગે તો પતા ચલ જાયેગા
ખોટ તુઝ મે હૈ યા એબ મેરે કિરદાર મે હૈ
સૈયદ શકીલના સલામ…