ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની ૨૬ લોકસભા મતવિસ્તારોની રાજકીય અને સામાજિક પરિસ્થિતિની વિગતો એકત્રિત કરવા માટે વિવિધ સ્તરીય વ્યવસ્થા ગોઠવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે પ્રદેશ સંગઠનના આગેવાનોના પ્રવાસ બાદ હવે પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ તમામ મતવિસ્તારોનો સમયાંતરે પ્રવાસ શરૂ કરનાર છે. પ્રભારી જિલ્લા-લોકસભા બેઠકના વિસ્તારમાં આવતા કાર્યકરોને અલગ અલગ રીતે મળીને વિગતો એકત્રિત કરવાના છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જિલ્લામાં, કારોબારીમાં હાજરી આપીને સંગઠનને દોડતું કરવા સામે આવી રહેલા અવરોધોની વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આની સાથોસાથ હવે પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પોતે દરેક મતવિસ્તારનો પ્રવાસ ખેડવાના છે. પ્રભારી જિલ્લા, તાલુકાના આગેવાનો સાથે બેઠક કરવા સાથે બૂથ સમિતિ અને શક્તિ કેન્દ્રોની રચના, તેના સભ્યોની કામગીરી, વિસ્તરકોના પ્રવાસો પછીની સમીક્ષા વગેરે જાણકારી મેળવશે. ભાજપના સૂત્રોના કહેવા પ્રમાણે, લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને દરેક બૂથ દીઠ નવા ૨૫ સભ્યો બનાવવા માટે દરેક જિલ્લા-લોકસભા મતવિસ્તારને ટાસ્ક સોંપવામાં આવ્યો છે. આમ તો સંગઠન સંરચના પૂર્વે સદસ્યતા ઝૂંબેશ શરૂ કરવામાં આવતી હોય છે, આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ કામગીરી જુદી રીતે શરૂ કરવામાં આવી છે, તેમ કહી સૂત્રો ઉમેરે છે કે, આ વખતે દરેક બૂથમાં નવા ૨૫ સભ્યોનો સંપર્ક કરવાની સાથે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવાની સરળતા રખાઇ છે. પરંતુ સ્થાનિક સ્તરે કાર્યકરોએ નવા સભ્યોને પક્ષ સાથે જોડવાને બદલે હયાત કાર્યકરો મારફતે જ કેટલાકના નવા જીઓ નંબરો મેળવી તેને મિસ્ડ કોલ કરાવી એનરોલ કરવાની પદ્ધતિ અપનાવી હોવાની વિગતો બહાર આવી છે. આને કારણે જિલ્લા અને પ્રદેશ સ્તરેથી ક્રોસ વેરિફિકેશનની પ્રક્રિયા ઘણી લાંબી ચાલશે એમ સમજાય છે. આ સૂત્રોએ એમ પણ ઉમેર્યું છે કે, સંગઠનના કાર્યક્રમોની પક્ષના ધારાધોરણો મુજબ વિગતો એકત્રિત કરવા માટે અત્યાર સુધી ટેલિફોનિક વ્યવસ્થા ગોઠવાયેલી હતી.