ભાજપ સંગઠનમાં જૂથ, સગા અને જ્ઞાતિવાદની યાદીનું ફીંડલું વાળી દેવાયું

ઘોચમાં પડેલી નિમણૂકમાં ‘મારા-તારા’ની ગોઠવણ હવે દિલ્હીથી થશે : ભાજપ છાવણીમાં ભારે સસ્પેન્સ

ભાજપના જિલ્લા પ્રમખોની નિમણૂંકો એક મહિનાથી ઘોંચમાં પડી છે. ગુજરાત ભાજપમાં જિલ્લા પ્રમુખોની પસંદગીનું ગુંચવાયેલુ કોકડું ઉકેલવા દિલ્હી દરબાર પોતાના માણસો ગોઠવી દેશે. ગુજરાત ભાજપમાં ચાલી રહેલા જુથવાદ, જ્ઞાતિવાદે  ભરડો લીધો છે. અમિત શાહને પરેશાન કરેલી તેવી ચોક્કસ જ્ઞાતિઓને કોઈ પદ ન આપવા અને આપવા તો કહ્યાગરાને જ આપવા એવું નક્કી થયું છે. 19મી ડિસેમ્બર પછી ગુજરાત ભાજપમાં 33 જિલ્લા, 8 મહાનગરો અને પ્રદેશ હોદ્દેદારોની પસંદગીનો નિર્ણય કરીને 31 ડિસેમ્બર પહેલા તબક્કાવાર નામો જાહેર થશે તેમ મનાય છે. ભાજપના તમામ નિર્ણયો હવે દિલ્હીથી લેવામાં આવી રહ્યાં છે.

ભૂલથી પણ આનંદીબેન પટેલ કે બીજા કોઈ જૂથના લોકોને જિલ્લામાં હોદ્દા ન મળે તે માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે.

કલમ-370ની નાબૂદી, રામમંદિર, નાગરિકતાનો કાયદો જેવી કૃત્રિમ બાબતો ઊભા કરીને દેશમાં હિન્દુત્વનું હવામાન જામ્યુ છે. તેનો ફાયદો લેવા માટે સંગઠવમાં કટ્ટર હિન્દુઓને લેવા માટે સંઘ તરફથી આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં છ પૈકી ત્રણ બેઠક ઉપર ભાજપની હાર થતા નવેમ્બરમાં ભાજપના જ જ્ઞાતિવાદી, જુથવાદી, સગાવાદી નેતાઓએ માથું ઉચકી જિલ્લા- મહાનગરના સંગઠનમાં જૂથવાદ કરીને પોતાના લોકોને ગોઠવવા માટે નામોની યાદી તૈયાર કરી હતી. જે અટકાવી દેવામાં આવી છે. પ્રદેશના ચોક્કસ નેતાઓ આ માટે જવાબદાર હોવાનું જણાતાં હવે દિલ્હી દરબાર નક્કી કરશે કે કોને જિલ્લા પ્રમુખ બનાવવા.

રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષે વાંરવાર ગુજરાતની મુલાકાતો, વન ટુ વન બેઠકો પણ કરી હતી. છતાંય ઉકેલ આવ્યો નથી.  ન આવતા નવા સંગઠનનો મુદ્દો દિલ્હીમાં લટક્યો છે. બુધવારે સંસદનું શિયાળુ સત્ર પુર્ણ થાય છે.

19-20 ડિસેમ્બર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ નક્કી થઇ રહ્યો છે. ભાજપના જિલ્લા મહાનગરોમાં નવા પ્રમુખ, મહામંત્રીઓ સહિતના પદાધિકારીઓની નિમણુંકોનો નિર્ણય થશે. શાહ બે દિવસ ગુજરાતમાં હોવાથી પ્રદેશ ભાજપના સંગઠન સાથે બેઠકો યોજશે તેમ કહેવાય છે.