29 જુલાઈ 2018ના રોજ યોજાયેલ 1.47 લાખ માધ્યમિક શિક્ષકોના પરીક્ષાર્થીઓની ટાટ પરીક્ષાના આગલા દિવસે પેપર લીક થયા અંગેની ફરિયાદ થયા છતાં રાજ્ય સરકાર તપાસ કરવા કે પોલીસ કેસ કરવા ગંભીર નથી.
માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષા 29 જુવાઈ 2018ના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર સમય પહેલા એટલે કે, વહેલી સવારથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી ફરતું થયું હોવાની વ્યાપક ફરિયાદ મળી હતી. આ અંગે પરીક્ષાર્થીઓએ તથા જાગૃત નાગરિકોએ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ પરીક્ષાનું આયોજન કરતાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ, મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ પત્ર લખી તટસ્થ તપાસ માટે માંગણી કરી હતી. આજદિન સુધી પગલાં ભરાયા નથી.
માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષાના પેપર લીકની ઘટનાથી મહેનત કરીને શિક્ષક તરીકે પ્રમાણિક પ્રયત્નોથી કારકિર્દી ઘડવા માંગતા હજારો યુવાન-યુવતીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. ટેટ-ટાટની પરીક્ષામાં ગેરરીતી અંગે વારંવાર ફરિયાદો મળી રહી છે. પેપર લીક પાછળ લાખો રૂપિયાના નાણાકીય વ્યવહારની ફરિયાદો કરી છે. ટાટની પરીક્ષાનું પેપર રૂ.5 લાખથી રૂ.8 લાખમાં વેચાયાની મોબાઈલ નંબર સાથે વિગતવાર ફરિયાદ કરી તેને 26 દિવસ થયા છતાં હજુ સુધી કોઈ પગલાં ભરાયા નથી.
વર્ષ 2014માં 1500 તલાટીની ભરતીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હતું. અને વ્યાપક ફરિયાદ બાદ 4 જુલાઈ 2015 રોજ ભાજપ સરકારને ના છૂટકે ભરતી રદ્દ કરવાની ફરજ પડી હતી. મહેસુલ મંત્રી અને પંચાયત મંત્રી સામે આરોપો કરાયા હતા.
રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળમાં છેલ્લા 10 વર્ષમાં મોટા પાયે આર્થિક વ્યવહારથી ભરતીમાં કૌભાંડો આચરવામાં આવ્યા છે. ભાજપ શાસનમાં મોટા ભાગની સરકારી નોકરીઓમાં ગેરરીતી અને આર્થિક વ્યવહાર દ્વારા ભરતી કૌભાંડ કરવામાં આવે છે. તલાટી કાંડ બાદ રાજ્યમાં શિક્ષક ભરતી કૌભાંડ પણ ઘણું મોટું અને વ્યાપક છે. ભાજપ સરકારમાં એક પછી એક સરકારી નોકરીના ભરતી કૌભાંડ સામે આવી રહ્યા છે.
સીસીટીવી ફૂટેજ કેમ એકત્ર કરવામાં આવ્યા નથી. મોબાઈલ નંબર, ગેરરીતીના સ્થળો સહિતની માહિતી આપી છે પણ વિગતો એકઠી કરવામાં આવી નથી.
ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, માધ્યમિક શિક્ષણ બોર્ડ અને વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયામાં વારંવાર ગેરરીતી અને મોટા પાયે આર્થિક લેવડ-દેવડના કિસ્સાઓ સામે આવ્યા છે. HTAT ની ભરતીમાં આણંદ ખાતે મોટું ભરતી કૌભાંડ આવ્યું, ટ્રાઇબલ ડેવલોપમેન્ટની ધોરણ-6 થી 8ની વિદ્યાસહાયક ભરતીમાં કૌભાંડ બહાર આવ્યું હતું. વિદ્યાસહાયકોની ભરતીના મેરીટમાં ગેરરીતિઓ થઈ, નર્સિંગ, મલ્ટીપર્પજ હેલ્થ વર્કર, તલાટી, વર્ગ-૩ અને ૪ ના ક્લાર્ક, સચિવાલય ક્લાર્ક સહિતની ભરતીઓ તથા ખોટા સર્ટીફીકેટો, નકલી પદવી દ્વારા નોકરીની ગોઠવણ અંગે અનેક ફરીયાદો રાજ્ય સરકારને મળી હોવા છતાં ભાજપ સરકાર આંખ આડા કાન કર્યા છે. સાચા લોકોને ન્યાય મળવાને બદલે કૌભાંડ કરનારાઓને સરકાર બચાવવાનું કામ કરી રહી છે.