ભાજપ સરકારનું જમીન રી-રસવે કૌભાંડના પુરાવા મળ્યા

રાજ્ય સરકારે વર્ષ 2009 – 10 થી ગુજરાતના 1 કરોડ 25 લાખ જેટલા સરવે નંબરોને ફરીથી માપી રેકર્ડ આધુનિક અને ઉપગ્રહ ટેકનોલોજીનો ઉપયોગ કરી ડીઝીટલાઈઝ કરવા જમીન માપણી ચાલુ કરી હતી. ઉપગ્રહની મદદથી થયેલી જમીન માપણી એ ગુજરાતની ભાજપ સરકારનું સૌથી મોટું જમીન કૌભાંડ છે. જેમાં ચાર પ્રધાનો અને ભાજપના ટોચના નેતાઓ સંડોવાયેલા છે. ભાજપના એક નેતાની હૈદરાબાદની આઈ આઈ સી ટેકનોલોજી લિમિટેડ કંપનીને જમીન માપણી કરવાનો રૂ.700 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કંપનીએ બધા જ નિયમો નેવે મૂકી એક ઓફિસમાં બેસી સંપૂર્ણ કામગીરી પુરી કરી હોવાનું જાહેર કર્યું હતું. પણ ખેડૂતોની જમીનમાં મોટા ગોટાળા થઈ ગયા હતા. સરકાર પાંચ વર્ષથી આ કંપનીને છાવરતી રહી છે.

ખેડૂતોના વિરોધ બાદ આખરે સરકારે જામનગરના પીપર અને દ્વારકાના સામોર ગામનો જમીન સરવે કરવા માટે સેમ્પલ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

શું થયું પીપર ગામમાં

પીપર ગામના આવેલા રિપોર્ટ મુજબ પીપર ગામમાં કુલ 1094 સરવે નંબર છે તે તમામ સરવે નંબરને સરકારના લોકલ સર્વેયરોએ ફરીથી માપ્યા હતા. જેમાં તમામ 1094 સરવે નંબરમાં ભૂલ સાબિત થઈ હતી. આમ સરકારે કરેલી જમીન માપણીમાં 100% ભૂલ મળી આવી હોવાથી મહેસૂલ વિભાગને માથે કાળી ટીલી લાગી ગઈ છે. આ ગામના 544 સર્વે નંબર એવા મળી આવ્યા છે કે, એક ખેડૂતની જમીન બીજા ખેડૂતના ખેતરમાં જતી રહી છે એવા નકશા તૈયાર કરેલાં છે. ઉપગ્રહે તો કબજો જ બદલી નાંખ્યો છે. આમ 50 ટકા ખેડૂતોના ખેતર બદલાઈ ગયા છે.

ગ્રીડના પથ્થર એક મોટું કૌભાંડ

પીપર ગામમાં કુલ 37 ગ્રીડના પથ્થર ખોડવાના ફરજિયાત હતા. જ્યા સરકારે તપાસ કરી તો એક પણ પથ્થર નાંખવામાં આવ્યો નથી. જમીન માપણી માટે પાયાનો પથ્થર ગણી શકાય એવો ગ્રીડનો પથ્થર જેના આધારે આખી જમીન માપણી કરવાની હતી તે પથ્થર જ નાંખવામાં આવ્યા ન હતા. સમગ્ર ગુજરાતમાં આવા 1,70,000 આવા ગ્રીડના પથ્થર નાંખવાના હતા. મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે કહ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 1,70,000 ગ્રીડના પથ્થરના બેચમાર્કસ (ટર્સરી પોઇન્ટ) નાંખીને ઉપગ્રહની મદદથી સરવે કરાયો છે. આ બેચમાર્કનો ઉપયોગ આવનારા 100 વર્ષ સુધી કરવાનો હતો. પણ ખરેખર તો પાયાના પથ્થર જ ક્યાંય ખોદવામાં નથી.

સરકારનું જૂઠ્ઠાણું પકડાયું

મહેસૂલ પ્રધાન કૌશિક પટેલનું જૂઠ પકડાઈ ગયું છે. રાજ્યમાં ક્યાંય પથ્થર નાંખવામાં આવ્યા નથી અને સરકાર દ્વારા કંપનીને આ પથ્થર ખોડવાના કરોડો રૂપિયા ચૂકવી દીધા છે. જે ફોજદારી ગુનો છે. સરકારના અધિકારીઓએ આ નાણાં ન ચૂકવવા માટે કહ્યું હતું. પણ ભાજપની વિજય રૂપાણીની સરકારે તે ચૂકવણી કરી દઈને મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું તેમના જ અધિકારીઓએ કરેલાં સરવેમાં બહાર આવ્યું છે. જે સરકારનો ગંભીર ફોજદારી ગુનો છે.

કબુલાત છતાં નાણાં ચૂકવાયા

2017ની વિધાનસભા ચૂંટણી પહેલા વડોદરામાં મુખ્યમંત્રી વીજય રૂપાણીએ જાહેરમાં એકરાર કર્યો કે હા જમીન માપણીમાં ભૂલો છે, અમે સુધારવા પ્રયત્ન કરીશું. છતાં નાણાં ચૂકવી દેવાયા છે. ઓગસ્ટમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલે સ્વીકાર કર્યો હતો કે 2% ભૂલ થઈ છે, અમે સુધારવાનો પ્રયત્નો કરશું. ત્યાર બાદ 3 કેબિનેટ મંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રી સહિત એક સમિતિની રચના કારવામાં આવી હતી. સમિતિને લાગ્યું હતું કે ખોટું થયું છે તેથી કેબિનેટની બેઠકમાં જમીન માપણી મુદ્દે ચર્ચા થઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યું હતું કે 6000 ગામોમાં જમીન માપણીની કામગીરીને સ્થગિત કરી દેવામાં આવી છે.

12 હજાર ગામનું શું થશે

12220 ગામોમાં પ્રમોલગેસન થઈ ગયું છે. જ્યાં સૌથી વધારે પ્રશ્નો આ ગામોમાં છે. સરકાર અને ખેડૂતો દ્વિધામાં છે કે આપણું શું થશે. નમુનાનો સરવે કર્યા બાદ હવે સરકાર પાસે એક જ માર્ગ છે. જે સરવાની કામગીરી થઈ છે તે રદ કરી દેવી. કારણ કે સેમ્પલ ટેસ્ટમાં 149.72%  જમીન માપણી ખોટી સાબિત થઈ છે.  સેટલમેન્ટ કમીશ્નર સહિત જમીન માપણી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ હવે થશે. અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ જમીન માનમાં આવે છે. 50 ટકા ખેડૂતોના ખેતરોની માલિકી બદલાઈ ગઈ છે. હવે સરકાર પાસે જમીન માપણી રદ્દ કરવા સિવાય બીજો વિકલ્પ જ નથી.

ખેડૂત હીત રક્ષક સમિતિની લડાઈ ફળી

તત્કાલીન કેંદ્ર સરકારની આ યોજનાનો ઉદ્દેશ બહુ સારો હતો 500 જેટલા પાનાની બનેલી નિયમાવલી પણ બહુ જ સરસ હતી પરંતુ તેમની અમલવારીમાં દલા તરવાડી જેવી પરિસ્થિએ ગુજરાતના ખેડૂતોને કાગળ પર જમીન વિહોણા કરી દીધા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. તેની સામે ખેડુત હીત રક્ષક સમિતિમાંથી પાલભાઇ આંબલિયા અને ગિરધારભાઈ વાઘેલા અને તેની ટીમે સતત લડત ચલાવી, ખેડૂતોમાં જાગૃતિ લાવવા જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાના 174 ગામોમાં જાગૃતિ કેમ્પ કરી, સરકાર સામે આંદોલન, ધરણા, પ્રદર્શન કરી, નામદાર ગુજરાત હાઈકોર્ટે માં પણ ધા દીધી હતી પરંતુ સરકારનું પેટનું પાણીયે હલતું ન હોય છેલે ગુજરાતના જાગૃત અખબારો, ન્યૂઝ ચેનલોએ આ મુદ્દાને વાચા આપી હતી અને સરકારે પારોઠના પગલાં ભરવાની ફરજ પડી હતી. આર ટી આઈ દ્વારા મળેલા દસ્તાવેજોએ સરકાર અને કંપનીની પોલ ને ખોલી નાખી છે.

અધિકારીઓએ ચેતવણી આપી

સરકારમાં બેઠેલા કેટલાક કર્મચારીઓ, અધિકારીઓએ સરકારનું અનેક વખત આ ખોટી જમીન માપણી બાબતે ધ્યાન દોરવા છતાં સરકાર ટસ ની મસ થતી નહોતી. ગત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારના પ્રતિનિધિઓ આ ખોટી જમીન માપણીના વખાણ કરતા ધરાતા નહોતો સરકારના મહેસુલ મંત્રીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે “બીજા 13 રાજ્યોના પ્રતિનિધિઓ આપણી સરકારની આ કામગીરી જોવા આવ્યા છે અને એને વખાણી છે” આવા શબ્દો તત્કાલીન મહેસુલ મંત્રીએ ઉચારેલા હતા. સરકારના જ અનેક સર્વેયરોએ કર્મચારીઓએ પોતાના વખતો વખતના રિપોર્ટમાં સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આવા ગ્રીડના પથ્થર, ટર્સરી પોઇન્ટ, બેચમાર્કસ ક્યાંય મળેલ નથી તેમ છતાં તેના નાણા જેતે સમયે યોગ્ય ખરાઈ કર્યા વગર જ  ચૂકવી નાણાની ગુનાહિત ઉચાપત કરવામાં આવી છે જે કાયદેસરનો ગુનો બને છે તે બાબતે આજે પાલભાઇ આંબલિયા એ જામનગર એસપી સાહેબને લેખિતમાં ફરિયાદ આપી ફોજદારી રાહે કાર્યવાહી કરવા જણાવ્યું છે.