નર્મદા પ્રધાને જણાવ્યું હતું કે, સરદાર સરોવર નર્મદા યોજનાની કેનાલોનું આજે 10795.81 કિ.મી. લંબાઈનું કામ આજે પણ બાકી છે. આ લંબાઈ પૈકી શાખાઓનું 110.98 કિ.મી., વિશાખાઓનું 209.82 કિ.મી., પ્રશાખાઓનું 1691.44 કિ.મી., પ્રપ્રશાખાઓનું 8783.57 કિ.મી.નું કામ આજે પણ બાકી છે. નર્મદા યોજના માટે કુલ રૂ. 70167.55 કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. તે પૈકી રૂ. 42793.79 કરોડનો ખર્ચ નહેરો પાછળ કરવામાં આવ્યો છે અને બાકી રહેતી કેનાલો માટે રૂ. 4,354 કરોડનો ખર્ચ થવાનો સંભવ છે.
નર્મદા યોજનાની કેનાલોનું કામ ઘણાં સમય પહેલાં પૂર્ણ થવાનું હતું પરંતુ સરકારની ઢીલી નીતિને કારણે સરદાર સરોવર નર્મદા યોજનાની વિવિધ કેનાલો પૈકી 10795.81 કિ.મી.નું કામ આજે પણ બાકી રહ્યું છે. હજી પણ જો વિવિધ કેનાલોનું બાકી કામ સમયસર પૂર્ણ કરવામાં નહીં આવે તો આ ખર્ચ ઘણો વધી જશે તેવો ભય શૈલેશ પરમારે વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં નર્મદા કેનાલોમાં તા. 31-5-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં 207 વખત ગાબડા/ભંગાણ પડવાના
બનાવો બન્યા છે. તેમાં તા. 1-6-2017થી તા. 31-5-2018 સુધી 124 વખત અને તા. 1-6-2018થી તા. 31-5-2019 સુધી 83 વખત ગાબડા, ભંગાણ પડયા છે અને આ ગાબડા રીપેર કરવા પાછળ છેલ્લા બે વર્ષમાં અનુક્રમે રૂ. 40.28 લાખ અને રૂ. 37.54 એમ કુલ રૂ. 77.82 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. આ કેનાલોમાં ભંગાણ પડવાના કારણોમાં ખેડૂતો દ્વારા માંગણી પ્રમાણે પાણીનો ઉપાડ ન કરતાં નહેર ઓવરટોપ થવાથી, ઉંદર કે નોળીયાના દરમાં લીકેજ થવાથી, જુના અને નવા કામના જોઈન્ટમાં નબળા બાંધકામથી પાણી લીકેજ થવાથી વગેરે કારણોસર ગાબડા/ભંગાણ પડે છે તેવો ખુલાસો આજે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્યશ્રી શૈલેષ પરમારના તારાંકિત પ્રશ્નના જવાબમાં થયો હતો.