ભાજપ સરકારે 13 હજાર શાળા બંધ કરી, 3.70 લાખ કરોડનું દેવું

વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પરની સામાન્‍ય ચર્ચામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ચાણક્‍યએ કીધું હતું કે, ‘કોઈપણ રાજ્‍યમાં નાણાની સુયોગ્‍ય વ્‍યવસ્‍થા એ એનો પાયાનો સિદ્ધાંત છે. નાણાનો યોગ્‍ય જગ્‍યાએ વપરાશ ન થતાં દરેક વિસ્‍તારના, દરેક વર્ગના લોકોની સમસ્‍યાઓનું સમાધાન થયું નથી. આથી ગુજરાતના લોકોની આશા ઠગારી નીવડી છે.

રાજ્‍ય સરકારે તેના સત્તાવાર પુસ્‍તકમાં દર્શાવ્‍યા મુજબ રાજ્‍યનું વર્ષ 2017 માર્ચ સુધીનું જાહેર દેવું રૂ. 1,99,338 કરોડનું છે. એ જ સમાન તારીખે રીઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાએ તેના રિપોર્ટમાં જણાવ્‍યું છે કે, ગુજરાત સરકાર ઉપર રૂ. 2,48,000 કરોડની જવાબદારીઓ છે. તો આ રૂ. 50,000 કરોડ જેટલો તફાવત શા માટે છે ? તેની નાણા મંત્રીશ્રીએ સ્‍પષ્‍ટતા કરવી જોઈએ.

વધુમાં રીઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાએ તેના અહેવાલમાં માર્ચ-2018ની સ્‍થિતિએ રૂ. 3,18,000 કરોડનું ગુજરાત ઉપર દેવું હશે તેવું નોંધ્‍યું હતું. આ ગણતરી મુજબ માર્ચ-2019ની સ્‍થિતિએ ગુજરાતનું દેવું રૂ. 3,70,000 કરોડ કરતાં પણ
વધુ થાય. રાજ્‍ય સરકાર દર વર્ષે બજેટ રજૂ કરીને ફુલ ગુલાબી સપનાઓ દેખાડે છે કે લોકોનું જીવન-ધોરણ
સુધરશે, એની આવક વધશે, નવયુવાનોને રોજગારી મળશે, મોંઘવારી ઘટશે વગેરે. પરંતુ આજે રાજ્‍ય સરકારની નિષ્‍ફળ નીતિઓના કારણે દેશનું ગ્રોથ એન્‍જીન ગણાતું ગુજરાત ખોટકાઈ ગયું છે. શું આજે
ગુજરાતમાં મંદી નથી ? ગુજરાતમાં કરની આવકો ઘટી નથી ? સમાજના તમામ વર્ગોના લોકોનો સામુહિક
વિકાસ થાય તો જ ભારત અને ગુજરાત મહાન બની શકે. સરકાર દર વર્ષે બજેટમાં વધુ નાણાંની જોગવાઈ તો
કરે છે પરંતુ અમીર વધુ અમીર થતો જાય છે અને ગરીબ વધુને વધુ ગરીબ થતો જાય છે. એવું આયોજન આ
સરકાર શા માટે કરે છે ? લોકોની આવકો, ધંધા-રોજગાર ઘટતા જાય છે, બેરોજગારીનો ગ્રાફ વધતો જાય છે,

તેની આવકના સ્રોત ઘટયા છે. આ સરકારની નિષ્‍ફળ નીતિઓ અને કરભારણના કારણે સામાન્‍ય માણસ
વ્‍યાંજક વાદીઓની જાળમાં ફસાતો જાય છે. બેંકમાં લોન લેવા જાય પરંતુ વારંવાર ધક્કા ખાધા બાદ પણ
તેને લોન મળતી નથી. બેંકમાંથી લોન લઈ, કરોડો રૂપિયા વિજય માલ્‍યા, નીરવ મોદી જેવા લઈને વિદેશમાં
ભાગી ગયા છે. અમરેલીમાં મેં એક સર્વે કર્યો, જેમાં 5,000, 10,000, 15,000 રૂપિયાની લોન માટે 400 કરતાં
વધુ દુકાનો ભાડે આપે છે. તેનો ભાડાનો દર શરાફી 10%થી 60% સુધી હોય છે. આમ, રૂપિયા ભાડે આપે છે
અને તેનું ભાડું વસુલે છે, વ્‍યાજ નહીં. આ જમીની હકીકત છે. રીઝર્વ બેન્‍કના ગર્વનરશ્રી જેમાં સહી કરે છે તે
પણ આ ભાડું ચૂકવી ન શકે અને વ્‍યાંજક વાદીઓની જાળમાં ફસાતો માણસ તેની પઠાણી ઉઘરાણીના ત્રાસથી
જીવનનો અંત લાવે તેવા કેટલાય બનાવો ગુજરાતમાં બન્‍યા છે. ભાજપ સરકાર દ્વારા ‘વન નેશન વન
ટેક્‍સ’ની વાત કરવામાં આવે છે. તો તેની શરૂઆત ગુજરાતથી જ કરવી જોઈએ. પેટ્રોલિયમ પેદાશોને
જીએસટીમાં સમાવવા જોઈએ, વેટ વસુલવાનું બંધ કરવું જોઈએ. આજ સુધીના ઈતિહાસમાં 84-85 રૂપિયે
લિટર પેટ્રોલનો ભાર વહન કરવા સામાન્‍ય માણસ સક્ષમ નથી. મોંઘવારીના મારથી એનું બજેટ ખોરવાઈ ગયું
છે. એને બે ટાઈમ ચુલા સળગશે કે કેમ ? એની ચિંતા છે. આવી ગંભીર પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે. સરકારે
મોંઘવારી ઘટાડવા બજેટમાં નક્કર આયોજન કરવું જોઈએ.
ધાનાણીએ મગફળી કાંડ મુદ્દે આકરા પ્રહારો કરતાં જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ઘોડીયે હીંચકતું
બાળક પણ 4000 કરોડ રૂપિયાના મગફળી કાંડના પુરાવા જોઈ શકે છે. સત્તાપ્રેમમાં ધૃતરાષ્‍ટ્રે જ્‍યારે આંખો
બંધ કરી હતી ત્‍યારે આખા કૌરવ કુળનો નાશ થયો હતો.  ધાનાણીએ સરકારને વિનંતી કરતાં જણાવ્‍યું હતું
કે, આપણે રામરાજ્‍યના સપના જોઈએ છીએ. તો ગુજરાતમાં ઘોડીએ હીંચકતું બાળક પણ જોઈ રહ્‌યું છે કે,
4000 કરોડ રૂપિયાના મગફળી કાંડમાં સરકારી ગોડાઉનોમાં કોથળા ખોલીએ તો મગફળીના બદલે માટી,
પથ્‍થર અને કાંકરા નીકળે છે. તો કયા પુરાવાની તમે રાહ જુઓ છો ? કેમ ગુનેગારોને જેલમાં પૂરતા નથી ?
રાજ્‍યમાં ભાજપના શાસનમાં મગફળી કાંડ, ખાતર કાંડ, તુવેર કાંડ જેવા કૌભાંડોની હારમાળા છે. આ સરકારે
નવી યોજના ‘‘કૌભાંડ યોજના 39; જાહેર કરવી જોઈએ.
આપણે ભયમુક્‍ત ગુજરાતની વાત કરીએ છીએ, પણ આજે રાજ્‍યમાં બેટી બચાવો, બેટી પઢાઓ,
બેટીને પીટાવવાની પણ ખરી ? પાણી માગે એટલે બેટીને ભાજપના નિશાન ઉપર ચૂંટાયેલા ધારાસભ્‍ય
બેરહમીથી પીટી અને બળેવ ન હોય એ દિવસે રાખડી પણ બંધાવી દીધી. રાજ્‍યમાં આજે શિક્ષણનું સ્‍તર
કથળ્‍યું છે. કરોડો રૂપિયા શિક્ષણ પાછળ બજેટમાં ફાળવ્‍યા તો પણ 2002ની સરખામણીએ 2019માં સરકારી
પ્રાથમિક શાળાઓ, માધ્‍યમિક શાળાઓ દિન-પ્રતિદિન બંધ થતી જાય છે. વર્ષ 2011થી 2017 સુધીમાં કુલ
13,500 કરતાં વધુ સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થઈ છે. આમ, ગુજરાતના લોકોના પરસેવાની કમાણીને ફી
માફીયાઓના હવાલે કરવાનું પાપ ભાજપ સરકાર દ્વારા શા માટે કરવામાં આવે છે ? દિન-પ્રતિદિન સરકારી
શાળાઓ બંધ થતાં વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાં ભણવા મજબુર થવું પડે છે. તાજેતરમાં જ વરાછાના
સરથાણમાં એક ખાનગી ટયુશન ક્‍લાસમાં ભણવા ગયા અને ત્‍યાં બિલ્‍ડીંગમાં દુર્ઘટના સર્જાતા આગ લાગી
અને 22 બાળકોને જીવ ગુમાવવા પડયા. ત્‍યારબાદ તેઓના પરિવારોને આજદિન સુધી ન્‍યાય પણ ન મળે ?
ત્‍યારે ક્‍યાંક આ સરકારે સંવેદના ગુમાવી તો નથી દીધીને ? લોકોની સુરક્ષા માટે કોઈપણ ગુનેગારો હોય
તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

વર્ષ 2008માં ગુજરાત અને સમગ્ર દેશમાં જગતના તાતની કમાણી ઉપર નજર બગાડવાનું પાપ આ
ગુજરાતની ભાજપ સરકારે કર્યું હતું. વર્ષ 2008માં ગુજરાતમાં ખેતીના ઉત્‍પાદન પર વેટ નામના વેરાની
શરૂઆત થઈ. ખેડૂતો પાસેથી જેટલો કરવેરો ઉઘરાવવામાં આવે છે એટલું પણ બજેટ ગુજરાત સરકાર દ્વારા
કૃષિ વિભાગને ફાળવ્‍યું નથી. આજે રૂપિયા એક લાખ કરોડ કરતાં વધુનું ઉત્‍પાદન ખેડૂતનો દીકરો લોહી-
પરસેવાના ટીપે સિંચીને કરે છે, પરંતુ એના ખાતર-બિયારણ-જંતુનાશક દવા ઉપર વેરાનો વધારો, ઓજારો
ઉપર વેરાનો વધારો, મોંઘી વીજળી, મોંઘા સિંચાઈ દરથી આજે ગુજરાતના તાતની કમાણી લુંટાઈ રહી છે.
ખેડૂતોના ખેતરે નર્મદાનું પાણી પહોંચાડવામાં સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે. ઉર્જા ઉત્‍પાદન માટે કરોડો
રૂપિયાનું રોકાણ કર્યું પરંતુ સરકારી વીજ ઉત્‍પાદન વધવાને બદલે ઘટયું છે. આમ, ખાનગી કંપનીઓના
ખિસ્‍સા ભરવા માટે પાછલા બારણે આયોજન થાય છે. કૃષિ આધારિત આપણું આ અર્થતંત્ર છે. દેશ અને
રાજ્‍યમાં સૌથી ઓછા રોકાણે કમાણી કરી આપનારું ક્ષેત્ર ભાંગીને ભુક્કો થઈ જશે. આવતા દિવસોમાં ખેડૂતોના
દીકરા ખેતીથી મોઢું ફેરવી લેશે તો ઉપજાઉ જમીન બંજર થઈ જશે અને ખેતપેદાશો મળતી બંધ થઈ જશે.
આથી ખેડૂતોના ખાતર-બિયારણ-દવા-ખેતઓજારો ઉપરના વેરા ઘટાડવા કે રદ્દ કરવા સરકારે વિચારવું
જોઈએ. ખેડૂતો પાસેથી ફરજિયાત પાક વીમો વસુલતી સરકારે પાક વીમો મરજીયાત કરવો જોઈએ. આજે
ખાનગી કંપનીઓ ખેડૂતો પાસેથી પરસેવાની કમાણીના કરોડો રૂપિયા પાક વીમા પેટે વસુલે છે, પરંતુ જ્‍યારે
દાવાઓ ચૂકવવાની વાત આવે છે ત્‍યારે ઠાગાઠૈયા કરે છે. ખેડૂતો પાસેથી પાક વીમાનું પ્રિમિયમ વસુલવાને
બદલે અમુક ચોક્કસ રકમ દરેક ખેડૂતના ખાતામાં આપી દો તો ગુજરાતનો કોઈ ખેડૂત પાક વીમો નહીં માંગે
તેમ ધાનાણીએ જણાવ્‍યું હતું.