ભાનુભાઈનું મોત વટાવી ખાતી ગુજરાત સરકાર, એક પણ ખાતરીનો અમલ કર્યો નહીં

પાટણ જિલ્લામાં દુદખા ગામના દલિતોની જમીન મુદ્દે આત્મવિલોપન કરનાર ભાનુભાઈ મકવાણાના પરિવારની ગુજરાતની રૂપાણી સરકારે માંગણી સ્વિકારવાની ખાતરી આપી હતી જેમાં એક પણ ખાતરી સરકારે છ મહિનાથી પૂરી કરી નથી. તેથી 16 ઓગસ્ટે ગાંધીનગર સચિવાલય સામે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં દેખાવો કર્યા હતા. અને રેલી કરી હતી. જેમાં ન્યાય આપવા માંગણી કરવામાં આવી હતી.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે આજથી છ મહિના પૂર્વે પાટણ જિલ્લામાં વણકર ભાનુભાઈ એ દલિતોને ન્યાય અપાવવા આત્મવિલોપન કર્યું હતું. ત્યારબાદ હાલની સરકારે આઠ જેટલી માગણીઓ સ્વીકારવાની ખાતરી આપી હતી. જેના છ મહિના જેટલો સમય પસાર થઈ ગયા  બાદ એક પણ માંગણી સ્વિકારવામાં આવી નથી. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ આ મુદ્દે આગેવાની લઈને ગાંધીનગરમાં ભાજપ સરકારે ખાતરીનું પાલન કર્યું ન હોવાથી તેનો વિરોધ કરવા રેલી યોજી હતી. તેની સાથે 500 જેટલાં દલિતો જોડાયા હતા.

ભાનુભાઇ વણકર સહિત રાજ્યના તમામ દલિતોની જમીનોના પ્રશ્નો ઉકેલવાની સરકારે ખાતરી આપી હતી. તેમ છતાંય આજદિન સુધી વિજય રૂપાણીની ભાજપ સરકારે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આપ્યો નથી. રાજ્ય સરકારની સમયાંતરે મળતી સંકલન સમિતિની બેઠકમાં મેં આ મુદ્દો ઉઠાવેલો હતો.

ભાજપ સરકાર દલિતોને માણસ નથી ગણતી

ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર આજે પણ દલિતોને માણસ નથી ગણતી. અમે પણ ગુજરાતના નાગરિકો છીએ. આજે પણ કેટલાક વિસ્તારોમાં કૂવામાંથી પાણી લેવા દેવામાં આવતું નથી. દલિતના નામ પાછળ સિંહ લગાવવામા આવે તો હુમલા થાય છે. મૃત પશુઓના નિકાલ બાબતે પણ અછુત જેવું વર્તન દલિતો સાથે કરવામાં આવે છે. ગાંધીના ગુજરાતમાંથી  અસ્પૃશ્યતા નાબૂદ નથી થઈ. તેના માટે ભાજપ સરકારની 23 વર્ષની નીતિ જવાબદાર છે.

આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે આજે દલિત સમાજની આ રેલી બાદ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ ની મુલાકાત કરી હતી. ભાનું  ભાઈ મકવાણાના પરિવાર ને 8 જેટલી આપેલી ખાતરી પૈકી સાત માંગણીઓ હજુ પુરી નથી કરી. તેની રજુઆત કરી હતી. હવે અમે આ અંગે સરકારને કહીશું. સરકારનો જવાબ માંગીશું. અમારો દલિત સમાજ ઉના, થાનગઢની ઘટનાઓ અને ભાનુભાઈના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં. રાજ્ય સરકાર દલિતોના મુદ્દે યોગ્ય નિર્ણય નહીં કરે તો આવનાર દિવસોમાં અમારું આંદોલન ઉગ્ર બનશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.

પ્રથમથી જ રૂપાણી સરકાર બેદરકાર

ગુજરાત રાજ્યમાં જ નહી પણ સમગ્ર ભારતમાં ચકચાર જગાવનાર પાટણ આત્મવિલોપનની ઘટનામાં પાટણ જિલ્લાના દુદખા ગામના અનુસુચિત જાતીના પરિવારની જમીન માટેની માંગણી ભાનુભાઇ વણકર (ઉ.વ.62) દ્વારા ફાઇવ કાસ્ટ યુથ ફેડરેશન ઉઝાના લેટર પેડ પર 18મી જાન્યુઆરી અને 15 ફેબ્રુઆરી 2018ના રોજ મુખ્યમંત્રી અને કલેક્ટર, પોલીસને જણાવવામાં આવ્યું હતુ કે હેમાબેન વણકર અને રાજાભાઇ મકવાણાની અરજી સંબધમાં 31મી જાન્યુઆરી 2018 પહેલા ન્યાય નહિ મળે તો અરજદારો અને ઉંઝાના ભાનુભાઇ વણકર સહિત ત્રણ શખ્સો પાટણ કલેકટર કચેરીમાં જાહેરમાં અગ્નિસ્નાન કરશે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અરજદારોને રૂબરૂ મળીને સમજાવવાના હેતુસર 3જી ફેબ્રુઆરી, 9મી ફેબ્રુઆરી, 10મી ફેબ્રુઆરી, 11મી ફેબ્રુઆરી, 13મી ફેબ્રુઆરી અને 14મી ફેબ્રુઆરીએ પોલીસ દ્વારા અરજદારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેઓ મળી ન આવતા દુદખા, ઉંઝા, ગાંધીધામ, શંખેશ્વર અને બાસ્પા ખાતે અરજદારોના સગાઓને ત્યાં પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ તમામના ફોન પણ બંધ આવતા હતા. એવું વિધાનસભામાં સરકારે કહ્યું હતું. પોલીસે પાંચ વાર તેમનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હોવાનો દાવો રાજ્ય સરકાર કરી રહી છે. પણ, ભાનુભાઇના પરિવારજનોનું કહેવુ છે કે સરકારે આવો કોઇ પ્રયત્ન કર્યો જ નહોતો અને પોલીસે 15મી ફેબ્રુઆરીએ ધાર્યુ હોત તો પણ આ બનાવને રોકી શકી હોત. કારણ કે ભાનુભાઇ પણ ઇચ્છતા હતા કે સરકાર આ પ્રશ્ને નિવેડો લાવે.