મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર
1. તોતેરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર આપ સર્વેને મારી હાર્દિક શુભકામના! આ સ્વતંત્રતા દિવસ ભારત-માતાના તમામ સંતાનો માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, ભલે તે દેશમાં હોય કે વિદેશમાં. આજના દિવસે આપણાં દરેક લોકોને દેશપ્રેમની ભાવનાનો વધુ ઊંડો અનુભવ થાય છે. આ અવસર પર, આપણે તે અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓ અને
ક્રાંતિકારીઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ છીએ, જેમણે આપણને આઝાદી અપાવવા માટે સંઘર્ષ, ત્યાગ અને
બલિદાનના મહાન આદર્શ રજૂ કર્યા છે.
2. સ્વતંત્ર દેશના સ્વરૂપમાં 72 વર્ષોની આપણી આ યાત્રા, આજે એક ખાસ મુકામ ઉપર પહોંચી ગઇ છે, થોડા
અઠવાડિયા પછી, 2જી ઓક્ટોબરે, આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવીશું. ગાંધીજી,
આપણાં સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક હતા. તે સમાજને દરેક પ્રકારના અન્યાયથી મુક્ત કરાવવાના પ્રયત્નોમાં
આપણાં માર્ગદર્શક પણ હતા.
3. ગાંધીજીનું માર્ગદર્શન આજે પણ તેટલું જ પ્રાસંગિક છે. તેમણે આપણા આજના ગંભીર પડકારોનું અનુમાન પહેલેથી
લગાવી લીધું હતું. ગાંધીજી માનતા હતા કે આપણે પ્રકૃતિના સંશાધનોનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઇએ જેથી
વિકાસ અને પ્રકૃતિનું સંતુલન હંમેશા જળવાઇ રહે. તેમણે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા ઉપર પણ ભાર મૂક્યો અને
પ્રકૃતિ સાથે અનુકૂલન જાળવીને જીવન જીવવાની શિક્ષા પણ આપી હતી. વર્તમાનમાં ચાલી રહેલા આપણાં અનેક
પ્રયાસ ગાંધીજીના વિચારોને જ મૂર્ત સ્વરૂપ આપે છે. અનેક કલ્યાણકારી કાર્યક્રમોના માધ્યમથી આપણાં દેશવાસીઓનું
જીવન વધુ સારું બનાવવામાં આવી રહ્યું છે. સૌર ઉર્જાનો ઉપયોગ વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે જે
ગાંધીજીના વિચારોને અનુરૂપ છે.
4. 2019નું આ વર્ષ, ગુરૂ નાનક દેવજીની 550મી જયંતિનું વર્ષ પણ છે. તે ભારતના સૌથી મહાન સંતોમાંથી એક છે.
માનવતા પર તેમનો પ્રભાવ ખૂબ જ વ્યાપક છે. શિખ પંથના સંસ્થાપક તરીકે લોકોના હૃદયમાં તેમના માટે જે આદરનો
ભાવ છે, તે માત્ર આપણાં શિખ ભાઇ-બહેનો પૂરતો મર્યાદિત નથી. ભારત અને સમગ્ર દુનિયામાં વસી રહેલા કરોડો
શ્રદ્ધાળુઓ તેમની ઉપર ઊંડી આસ્થા ધરાવે છે. ગુરૂ નાનક દેવજીના તમામ અનુયાયીઓને હું આ પાવન જયંતિ વર્ષ
માટે મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
પ્રિય દેશવાસીઓ,
5. જે મહાન પેઢીના લોકોએ આપણને આઝાદી અપાવી છે, તેમના માટે સ્વાધીનતા, માત્ર રાજનીતિક સત્તા પ્રાપ્ત કરવા
સુધી મર્યાદિત નહોતી. તેમનો ઉદ્દેશ પ્રત્યેક વ્યક્તિના જીવન અને સમાજ વ્યવસ્થાને વધુ સુંદર બનાવવાનો પણ હતો.
6. આ સંદર્ભમાં, મને વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે તાજેતરમાં જ કરવામાં આવેલા ફેરફારોથી ત્યાંના
સ્થાનિક લોકોને ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થશે. તે પણ હવે તે તમામ અધિકારો અને સુવિધાઓનો લાભ ઉઠાવી
શકશે જે દેશના બીજા ક્ષેત્રોમાં રહેતા નાગરિકોને પ્રાપ્ત થાય છે. તે પણ હવે સમાનતાને પ્રોત્સાહિત કરતા પ્રગતિશીલ
કાયદા અને તેની જોગવાઇઓનો ઉપયોગ કરી શકશે. ‘શિક્ષણના અધિકાર’નો કાયદો લાગુ થવાથી તમામ બાળકો માટે
શિક્ષણની વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાશે. ‘માહિતીનો અધિકાર’ પ્રાપ્ત થવાથી હવે ત્યાંના લોકો જનહિત સાથે
જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરી શકશે; પરંપરાગત રીતે વંચિત રહેલા વર્ગોના લોકોને શિક્ષણ અને નોકરીમાં આરક્ષણ
તથા અન્ય સુવિધાઓ પ્રાપ્ત થઇ શકશે. અને ‘ત્રણ તલાક’ જેવી અભિશાપ સ્વરૂપ વ્યવસ્થા સમાપ્ત થવાથી ત્યાંની
આપણી બેટીઓને ન્યાય મળશે અને તેમને ભયમુક્ત જીવન જીવવાની તક પ્રાપ્ત થશે.
7. આ વર્ષે ઉનાળામાં, આપણે તમામ દેશવાસીઓએ 17મી સામાન્ય ચૂંટણીઓમાં ભાગ લઇને વિશ્વની સૌથી મોટી
લોકતાંત્રિક પ્રક્રિયાને સંપન્ન કરી છે. આ ઉપલબ્ધિ માટે તમામ મતદાતાઓ અભિનંદનને પાત્ર છે. તે મોટી સંખ્યામાં,
ખૂબ જ ઉત્સાહ સાથે, મતદાન કેન્દ્રો સુધી પહોચ્યાં. તેમણે ન માત્ર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો પરંતુ ચૂંટણી
સાથે જોડાયેલી પોતાની જવાબદારી પણ અદા કરી.
8. દરેક સામાન્ય ચૂંટણીઓમાં, આપણી વિકાસ યાત્રાના એક નવા અધ્યાયનો શુભારંભ થાય છે. આ ચૂંટણીઓના
માધ્યમથી, આપણાં દેશવાસીઓ, પોતાની આશા અને વિશ્વાસને નવી અભિવ્યક્તિ પ્રદાન કરે છે. આ રાષ્ટ્રીય
અભિવ્યક્તિની શરૂઆત આઝાદીના તે જૂસ્સા સાથે થઇ હતી જેનો અનુભવ 15 ઓગસ્ટ, 1947ના દિવસે તમામ
દેશવાસીઓએ કર્યો હતો. હવે આ આપણાં બધાની જવાબદારી છે કે આપણાં ગૌરવશાળી દેશને નવી ઉંચાઇઓ ઉપર
પહોચાડવા માટે તે જ જૂસ્સા સાથે, ખભેથી ખભો મેળવીને કામ કરીએ.
9. મને તે વાતની ખુશી છે કે સંસદમાં તાજેતરમાં જ સમાપ્ત થયેલા સત્રમાં લોકસભા અને રાજ્યસભા, બન્ને ગૃહોની
બેઠકો ખૂબ જ સફળ રહી છે. રાજકીય દળોની વચ્ચે પરસ્પર સહયોગ દ્વારા, અનેક મહત્ત્વપૂર્ણ વિધેયકો પસાર કરાયા
છે. આ સફળ શરૂઆતથી મને તે વિશ્વાસ થઇ રહ્યો છે કે આવનારા પાંચ વર્ષો દરમિયાન સંસદ, આ જ પ્રકારની
સફળતા પ્રાપ્ત કરતી રહેશે. હું ઇચ્છું છું કે રાજ્યોની વિધાનસભાઓ પણ સંસદની જેમ આ પ્રભાવશાળી કાર્યસંસ્કૃતિ
અપનાવે.
10. લોકતંત્રને મજબૂત બનાવવા માટે, સંસદ અને વિધાનસભાઓમાં, આદર્શ કાર્યસંસ્કૃતિનું ઉદાહરણ પ્રસ્તૃત કરવું
આવશ્યક છે. માત્ર એટલા માટે નહીં કે ચૂંટાયેલા સભ્યો પોતાના મતદારોએ દર્શાવેલો વિશ્વાસ સાર્થક કરે. પરંતુ એટલા
માટે પણ કે રાષ્ટ્ર-નિર્માણના અભિયાનમાં દરેક સંસ્થા અને હિતધારકો એક-જૂથ થઇને કાર્ય કરે તે આવશ્યક હોય છે.
એક-જૂથ થઇને આગળ વધવાની આ ભાવનાના બળ પર આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઇ હતી. મતદારો અને જન-
પ્રતિનિધીઓની વચ્ચે, નાગરિકો અને સરકારોની વચ્ચે, તથા સિવિલ સોસાયટી અને વહીવટીતંત્રની વચ્ચે આદર્શ
ભાગીદારીથી જ રાષ્ટ્ર-નિર્માણનું આપણું અભિયાન વધુ મજબૂત થશે.
11. આ ભાગીદારીમાં સરકારની ભૂમિકા લોકોની સહાયતા કરવાની અને તેમને વધુ સક્ષમ બનાવવાની છે. તેના માટે,
આપણી સંસ્થાઓ અને નીતિનિર્માતાઓ માટે જરૂરી છે કે નાગરિકો તરફથી જે સંકેતો તેમને મળે છે, તેની ઉપર સંપૂર્ણ
ધ્યાન આપે અને દેશવાસીઓના વિચારો તથા તેમની ઇચ્છાઓનું સન્માન કરે. ભારતના રાષ્ટ્રપતિ તરીકે મને દેશના
જુદા-જુદા ક્ષેત્રોમાં પ્રવાસ કરવાની તક પ્રાપ્ત થાય છે. આ પ્રવાસ દરમિયાન, જુદા-જુદા કાર્ય-ક્ષેત્રો સાથે જોડાયેલા
દેશવાસીઓ સાથે પણ મુલાકાત થાય છે. મને તે અનુભવ થાય છે કે ભારતના લોકોની પસંદગીઓ અને આદતો ભલે
અલગ-અલગ હોય, પરંતુ તેમના સપનાંઓ એક જેવા જ છે. 1947 પહેલા, તમામ ભારતીયોનું લક્ષ્ય હતું કે દેશને
સ્વતંત્રતા પ્રાપ્ત થાય. આજે આપણું લક્ષ્ય છે કે વિકાસની ગતિ તેજ થાય, શાસન વ્યવસ્થા કુશળ અને પારદર્શી બને.
જેથી લોકોનું જીવન વધુ સુંદર બની શકે.
12. લોકોના જનાદેશમાં તેમની આકાંક્ષાઓની સ્પષ્ટ ઝલક જોવા મળે છે. આ આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવામાં સરકાર
પોતાની ભૂમિકા અદા કરે છે. પરંતુ, મારું માનવું છે કે 130 કરોડ ભારતવાસીઓ પોતાની કૂશળતા, પ્રતિભા, ઉદ્યમ
અને ઇનોવેશન દ્વારા, ખૂબ જ મોટા સ્તર પર, વિકાસની હજુ વધારે તકો પેદા કરી શકે છે. આપણાં
ભારતવાસીઓમાં આ ક્ષમતા સદીઓથી હાજર રહેલી છે. પોતાની આ ક્ષમતાના બળ પર જ આપણો દેશ હજારો
વર્ષોથી આગળ વધતો રહ્યો છે અને આપણી સભ્યતા પ્રગતિ કરતી રહી છે. ભારતના લાંબા ઇતિહાસમાં, આપણાં
દેશવાસીઓને અનેક વખત, પડકારો અને મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું છે. આવા મુશ્કેલ સમયમાં પણ આપણો
સમાજ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરીને આગળ વધતો રહ્યો છે. હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. સરકાર,
લોકોની આશાઓ-આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં તેમની સહાયતા માટે તેમને વધુ સારી સુવિધાઓ અને ક્ષમતા ઉપલબ્ધ
કરાવી રહી છે. આવા અનુકૂળ વાતાવરણમાં, આપણાં દેશવાસીઓ જે સિદ્ધી પ્રાપ્ત કરી શકે છે, તે આપણી કલ્પનાથી
પણ બહાર છે.
13. દેશવાસીઓનું જીવન વધુ સારુ બનાવવા માટે, સરકાર અનેક મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરી રહી છે. ગરીબમાં ગરીબ
લોકો માટે ઘર બનાવીને, અને દરેક ઘરમાં વીજળી, શૌચાલય અને પાણીની સુવિધા આપીને, સરકાર માળખાગત
વ્યવસ્થાને મજબૂત બનાવી રહી છે. દરેક દેશવાસીઓના ઘરમાં નળ દ્વારા પાણી પહોચાડવું, ખેડૂત ભાઇ-બહેનોને
સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ કરાવવું અને દેશમાં ક્યાંક પૂર તો ક્યાંક દુકાળની સમસ્યાનું અસરકારક સમાધાન કરવા
માટે જળ-શક્તિના સદુપયોગ ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કેન્દ્ર તથા
રાજ્ય સરકારોની સાથે-સાથે આપણે તમામ દેશવાસીઓની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ રહેશે.
દેશના તમામ ભાગોમાં સંચાર સુવિધાઓ વધારવામાં આવી રહી છે. આ માટે ગામડાઓને સડકથી જોડવામાં આવી
રહ્યાં છે અને વધુ સારા રાજમાર્ગ બનાવવામાં આવી રહ્યાં છે. રેલયાત્રાને સુરક્ષિત અને સુવિધાજનક બનાવવામાં
આવી રહી છે. મેટ્રો-રેલની સેવાઓ દ્વારા અનેક શહેરોમાં લોકોના પરિવહનને સરળ બનાવવામાં આવી રહ્યું છે.
નાના શહેરોને પણ હવાઇ યાત્રાની સુવિધાથી જોડવામાં આવી રહ્યાં છે. નવા બંદરો બનાવવામાં આવી રહ્યાં છે. સાથે
જ હોસ્પિટલ, શિક્ષણ સંસ્થાઓ, હવાઇમથકો, રેલવે સ્ટેશનો, બસ મથકો અને બંદરોને આધુનિક બનાવવામાં આવી
રહ્યાં છે.
સામાન્ય વ્યક્તિના હિતમાં, બેન્કિંગ સુવિધાને વધુ પારદર્શક અને સમાવેશી બનાવવામાં આવી છે. ઉદ્યોગ સાહસિકો
માટે કર-વ્યવસ્થા અને મૂડીની ઉપલબ્ધતા સરળ બનાવાઇ છે. ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી સરકાર, લોકો સુધી
નાગરિક સુવિધાઓ તથા ઉપયોગી જાણકારી પહોંચાડી રહી છે.
14. સરકાર, મોટા પાયા પર સ્વાસ્થ્ય-સેવાઓ પ્રદાન કરી રહી છે. દિવ્યાંગ-જનોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે તેમને
વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી છે. મહિલા સશક્તિકરણ માટે સરકારે, કાયદા અને ન્યાયવ્યવસ્થામાં આવશ્યક
સુધારાઓ કર્યા છે. દેશવાસીઓના જીવનને સરળ બનાવવા માટે બિનજરૂરી કાયદાઓને પણ નિરસ્ત કરવામાં આવ્યાં
છે.
15. સરકારના આ પ્રયાસોનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માટે આપણે તમામ નાગરિકોએ જાગૃત અને સક્રિય રહેવું પડશે.
સમાજના હિતમાં અને આપણાં બધાની પોતાની સુખાકારી માટે તે જરૂરી છે કે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાતી
પાયારૂપ સુવિધાઓનો આપણે સદુપયોગ કરીએ.
16. ઉદાહરણ તરીકે જોઇએ તો, ગ્રામીણ સડકો અને વધુ સારી કનેક્ટિવિટીનો પૂરો લાભ ત્યારે જ પ્રાપ્ત થઇ શકે જ્યારે
ખેડૂત ભાઇ-બહેનો તેનો ઉપયોગ કરીને બજાર સુધી પહોંચે અને પોતાની ઉપજનું વધુ સારું મૂલ્ય પ્રાપ્ત કરી શકે.
નાણાકીય અને રાજસ્વ ક્ષેત્રમાં કરાયેલા સુધારાઓ અને વ્યાપાર નિયમોને સરળ બનાવવાનો પૂરેપૂરો લાભ ત્યારે જ
પ્રાપ્ત થશે જ્યારે આપણાં નાના સ્ટાર્ટ-અપ અથવા કામ-ધંધા અને મોટા ઉદ્યોગો નવી પદ્ધતિથી આગળ વધે અને
રોજગારી પેદા કરે. દરેક ઘરમાં શૌચાલય અને પાણી ઉપલબ્ધ કરાવવાનો પૂરેપૂરો લાભ ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે આ
સુવિધાઓથી, આપણી બહેન-બેટીઓનું સશક્તિકરણ થાય અને તેમની ગરીમા વધે. તે ઘરની દુનિયામાંથી બહાર
નીકળીને પોતાની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરે; તેમને પોતાની ઇચ્છા અનુસાર, જીવન જીવવાની આઝાદી મળે; તેઓ ઘર
સંભાળવામાં અથવા કામ કરતી મહિલાના સ્વરૂપે પોતાના ભાગ્યનું નિર્માણ પોતે જ કરે.
17. સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે બનાવવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સદુપયોગ કરવો અને તેની રક્ષા કરવી, આપણાં
બધાનું કર્તવ્ય છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક ભારતવાસીઓનું છે, આપણાં બધાનું છે કારણ કે તે રાષ્ટ્રીય સંપતિ છે. રાષ્ટ્રીય
સંપતિની રક્ષા પણ, સ્વતંત્રતાના રક્ષણ સાથે જોડાયેલી છે. આપણાં કર્તવ્યનિષ્ઠ નાગરિકો રાષ્ટ્રીય સંપતિનું રક્ષણ કરે છે
તે દેશપ્રેમની તે ભાવના અને સંકલ્પનો પરિચય આપે છે, જેનું પ્રદર્શન આપણાં સશસ્ત્ર દળ, અર્ધસૈનિક દળ અને
પોલીસ દળના બહાદૂર જવાનો અને સૈનિકો દેશની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અને સરહદોની
સુરક્ષા માટે કરે છે. માની લો કે કોઇ બિનજવાબદાર વ્યક્તિ કોઇ ટ્રેન અથવા અન્ય સાર્વજનિક સંપતિ પર પથ્થર ફેંકે છે
અથવા તેને નુકસાન પહોચાડવાનો પ્રયત્ન કરે છે; અને જો તમે આમ કરવાથી તેને રોકો છો તો તમે દેશની મૂલ્યવાન
સંપતિનું રક્ષણ કરો છો. આમ કરીને તમે કાયદાનું પાલન તો કરો જ છો, સાથે સાથે, પોતાની અંતર આત્માના
અવાજને અનુસરીને એક જવાબદાર નાગરિકના સ્વરૂપમાં પોતાના કર્તવ્યનું પાલન પણ કરો છો.
મારા પ્રિય દેશવાસીઓ,
18. જ્યારે આપણે આપણાં દેશની સમાવેશી સંસ્કૃતિની વાત કરીએ છીએ ત્યારે આપણે બધાએ તે પણ જોવાનું છે કે
આપણો પરસ્પર વ્યવહાર કેવો હોવો જોઇએ. તમામ વ્યક્તિઓની સાથે આપણે તેવો જ સન્માનજનક વ્યવહાર કરવો
જોઇએ જેની આપણે તેમની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. ભારતનો સમાજ તો હંમેશાથી સહજ અને સરળ રહ્યો
છે, તથા ‘જીવો અને જીવવા દો’ના સિદ્ધાંત ઉપર ચાલતો રહ્યો છે. આપણે ભાષા, પંથ અને ક્ષેત્રની સીમાઓથી ઉપર
ઉઠીને એક-બીજાનું સન્માન કરતાં રહ્યાં છીએ. હજારો વર્ષોથી ઇતિહાસમાં, ભારતીય સમાજે ભાગ્યેજ કોઇ દુર્ભાવના
અથવા પૂર્વગ્રહયુક્ત રીતે કામ કર્યુ હશે. હળી-મળીને સાથે રહેવું, ભાઇચારો જાળવવો, નિરંતર વિકાસ કરવો અને
સમન્વય ઉપર ભાર મુકવો, આપણાં ઇતિહાસ અને વારસાની પાયારૂપ બાબત રહી છે. આપણાં નસીબ અને
ભવિષ્યને સુંદર બનાવવામાં પણ તેમની મુખ્ય ભૂમિકા રહેશે. આપણે બીજાના સારા વિચારોને ખુશીપૂર્વક અપનાવ્યાં
છે, અને હંમેશા ઉદારતાનો પરિચય આપ્યો છે.
19. બીજા દેશો સાથે આપણાં સંબંધોમાં પણ આપણે સહયોગની આજ ભાવનાનો પરિચય આપીએ છીએ. આપણી પાસે જે પણ વિશેષ અનુભવ અને યોગ્યતાઓ છે તેને સહયોગી દેશો સાથે વહેંચવામાં આપણે આનંદ અનુભવીએ છીએ. આપણે ભલે દેશમાં હોઇએ કે વિદેશમાં, ભારતના આ સાંસ્કૃતિક મૂલ્યોને હંમેશા પોતાના માનસ-પટલ ઉપર જાળવી રાખવાના છે.
20. ભારત યુવાનોનો દેશ છે. આપણાં સમાજનું સ્વરૂપ નક્કી કરવામાં યુવાનોની ભાગીદારી નિરંતર વધી રહી છે. આપણાંયુવાનોની ઉર્જા રમતથી લઇને વિજ્ઞાન સુધી અને જ્ઞાનની શોધથી લઇને સૉફ્ટ સ્કિલ સુધી અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા વિસ્તારી રહી છે. આ ખૂબ જ પ્રસન્નતાની વાત છે કે યુવા-ઉર્જાના પ્રવાહને યોગ્ય દિશા આપવા માટે, દેશના વિદ્યાલયોમાં જિજ્ઞાસાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ આપણાં બેટા-બેટીઓ અને આવનારી પેઢીઓ માટે આપણી અમૂલ્ય ભેટ હશે. તેમની આશાઓ અને આકાંક્ષાઓ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે, કારણ કે તેમના સપનાઓમાં જ આપણે ભવિષ્યના ભારતનું પ્રતિબિંબ જોઇ શકીએ છીએ.
21. મને વિશ્વાસ છે કે સમાજના અંતિમ વ્યક્તિ માટે ભારત, પોતાની સંવેદનશીલતા જાળવી રાખશે; ભારત, પોતાના
આદર્શો ઉપર અટલ રહેશે; ભારત, પોતાના જીવન મૂલ્યોને જાળવી રાખશે અને સાહસની પરંપરા આગળ વધારશે.
આપણે ભારતના લોકો, પોતાના જ્ઞાન અને વિજ્ઞાનના બળ પર ચંદ્ર અને મંગળ સુધી પહોચવાની યોગ્યતા ધરાવીએ
છીએ. સાથે જ, આપણી સંસ્કૃતિની તે વિશેષતા છે કે આપણે બધા પ્રકૃતિ માટે અને તમામ જીવો માટે પ્રેમ અને કરૂણાનો ભાવ ધરાવીએ છીએ. ઉદાહરણ માટે, સમગ્ર વિશ્વના જંગલી વાઘોની ત્રણ-ચતુર્થાંશ વસ્તીને આપણે
સુરક્ષિત આશ્રય આપ્યો છે.
22. આપણાં સ્વતંત્રતા આંદોલનને અવાજ આપનારા મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીએ સો વર્ષથી પણ પહેલા ભવિષ્યના
ભારતની જે કલ્પના કરી હતી તે આજના આપણાં પ્રયાસોમાં સાકાર થતી જોવા મળી રહી છે. તેમણે કહ્યું હતું કેઃ
23. મારી ઇચ્છા છે કે આપણી સમાવેશી સંસ્કૃતિ, આપણાં આદર્શ, આપણી કરૂણા, આપણી જિજ્ઞાસા અને આપણો
ભાઇચારો હંમેશા જળવાઇ રહે. અને આપણે બધા, આ જીવનના મૂલ્યોની છાયામાં આગળ વધતા રહીએ.
24. આ શબ્દોની સાથે, હું આપ સર્વેને સ્વતંત્રતા દિનની અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું.