ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૯: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનાં નિયમ કાનુનના દાયરામાં રહીને ભારત ટૂંકમાં કિલો દીઠ રૂ. ૧૦.૫૦થી ૧૧ પ્રતિ કિલોની નિકાસ સબસીડીની દરખાસ્ત હાથ ધરશે, કૃષિ મંત્રાલય નજીકના વિશ્વસનીય સુત્રોએ આ માહિતી આપી હતી. આ તરફ નિકાસ સબસીડી આપીને ભારત જાગતિક વેપાર કાનુનોનું ઉલંઘન કરે છે કે નહિ, તે સંદર્ભે એક લવાદ સમિતિની સ્થાપના કરવાની માંગ, ગત સપ્તાહે ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ અને ગ્વાટેમાલાએ સંગઠિતપણે ડબ્લ્યુટીઓને બીજી વખત કરી હતી. ડબ્લ્યુટીઓની ડીસપ્યુટ સેટલમેન્ટ બોડી (ડીએસબી)ની ૧૫ ઓગસ્ટે મળેલી બેઠકમાં ઉક્ત ત્રણ દેશોએ કરેલી અરજી સંદર્ભે નિકાસને ટેકારૂપ થાય તેવા કોઈ પગલાં ભારતે લીધા છે કે નહિ, તે શોધી કાઢવા એક સમિતિનું ગઠન કરવાનો નિર્ણય લઇ લીધો છે, એમ ડબ્લ્યુટીઓ સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે.
આવી ફરિયાદને પગલે ડબ્લ્યુટીઓ એ સુગર નિકાસ સબસીડીથી વૈશ્વિક બજારમાં માલભરાવો થશે કે નહિ તેની તપાસના આદેશ આપી દીધા છે. ઉક્ત ત્રણે દેશોએ એવી ફરિયાદ કરી છે કે ભારતમાં સ્થાનિક સ્તરે સપોર્ટ પ્રાઈસ (ટેકાના ભાવ અને નિકાસ સબસીડી ડબ્લ્યુટીઓ દ્વારા નિર્ધારિત નિયમ કાનુનનું ઉલંઘન કરે છે અને વૈશ્વિક બજારમાં ભાવને કૃત્રિમ રીતે દબાણમાં રાખે છે, પરિણામે લાંબા સમયથી ભાવ ૧૨ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ), ઉત્પાદન ખર્ચ કરતા નીચે ગયા છે. ભારતે જુલાઈમાં આવી તપાસ સમિતિની રચના સામે વિરોધ નોંધાવીને ત્રણે દેશોની વિનંતીને ઠુકરાવી દીધી હતી. પણ ગત ગુરુવારે ડબ્લ્યુટીઓએ ત્રણ દેશની ફેર વિનંતીને માન્ય રાખી, ફરીથી કાંકરીચારો કરીને સમિતિની રચના કરવાના આદેશ આપી દીધા હતા. જો હવે ડબ્લ્યુટીઓનાં નિયમોનું ઉલંઘન કરવામાં આવશે તો સભ્ય દેશ સામે વેપાર પ્રતિબંધ આવી શકે છે.
આ વિવાદના સમાધાનનો એક માર્ગ છે દ્વિપક્ષીય વાટાઘાટો. બન્ને પક્ષો સંપીને સમાધાન પર નહિ આવે તો બેમાંથી કોઈએ એક ડીસપ્યુટ સેટલમેન્ટ પેનલ સ્થાપવા ડબ્લ્યુટીઓનો સંપર્ક કરી શકે છે. વધુ પડતો પુરાંત ખાંડ જથ્થો બજારમાંથી હળવો કરવા અને દેશમાં ભાવ વધુ ઘટતા અટકાવવાનાં પ્રયાસ રૂપે, ભારત સરકાર ૨૦૧૯-૨૦ની મોસમમાં ૬૦ લાખ ટન સુગર નિકાસ કરવાનો નિર્ણય ટૂંકમાં કેબીનેટ કમિટી લે તેવી શક્યતા છે. આ તરફ તહેવારોની મોટી માંગના દિવસો માથે છે, તે જોતા સ્થાનિક બજારોમાં ભાવ બહુ ઘટી જવાની સંભાવના નથી, એમ બોમ્બે સુગર મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ અશોક જૈન અને સેક્રેટરી મુકેશ કુવાડીયા માની રહ્યા છે.
અમેરિકન કૃષિ મંત્રાલયના તાજા અંદાજ કહે છે કે ભારતમાં ૨૦૧૯-૨૦ની મોસમમાં ખાંડ ઉત્પાદન ૮.૫ ટકા ઘટીને ૩૦૦ લાખ ટન આવશે. મહારાષ્ટ્રમાં શેરડીનો પાક વધુ પડતા વરસાદને પગલે મુશ્કેલીમાં મુકાયો છે, સાચા અંદાજ પુરના પાણી ઉતર્યા પછી જ આવી શકશે. એકાદ દાયકા પછી ૨૦૧૯-૨૦નુ વર્ષ, કદાચ પહેલુ એવું વર્ષ હશે જેમાં માંગ કરતા ઉત્પાદન ઓછું રહેશે. હળવી અલ-નીનો સ્થિતિ સર્જાવાને લીધે, ભારત અને થાઈલેન્ડ જેવા કેટલાંક એશિયન દેશોમાં ચોમાસું ક્યાંક નબળું અને ક્યાંક વધુ પડતો વરસાદ પડતા, યીલ્ડ (ઉપજ) અને ઉત્પાદન સામે જોખમ ઉભું થયું છે.
બ્રાઝીલ સુગર ઇન્ડસ્ટ્રીઝનાં તાજા આંકડા પ્રમાણે સેન્ટ્રલ સાઉથ રાજ્યોમાં જુલાઈના બીજા પખવાડીયામાં શેરડી પીલાણ, ગતવર્ષના સમાનગાળા કરતા ૫.૫ ટકા ઘટવાને પગલે ખાંડ ઉત્પાદન ૨૪.૮ લાખ ટન આવ્યું હતું. સુકદેન ફાયનાન્સીયલ એજન્સી કહે છે કે ટૂંકાગાળામાં બજાર ઓવરસપ્લાય હોવાથી ભાવ દબાણમાં રહશે. શુક્રવારે ન્યુયોર્ક ઓક્ટોબર રો સુગર વાયદો ૧૧.૬૩ સેન્ટ બોલાયો હતો. માર્ચ ૨૦૨૦ સામે ઓક્ટોબર વાયદામાં મોટા ડિસ્કાઉન્ટ, માલ ભરાવાના સંકેત આપે છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૯-૮-૨૦૧૯
ગુજરાતી
English



