ભારતમાં ડેરી ઉદ્યોગ ર૦ર૦માં રૃ.૮૪૦૦ કરોડનો થશે

25 OCTOBER 2013 – કરણ રાજપુત
વધતા જતા શહેરીકરણને લીધે દૂધનો ઉપયોગ વધ્યો : વિકાસની શક્યતા જોતાં ખાનગી રોકાણકારો પણ ડેરી ઉદ્યોગમાં ઝંપલાવી રહ્યા છે

ભારતમાં વધતી જતી માથાદીઠ આવક અને વધતી જતી ડેરી પ્રોડક્ટોની માંગના કારણે ર૦ર૦ સુધીમાં દેશનો સંગઠિત અને બિનસંગઠિત ડેરી ઉદ્યોગ બમણો એટલે કે રૃપિયા ૮૪૦૦ કરોડનો થશે.
રોકાણકારો સંબંધિત ધંધાર્થીઓની વૈશ્વિક સંસ્થા (ઈન્વેસ્ટર રિલેશન્સ પ્રોફેશનલ્સ)ના એક અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતનો સંગઠિત અને બિનસંગઠિત ડેરી ઉદ્યોગ રૃપિયા ૪૨૦૦ કરોડનો છે તે ર૦ર૦માં બમણો એટલે કે રૃપિયા ૮૪૦૦ કરોડનો થશે. ભારતમાં વધતી જતી માથાદીઠ આવક અને ડેરી ઉત્પાદનોની વધતી જતી માંગના કારણે આગામી પાંચથી છ વર્ષમાં ભારતીય ડેરી ઉદ્યોગ મોટો વિકાસદર મેળવશે તેવો અંદાજ લગાવાઇ રહ્યો છે. ડેરી ઉદ્યોગનો સંયુકત ર્વાિષક વિકાસ દર હાલ ૧પથી ૧૭ ટકા છે, જ્યારે મૂલ્યર્વિધત ઉત્પાદનનો દર ર૪ ટકાથી વધારાના દરથી વધી રહ્યો છે. ખેતી વિકાસના દરમાં ખેત ઉત્પાદન એવા દૂધનો મોટો હિસ્સો છે એટલે કે રર ટકા ફાળો છે. વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ૧પ ટકા દૂધ ઉત્પાદન સાથે ૧૯૯૯માં ભારત વિશ્વનો મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો છે. ડેરી ભારતનો પરંપરાગત વ્યવસાય છે, તેના વિકાસની મોટી શક્યતાને લઈ રોકાણકારોનું ધ્યાન આ ઉદ્યોગ તરફ ખેંચાયું છે. હાલમાં સ્થાનિક રોકાણકારોની રોકાણ વધારવાની ક્ષમતા, અન્ય કંપનીઓ દ્વારા ડેરી ઉદ્યોગમાં વૈવિધ્યકરણ અને ખાનગી મૂડી રોકાણકારો, વિદેશી સંસ્થાઓના પ્રવેશને ધ્યાને લેતાં આગામી ર૦ર૦ સુધી તો આ ઉદ્યોગ મોટા વિકાસદર તરફ આગળ વધતો રહેશે તેમ એક અહેવાલ જણાવે છે.
હાલ શહેરીકરણ વધી રહ્યું છે ત્યારે લોકોની દૂધની વપરાશની રીત પણ બદલાઈ છે ત્યારે પ્રવાહી દૂધ વ્યવસાયમાં મૂલ્યવર્ધન થતા નફો બે ગણો વધ્યો છે. એકલા દૂધ ઉત્પાદનની જ વાત કરીએ તો દેશમાં હાલ ૧ર.પ કરોડ ટન દૂધ ઉત્પાદન થાય છે તે આગામી દિવસોમાં વધીને ર૦ કરોડ ટને પહોંચવાની શક્યતા છે. સરકારને પણ આ ઉદ્યોગના વિકાસની શક્યતાઓ દેખાઈ રહી હોય દેશના વિવિધ ભાગોમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સ્થાપવા માટે રોકાણકારોને માર્ગદર્શન, પ્રોત્સાહન પૂરું પાડી રહી છે.

અત્રે એ યાદ આપીએ કે ડેરી ઉદ્યોગમાં ૧૯૯૧માં ખાનગી રોકાણકારોના પ્રવેશનાં ધારાધોરણ હળવાં કરવામાં આવ્યાં છે અને કેટલાય ખાનગી રોકાણકારો વિવિધ વિસ્તારોમાં વધારાના દૂધ ઉત્પાદન માટે પ્રોસેસિંગ સુવિધાઓ ઊભી કરી રહી છે.