ભારે વરસાદથી પ્રભાવીત વિસ્તારોમાં પાણી ઓસરે પછી સરવે અને સહાય ચૂકવાશે 

ગયા ચોમાસામાં ત્રણ જિલ્લામાં તબાહી સર્જાય હતી જ્યાં રાહત કામગારીમાં તંત્ર નિષ્ફળ રહેતાં ગુજરાત બહારથી સહાયકારક ફોર્સ મંગાવવા પડ્યા હતા. આ ચોમાસામાં પાંચ જિલ્લામાં વરસાદે તબાહી સર્જી છે ત્યારે ત્યાં વહીવટી તંત્ર અત્યંત ધીમી કામગીરી કરી રહ્યું હોવાનું જણાતાં મુખ્યમંત્રીએ આ નિષ્ફળ તંત્રને કામગીરી ઝડપી કરવા માટે સૂચના આપવી પડી છે.

મુખ્યમંત્રીએ વિજય રૂપણી તથા પ્રધાનોએ ગિર-સોમનાથ, વલસાડ, અમરેલી, જૂનાગઢ અને ડાંગ જિલ્લાની મુલાકાત લઈ રાહત-બચાવની કામગીરીનો તાગ મેળવ્યો હતો. સરકારી તંત્રને વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા
સુચના આપી. વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ તંત્રને રાહત-બચાવની કામગીરીમાં ઝડપ લાવવા તાકીદ કરી હતી.

રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવીત વિસ્તારોમાં રાહત-બચાવની કામગીરી શરૂં થઈ છે. વરસાદી પાણી ઓસરે ત્યારે સરવે કરીને ખેડૂતોના પાકને થયેલ નુકશાનના સરવે તેમજ અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય ચૂકવવા મહેસુલ વિભાગે નક્કી કર્યું છે. સમગ્ર ગુજરાતમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૪૪ ટકા જેટલો થઇ ગયો છે. છેલ્લા ચોવીસ
કલાકમાં ૨૯ જિલ્લાના ૧૪૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ગિર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, વલસાડ, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ થયો છે.

રાજ્યમાં રાહત-બચાવની કામગીરી માટે ૨૦ એન.ડી.આર.એફ.ની ટીમો કાર્યરત છે. જેના દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાંથી ૪૦૨૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતરણ કરાયું છે અને ૫૯૬ જેટલા લોકોને રેસ્કયુ દ્વારા બચાવી લેવાયા છે. ગિર-સોમનાથ જિલ્લામાં ૨૪,૦૦૦ થી વધુ ફુડ પેકેટ્સનું પણ વિતરણ કરાયું છે. તેમણે કહ્યું કે, વરસાદી પાણી ઓસરે ત્યાં આરોગ્યની સેવાઓ સત્વરે પૂરી પાડવા માટે પણ જરૂરી સૂચનાઓ અપાઇ છે. સાથે સાથે ખેડૂતોના પાકને નુકશાન થયું હોય તો તેનો પણ સરવે યુદ્ધના ધોરણે હાથ ધરાશે. ઉપરાંત વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ, ઘરવખરી સહાય, મૃત્યુ સહાય તેમજ પશુ સહાય જે સરકારના ધારા ધોરણ મુજબ મળવાપાત્ર છે તે મુજબ સત્વરે ચૂકવી દેવા માટે સંબંધિત વિભાગો તથા અધિકારીઓને આદેશો કરી દેવાયા છે.

ચોમાસાની આ સીઝનમાં અત્યાર સુધીમાં આકાશી વીજળી પડવાથી ૧૦, પાણીમાં ડૂબવાથી ૧૩, વાવાઝોડા-અન્ય કારણોથી ૦૯ મળી કુલ ૩૨ માનવ મૃત્યુ નોંધાયા છે. આ તમામ પૈકી ૧૪ માનવ મૃત્યુ સંદર્ભે રૂ. ૫૬ લાખની મૃત્યુ સહાય ચૂકવી દેવાઇ છે. પાણીની તીવ્રતાના પરિણામે રાજ્ય ભરમાં કુલ ૧૨૫ પશુ મૃત્યુ નોંધાયા છે. રાજ્ય સરકાર અને NDRFની પ્રસંશનિય અને અસરકારક કામગીરીને પરિણામે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ હોવા છતાં પણ જાનહાની ટાળી શક્યા છીએ.

વરસાદને કારણે અત્યાર સુધીમાં ૫૬૫ ગામોમાં વીજ પુરવઠાને અસર થઇ છે તે પૈકી ૪૬૭ ગામોમાં વીજ પુરવઠો
પૂર્વવત કરી દેવાયો છે. જ્યારે ૯૮ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સાથે સાથે રાજ્યના ૧૬૮ માર્ગોને પણ અસર થતા વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે. પાણીથી પ્રભાવીત વિસ્તારોમાં આરોગ્ય સુખાકારી માટે પૂરતા પ્રમાણમાં દવાઓ, કલોરીન ટેબલેટ, ઓ.આર.એસ. સહિત જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ છે. ૧૩ જિલ્લામાં ૪૮,૨૪૪ કલોરીન ટેબલેટનું વિતરણ તથા ૧૨ જિલ્લામાં ૩,૧૧૩ ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરાયું છે.

રાજ્યમાં થયેલ વરસાદને પરિણાામે ૧૦ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયા છે. જેના કારણે રાજ્યના
૧૩ જળાશયો હાઇ એલર્ટ, ૦૫ જળાશયો એલર્ટ તેમજ ૧૨ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.