ખંભાત તાલુકામાં આવેલા 4400ની વસતિ ધરાવતાં જીણજ ગામની શાળા જ્યાં 721 બાળકો ભણે છે. અહીં 27 વર્ષથી કોઈ ફી લીધા વગર બાળકોને ભણાવવામાં આવે છે. કારણ કે અહીં 90 ટકા બાળકો ગરીબ કુટંબમાંથી આવે છે. આ ગામ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના મત વિસ્તારની તદ્દન નજીક આવેલું છે. આ એજ શિક્ષણ પ્રધાન છે જેમણે ગુજરાતના લોકોનું શિક્ષણ મોંઘું કરી દીધું છે. તેમના જ વિસ્તારમાં એક શાળા એવી છે કે જે તમામ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપે છે. તે પણ ગાંધીનગરની કોઈ શાળા કરતાં પણ શ્રેષ્ઠ. શિક્ષણ દિવસે એક શ્રેષ્ઠ શિક્ષક કેવા હોય તે છોટાભાઈ પાસેથી શિખવા જેવું છે.
છોટાકાકા
સંસ્થાના સ્થાપક અને કારોબારીના સભ્ય 82 વર્ષના છોટાભાઇ ગાંડાભાઈ પટેલ કે જેમને લોકો ‘છોટાકાકા’ના નામે ઓળખે છે. ગાંધીજી જેવું જ એમનું જીવન છે. સાદગી, સચ્ચાઈ, કર્તવ્ય નિષ્ઠા, લોકસેવક, સત્ય, ઈમાનદારી, સમભાવ, સદાચારી જેવા ગાંધી મૂલ્યોને તેઓએ સારી રીતે પચાવ્યા છે. ખાદીના સાદાં સફેદ વસ્ત્રો પહેરે છે. ગામમાં તેમનું ઘર, પરિવાર, જમીન બધું જ છે પરંતુ વર્ષોથી તેઓ સ્કૂલને સંભાળવા સ્કૂલમાં જ રહે છે, દિવસ અને રાત્રે પણ. પરંતુ સ્કૂલની કોઇ સુવિધાઓ અંગત જરૂરિયાત માટે ઉપયોગ કરતા નથી. બંને ટાઇમ તેમનું જમવાનું અને પીવાનું પાણી ઘેરથી આવે છે. બસ જીણજની સ્કૂલ એ જ એમનું જીવન છે. સ્કૂલના બાળકો એમનો મોટો પરિવાર છે. તેઓ આજીવન શિક્ષક રહ્યાં છે. શિક્ષક પર સમાજને કેવી શ્રદ્ધા હોય છે તે છોટાકાકા ઉત્તમ ઉદાહરણ છે. તેઓ ગરીબીમાં ઉછેર્યા હતા. 27 વર્ષ શિક્ષક તરીકેની નોકરી કર્યાં બાદ રાજીનામું આપી એક ધાર્મિક સંસ્થા સાથે જોડાઈ ગયા. પછી તેઓ પોતાના આ ગામમાં આવ્યા અને હવે સાધુ જેવું જીવન જીવે છે. તેમના માતા દિવાળી બા તેમને ભણાવવા માટે રૂ.100 શોધવા માટે ઘરેઘરે ભટકતાં હતા. ભાલ પ્રદેશમાં તેમણે બાળકોને ઉચ્ચ અભ્યાસ અને વ્યસન મૂક્તિ માટે પદયાત્રાઓ કરી હતી. તેમનો કોઈ પ્રસિદ્ધિ જોઈતી નથી. ગામના લોકો અને વિદ્યાર્થીઓમાં લોકચાહના મેળવી છે. તેમને ભાલબારા પ્રદેશના ગાંધી એવું લોકો અને તેમના સાથે કામ કરતાં શિક્ષકો કહે છે.
ગરીબ બાળકોને મફત શિક્ષણ
અકેશ એમ. પટેલ તથા રાધેકૃષ્ણ મધુપુરુષોત્તમના નામે આ સંકુલમાં વિવિધ શાળાઓ છે. ધોરણ 1થી ધોરણ 12 સુધીમાં 721 વિદ્યાર્થીઓને શાળાની સ્થાપના સમયથી 27 વર્ષથી મફત ભણાવવામાં આવે છે. અહીં મોટભાગના કુટુંબો ગરીબ છે. કોઇ જ ફી લેવાતી નથી. અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરતની પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે તેવું આ સ્કૂલનું બિલ્ડિંગ, સંકુલ અને શિક્ષણ છે, સ્કૂલની પાસે શ્રેષ્ઠ સ્ટાફ છે. શ્રેષ્ઠ સાધનો અને કોમ્પ્યુટર્સ છે. ચિત્રકલા ભવન છે. શ્રેષ્ઠ પુસ્તકાલય છે. શ્રેષ્ઠ સિવણ વર્ગ છે. વિદ્યાર્થિનીઓ માટે સુંદર છાત્રાલય પણ છે. જ્યાં રહેવાની કે જમવાની કોઇ જ ફી નથી. છતાં જમવાનું શ્રેષ્ઠ ભોજન જ પીરસાય છે જે કલ્પવું પણ મુશ્કેલ છે. રાત્રીના સમયે બાળકો અહીં આવીને ભણી શકે છે. તે માટે સરદાર પટેલ વિદ્યાર્થી રાત્રી ગૃહ સ્થાપ્યું છે. બાળકો અહીં રાતના વાંચે છે અને સવારે પોતાના ઘરે જાય છે. આ ગામમાં 125 વર્ષ જૂની પ્રાથમિક શાળા છે. 41 નાના ગામના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. 90 ટકા વિદ્યાર્થીઓ ગરીબ કુટુંબમાંથી આવે છે.
કેટલાંક અનામી દાતાઓ
જીણજ ગામના લોકોએ ભેગા મળી 20 વર્ષ પહેલાં ‘શ્રી અમૃતભાઈ શીવાભાઈ પટેલ કેળવણી મંડળ’ની સ્થાપના કરી હતી. 1992માં ધોરણ-8 માત્ર 51 વિદ્યાર્થીઓથી ભાડાના મકાનમાં હાઇસ્કૂલ શરૂ કરી. સંસ્થાએ 12 વર્ષ સુધી આ શાળાના ભાડાના મકાનમાં ચલાવી. ગામમાં કોઇ શ્રીમંત નહીં. વિદેશમાં રહેતા અહીંના વતનીઓએ દાન મોકલ્યું. વિદેશમાં રહેતા દાતા મનુભાઈ શંકરભાઈ પટેલે રૂ.7,51,000 નું દાન આપ્યું. સરદાર સાહેબની પ્રતિમા માટે આ હાઇસ્કૂલના જ આચાર્ય ચંદ્રકાંતભાઈ પટેલે રૂ.75,000નું દાન આપ્યું હતું. સ્કૂલને એક એવા દાતા મળ્યા જેમણે પાવતી લીધા વગર દાન આપ્યું પણ પોતાનું નામ જાહેર કર્યું નથી, આ ગામના વતની નથી, જીણજ ગામ જોયું નથી. પણ દાતાની યાદીમાં બોર્ડ પર પ્રથમ નંબરે હોવા છતાં પોતાના નામના બદલે લખ્યું છે – પ્રકૃતિએ આપેલું પ્રકૃતિને આપ્યું.
ખારો ભાલ પ્રદેશ, નપાણીયો વિસ્તાર છે
1100 વર્ષ પહેલાં આ જીણજ ગામ વસાવવામાં આવ્યું હતું. ભાલ પ્રદેશમાં કૂલ 402 ગામ છે. 1000થી 20000ની વસતી ધરાવતાં હોય એવા 100 જેટલાં ગરીબ ગામ આ શાળામાં ભણવા આવે છે. આ ગામ જ્યાં આવેલા છે તે પ્રદેશને ભાલબારા પ્રદેશ કહેવામાં આવે છે. ભાલમાં ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાય રહે છે જેમાં દાઉદખાની ભાલિયા ઘઉં આ ભાલ પ્રદેશમાં શિયાળામાં ઉગાડવામાં આવે છે. દરિયો નજીક છે અને જમીન ખાર પટવાળી છે. ભૂગર્ભ જળ ખારાં, કડવા અને ચીકણું છે. લોકો વરસાદી પાણી પર જ ખેતી કરી શકે છે. ઓછી જમીન, પાણીની તંગી, વરસાદની અનિયમિતતા છે.
ગુજરાતી
English



