ભાવનગરમાં કોંગ્રેસની ભવાઈ, શક્તિસિંહ શરણાઈ વગાડે છે

ભાજપની કોંગ્રેસ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ

કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પોતાના જિલ્લા પણ સાચવી શકતા નથી. આવા 7 જિલ્લામાંથી એક ભાવનગર પણ છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર જિલ્લા પંચાયત, ભાવનગર જિલ્લાની વિધાનસભા જીતવા માટે પ્રદેશ નેતા શક્તિસિંહ ગોહિલ સદંતર નિષ્ફળ ગયા છે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાવનગરના બે ધારાસભ્યોને હરાવવા માટે કામ કરવા માટે જેમની સામે પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ રજુઆતો થઈ છે. લેખિતમાં પૂરાવા સાથે રજૂઆતો થઈ છે. તેમ છતાં પગલાં લેવા માટે અને ભાવનગરને સંગઠનમાં મજબૂત કરવા માટે શક્તિસિંહ ગોહિલને નેતા બનવું છે પણ પોતાનો જિલ્લો મજબૂત બને તે માટે કંઈ કરવા તૈયાર નથી.

રાજેશ જોશી સામે રજૂઆતો

ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી સામે એક વર્ષ પહેલાં ભાવનગરમાં વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા બે ઉમેદવારોએ પક્ષમાં રજૂઆત કરી હતી કે શહેર પ્રમુખ પોતે જ પોતાના પક્ષના બે ધારાસભ્યોને હરાવવા માટે કામ કર્યું હતું. એકની સામે ખૂલ્લીને અને એક ઉમેદવાર સામે પડદા પાછળ રહીને હરાવવા પ્રયાસ કર્યો હતો. તો તેઓએ હરાવવા પ્રયાસ કર્યો ન હોત તો એક બેઠક જીતી શકાઈ હોત. કોંગ્રેસના ઉમેદવાર નીતાબેનને હરાવવા ખૂલ્લીને ભાજપને મદદ કરી હતી. ગીતાબેનને ભાજપના વિભાનરી દવેને જીતાડવા માટે બધા જૂએ એ રીતે મદદ કરી હતી. ગીતાબેન એ રાજેશ જોશીના જૂથના છે. તેમ છતાં તેમની સામે શહેર પ્રમુખ, પ્રદેશ પ્રમુખ કે શક્તિસિંહ ગોહિલે કોઈ જ પગલાં લીધા ન હતા. જોશી સામે રાહુલ ગાંધીને પુરાવા સાથે લેખિતમાં રજૂઆતો કરી હતી. રાહુલ ગાંધીએ પગલાં લેવા માટે સૂચના આપી હતી. તેમ છતાં રાજેશ જોશી સામે કોઈ પગલાં લેવાયા નથી. તેઓ ભાજપને માટે કામ કરી રહ્યાં હોવાનો ગંભીર આરોપ મૂકાયો હોવા છતાં તેમની સામે કોઈ જ પગલાં લેવાયા નથી.

કોર કમિટિમાં રજૂઆત

હમણાં જ ભાવનગરમાં કોર સમિતિની બેઠક હતી. જેમાં અમદાવાદથી આવેલા કોંગ્રેસના નેતા મનહર પટેલની હાજરીમાં રાજેશ જોશી સામે ફરિયાદો કરવામાં આવી હતી. તેઓ પક્ષનું શહેર માળખું બનાવી શક્યા નથી. વોર્ડ પ્રમુખ બનાવી શક્યા નથી. હવે નિમણૂક શરૂ કરી છે. શહેર પ્રમુખને કેમ બદલવામાં આવતાં નથી એવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો. તે સમયે જોશી હાજર હતા તેઓએ પણ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

રાહુલ ગાંધીને અપાયેલા પુરાવામાં તો શહેર પ્રમુખ ભાજપની સાથે કઈ રીતે ભળેલા છે તે અંગે કેટલાંક ફોટોગ્રાફ્સ પણ આપવામાં આવ્યા છે. ભાજપ તેમને મદદ કરી રહ્યો છે અને તેઓ ભાજપને મદદ કરી રહ્યા છે. જો લોકસભાની ચૂંટણી ભાવનગર બેઠક પર યોગ્ય ઉમેદવાર ઊભા રાખવામાં આવે તો તે જીતે તેમ છે. પણ શહેર પ્રમુખ પદે જો જોશી ચાલુ રહેશે તો કોંગ્રેસ બેઠક ગુમાવે તેમ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે તેમને દોસ્તી છે.

સંગઠન મજબૂત કરીશું – જગત શુક્લ

ભાવનગર શહેર ઈનચાર્જ અને પ્રદેશ જનગર સેક્રેટરી જગત શુક્લ કહે છે, અસંતોષ તો છે. પણ શહેરમાં દરેક 13 વોર્ડમાં ઓબ્જર્વર નિયુક્ત કરી દેવાયા છે. પણ ભાજપના પ્રદેશ પ્રમુખ અને મહિલા ધારાસભ્ય સાથે જે લોકો ભળેલા છે તે કોઈ રીતે ચલાવી લેવાય તેમ નથી. કોઈ ખરીદી લે અને વેચાઈ જાય એવું હવે નહીં ચાલે. તેથી ત્રણ વર્ષથી નિમણૂક થઈ નથી એવા વોર્ડ પ્રમુખ પણ નિયુક્ત કરીને સંગઠન મજબૂત કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક કોર્પોરેટરોમાં પણ શહેર નેતૃત્વ સામે અસંતોષ છે. વિરોધ પક્ષના નેતા અને શહેર પ્રમુખ બદલવા માટે રજૂઆતો આવી છે. 23 જાન્યુઆરી 2019માં પણ સેન્સ લેવા અંગે બેઠક હતી.

વિરોધ છતાં જનરલ સેક્રેટરી બનાવાયા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સૂચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને પીઢ કોંગી નેતાઓ સાથે પરામર્શ કર્યા બાદ જનરલ સેક્રેટરી અશોક ગેહલોતે 19 નવેમ્બર 2018ના રોજ પ્રદેશ કોંગ્રેસનું 402 સભ્યોના જમ્બો સંગઠન જાહેર કર્યું હતું. જેમાં ભાવનગર જિલ્લાના કોંગ્રેસના 16 આગેવાનોને સ્થાન અપાયું તેમાં ભાવનગરના ગઢડા-ઉમરાળાના ધારાસભ્ય પ્રવીણ મારૂ અને ગારિયાધારના બાબુ માંગુકીયાને પણ ઉપપ્રમુખ પદ તથા જનરલ સેક્રેટરી તરીકે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી અને તળાજાના ધારાસભ્ય કનુ બારૈયાને સ્થાન આપવામાં આવ્યું હતું. મહુવાના રાજ મહેતા, અનિરૂધ્ધસિંહ ગોહિલ (રંગોલી), જગદીશ જાજડીયા (સિદસર), મિલન કુવાડીયા (સિહોર), મનોહરસિંહ ગોહિલ (લાલભા) અને પૂર્વ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ભારતી ભીંગરાડીયા, કાર્યકારી સમિતિમાં ભરત બુધેલીયા, પૂર્વ ધારાસભ્ય દિલીપભાઈ ગોહિલ અને પૂર્વ ધારાસભ્ય કનું કળસરીયા તથા ખાસ આમંત્રિત સભ્યોમાં મહાવીરસિંહ ગોહિલ(તણસા) અને ભાવનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો.ડી.બી. રાણીંગાનો સમાવેશ કરાયો હતો. ભાવનગરના કોંગ્રેસના લોકોએ પોતાના પ્રમુખ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ રજૂઆતો કરી હતી તેમ છતાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશીની સામે પગલાં લેવાના બદલે તેમને શીરપાવ અમિત ચાવડાએ આપ્યો હતો. તેમને પક્ષના હોદ્દા પરથી દૂર કરવા જોઈતા હતા તેના બદલે તેમને ઊંચે ચઢાવાયા હતા. તેથી ભાવનગર શહેરમાં ભારે વિરોધ જોવા મળી  રહ્યો છે. જો તેમને હોદ્દા પરથી દૂર કરીવામાં નહીં આવે તો કોંગ્રેસે ભવનગર લોકસભા બેઠક ગુમવવી પડશે.

2015માં શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા

ભાવનગર શહેરના પ્રમુખ પદે રાજેશ જોષીની નિમણૂક 13 જૂન 2015માં થઈ હતી. લાંબા સમયથી વિવાદ હતો કે પ્રમુખ તરીકે રાજેશ જોષીને બેસાડવા કે કેમ. તેઓ 2012ની વિધાનસભાની ચૂંટણી હારી ગયા હોવા છતાં તેમને નિમણૂક કરી હતી.

કોંગ્રેસમાં રાજીમાનામી મોસમ

ભાવનગર મહાનગર પાલિકામાં કોંગ્રેસની કારમી હાર બાદ 29 ઓક્ટોબર 2010માં શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. ડી. બી. રાણીંગા તથા કોંગ્રેસના વોર્ડ પ્રમુખો તથા ડેલીગેટ્સોએ સામુહિક રાજીનામા આપી દીધા હતા. ત્યારથી શહેર કોંગ્રેસ સંગઠનનું વિર્સજન પુન: રચના કરવા કોંગ્રેસમાં માંગણી હતી. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખપદેથી ડો.ડી.બી.રાણીંગાએ રાજીનામુ આપ્યા બાદ પ્રમુખપદ માટે કવાયત શરૂ થઈ હતી. પ્રદેશ કક્ષાએથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોના મંતવ્યો પણ લેવાયા હતા. પરંતુ તેમાં પણ વિવાદ ઉભો થતા પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆતો થઈ હતી. શહેર કોંગ્રેસ પ્રમુખપદે કોર્પોરેટર રાજેશ જોષીના નામની પ્રદેશ કોંગ્રેસે જાહેરાત કરતા વિવાદો ઊભા થયા હતા.

રાજીનામું આપ્યું

ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખપદેથી રાજેશ જોષીએ આપેલું રાજીનામુ પ્રદેશ કોંગ્રેસે નામંજૂર કર્યું હતું. પ્રદેશમાંથી 18 સપ્ટેમ્બર 2017માં રાજીનામું આપ્યું હતું જે નામંજૂર કરતો પત્ર 20 સપ્ટેમ્બર 2017માં શહેર કોંગ્રેસ કાર્યાલયને મોકલવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી તથા શહેર પ્રમુખ રાજેશ જોષી વચ્ચે એક લાંબી બેઠક થઈ હતી. જેમાં રાજેશ જોષીએ શહેરના વરિષ્ઠ આગેવાનોનો અસહકારનો મુદ્દો પણ ઉછાળ્યો હતો. ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર સહન કરવાની આવી હોવાથી 4 ડિસેમ્બર 2015માં પણ આ રીતે રાજેશ જોષીએ રાજીનામું આપ્યું હતું. વર્ષ 2005માં કોર્પોરેશનમાં 18 બેઠકો કોંગ્રેસની હતી, જે ઘટીને 2010માં 10 થઇ ગઇ હતી. જે 2015માં પુન: 18 બેઠકો થઈ પણ સત્તા મળી ન હતી. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું ધરી દેનાર રાજેશ જોષીના સ્થાને કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલા પ્રકાશ વાઘાણીને પરત કોંગ્રેસમાં લાવી શહેરનું સુકાન સોંપવામાં આવે તેવી શકયતા હતી. વિધાનસભાની ભાવનગર પૂર્વની બેઠકની ટિકિટના દાવેદારો રાજેશ જોષી, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દર્શન જોષી સહિતના નારાજ હતા. તેમને મનાવવા માટે પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પ્રયાસ પણ કર્યા હતા.

અમદાવાદ અને ભાવનગર જિલ્લા પંચાયતને કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં ભાજપને સફળતા મળી હતી.

પ્રમુખની નિમણૂંકમાં આંતરિક વિખવાદ

જૂન 2015માં કોગ્રેસ પ્રમુખના વિવાદ વકરી ચૂક્યો હતો. શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની નિમણુક માટે પ્રદેશના પ્રતિનિધિઓએ સેન્સ તો લીધા પરંતુ નિમણૂંક નહી થતા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થયો હતો. મહાનગરપાલિકાની ચૂંટણીમાં નિરસ અને પ્રમુખની નિમણુકમાં વધુ રસ હોય તેવું વાતાવરણ હતું. શહેર પ્રમુખ માટે પ્રદેશ માટે પ્રદેશ કોગ્રેસના પ્રતિનિધિઓએ મંતવ્યો લીધા બાદ પ્રમુખના દાવેદાર પ્રકાશ વાઘાણીએ મોવડી મંડળની ખોટી રીતે નિમણુકની ચાલતી હલચલ વિરૂધ્ધ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરતા વિવાદ વધુ વકર્યો હતો. શહેર પ્રમુખ તરીકે રાજેશ જોષી અને ભીખાભાઇ ઝાઝડીયાના નામો દાવેદારમાં હતા. આખરે 13 જૂન 2015ના દિવસે ભાવનગર શહેર પ્રમુખ પદે રાજેશ જોષી અને ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે પ્રવિણ વાળાની વરણી કરવામાં આવી હતી.

કોંગ્રેસથી ઘણાને અસંતોષ

કોંગ્રેસના પ્રકાશ વાઘાણી પૂર્વ પાટીદાર કન્વીનર અને પૂર્વ શહેર કોંગ્રેસના ઉપ-પ્રમુખ પદ કામ કરતાં હતા. તેમણે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છતાં તેમને મનાવવા માટે કોઈ પ્રયાસ થયો ન હતો. તેઓ ભાજપમાં જોડાયા પછી ભાવનગર ભાજપના ઉપાધ્યક્ષની ફરજ પરની જવાબદારી નિભાવી રહેલા પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપી દીધું હતું. જે ભાજપના પ્રદેશ પ્રમુખને લપડાક મારી હોવા છતાં પણ કોંગ્રેસના કોઈ નેતાઓ પ્રકાશનો સંપર્ક કર્યો ન હતો. વિધાનસભા ચૂંટણી સમયે પ્રકાશ વાઘાણી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતાં. લોકોના પ્રશ્નોની વારંવાર રજુઆત કરેલી હોવા છતાં પણ કોઈ પણ જાતનો નિકાલ ન કરતાં પ્રકાશ વાઘાણીએ ભાજપમાંથી રાજીનામું આપીને ભાજપના પ્રદેશ નેતાઓના ગાલ પર તમાચો માર્યો છતાં કોંગ્રેસના નેતાઓ કંઈ કરવા તૈયાર નથી.

શક્તિસિંહ ગોહીલ એટલા જ જવાબદાર

બિહારમાં પ્રભારી બનાવાયા બાદ 5 મે 2018માં  શક્તિસિંહ ગોહિલ ભાવનગર આવ્યા ત્યારે તેમનું ફટાકડા ફોડી સન્માન કરાયું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે ભાવનગર સાથે મારે જૂનો નાતો છે. અહીંથી જ મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. ભાવનગરનો કોઈ વિકાસ થયો નથી. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ જોશી, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવિણભાઈ વાળા, ધારાસભ્ય કનુ બારૈયા, ધારાસભ્ય પ્રવિણ મારૂ, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, પૂર્વમેયર રમણીક પંડયા પૂર્વ પ્રમુખ ડો. રાણીંગા, ઝવેરભાઈ ભાલિયા, અનિરૂધ્ધ ગોહિલ, મેહુરભાઈ લવતુકા, મહાવીર ગોહિલ, કાળુ બેલીમ જેવા નેતાઓ આ વેળા હાજર હતા. પણ શક્તિસિંહ ગોહિલે ભાવનગમાં કોંગ્રેસ કેમ હારે છે તે અંગે કોઈ જ આયોજન કરવી આપ્યું ન હતું. જેમ જૂથવાદ ચાલે છે તેમ ચાલવા દીધો હતો. તેમણે પક્ષમાં રહીને પક્ષ વિરોધી કામ કરતાં નેતાઓ માટે પગલાં ભરવા માટે ન તો અમિત ચાવડાને કહ્યું કે ન તો રાહુલ ગાંધીને કહ્યું હતું. આમ ભાવનગરમાં કોંગ્રેસ સતત હારે છે તેમાં સૌથી મોટી જવાબદારી શક્તિસિંહ ગોહિલની છે. તેઓ ભાવનગર કોંગ્રેસ માટે કંઈ કરવા ન માંગતા હોય એવી લાગણી જોવા મળે છે.