ભૂજમાં બહાર આવ્યો માનવ તસ્કરીનો કેસ, 3 મહિલા સહિત આઠની ધરપકડ

ભૂજમાં માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. ભૂજ – માંડવી રોડ પર સગીર વયની દીકરીને વેચાતી લઈને નીકળેલા શખ્સને પકડતા માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો.પોલીસ પૂછપરછમાં શખ્સે તરુણીને એક લાખમાં વેચાતી લીધી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે પોલીસે આ સમગ્ર કારનામા માં 3 મહિલા સહિત 8 આરોપીની વિધિવત ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે
બનાવની મળતી વિગતો મુજબ,  દોઢ માસ અગાઉ ઝારખંડની તરુણી પોતાના ગામથી પ્રેમી સાથે ઘર છોડીને નીકળી હતી. જ્યારે તેઓ રાંચી સ્ટેશને પહોંચ્યા ત્યારે નજીવી બાબતે તકરાર થતા પ્રેમી તેને રેલવે સ્ટેશન મૂકીને જતો રહ્યો હતો. તે દરમિયાન કોલકાતાના આરીફ નામના દલાલ સાથે તરુણીનો ભેટો થયો હતો અને આ દલાલે તરુણીને ભજૂની જિજ્ઞા પટેલને વેચી નાખી હતી. સગીરા પર માનસિક શારીરિક ત્રાસ ગુજારી અલગ અલગ જગ્યાએ તેને વેચવામાં આવી હતી. છેલ્લે સગીરાને એક લાખમાં ગુલાબસિંહ જાડેજાને વેચવામાં આવી અને તેઓ તેને લઈને જ્યારે નીકળ્યા તે દરમિયાન ભૂજ માંડવી રોડ પર ખત્રી તળાવ નજીક કેટલાક જાગૃત નાગરિકોને શંકાસ્પદ પ્રવુતિ નજરે પડતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો.
આ કેસમાં માનકૂવા પોલીસને માનવતસ્કરીના કૌભાંડની કડી મળી અને એક પછી એક એમ આઠ આરોપીના નામ ખુલ્યાં હતા. આરોપીઓમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. સમગ્ર કૌભાંડના તાર ભૂજ શહેર અને આસપાસના નાગોર ગામ સુધી જોડાયા છે. આરોપીઓમાં મુખ્ય ભૂમિકા કોલકત્તાના આરીફ શેખ અને ભૂજના કેમ્પ વિસ્તારમાં રહેતી જિજ્ઞાબેન શાંતિલાલ પટેલે ભજવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. 8 જણાંની ટોળકીમાં સામેલ પાત્રોમાં કોલકત્તાના આસનસોલના આરીફ આઝાદ શેખ, જિજ્ઞા, નાગોર ગામના પ્રેમજી બુધા મારવાનડા અને તેની પત્ની વિજયામાલા, ઈબ્રાહિમ આમદ લંઘા (રહે. ટોડા, ભૂજ), શરીફાબાઈ કાસમશા સૈયદ (રહે. મિરજાપર, ભૂજ), ગુલાબસિંહ માધુભા જાડેજા (રહે. વિરાણીયા, ભૂજ) અને હુસેન ભચા સમા (રહે. તુગા, ભૂજ)નો સમાવેશ થાય છે. આરોપીઓએ સગીરાનું લગ્ન કરાવવાના નામે અલગ અલગ જગ્યાએ વેચાણ કર્યું હતું. એટલું જ નહીં, નાગોરના દંપતિએ સગીરાને વિરાણીયાના ગુલાબસિંહ માધુભા જાડેજાને 1 લાખ રૂપિયામાં વેચી હતી. તો, ઈબ્રાહિમ લંઘા, શરીફાબાઈ સૈયદ, ગુલાબસિંહ અને હુસેન સમાએ સગીરા પર બળજબરી કરી તેના લગ્ન અંગેના કાગળોમાં સહીસિક્કા કરાવી લીધા હતા. બનાવ અંગે ભૂજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.પોલીસે આગળની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.