ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર અધિકારી અનિલ પટેલ સસ્પેન્ડ, પણ મુખ્ચ પ્રધાન સામે કોઈ પગલાં નહીં

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જે દિવસે કબૂલ કરે છે કે, સરકારના વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલે છે તે જ દિવસે સરકારના પ્રામાણિક અધિકારી અનિલ પટેલ સરકારના વિભાગના ભ્રષ્ટાચાર અંગે પારદર્શિતા રાખીને ગુજરાતના એક નાગરિક સાથે વાત કરતાં હોવાથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલા માટે કે આવી વિગતો જાહેર કરી શકાય નહીં.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલિન સચિવ અનિલ પટેલે રાજ્યના યાત્રાધામો પાવાગઢ, રામેશ્વર, બહુચરાજી અને શબરીધામ તથા દ્વારકાના પ્રોજેકટમાં ગેરરીતિ કૌભાંડ થયું હોવા અંગે એક ખાનગી વ્યકિત સાથે ટેલિફોનિક વાતચીતમાં કરેલા આક્ષેપોની ટ્રાન્સસ્ક્રીપ્ટ અને તે સંદર્ભે તે વ્યકિત દ્વારા ACBને કરવામાં આવેલી સીધી અરજીની વિગતો ધ્યાને લેતાં આક્ષેપોની ફરિયાદનો સંદર્ભ તકેદારી આયુકત વિજીલન્સ કમિશનરને કરીને તલસ્પર્શી તપાસ રાજ્યના વિજીલન્સ કમિશનરને સોંપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના પારદર્શી, ભ્રષ્ટાચાર રહિત અને સ્વચ્છ વહીવટની પ્રતિબધ્ધતાને સાકાર કરતાં આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. તેમણે વિજીલન્સ કમિશનરને આ બાબતનો પ્રાથમિક તપાસ અહેવાલ સત્વરે રજૂ કરવાની સૂચના આપતાં એમ પણ સૂચવ્યું છે કે આ સમગ્ર આક્ષેપોમાં જો સત્યતા જણાય અને ગેરરીતિ થયાનું જણાય તો ત્વરાએ સંબંધિત કસૂરવારો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે શ્રી અનિલ પટેલે સરકારી અધિકારીને ન છાજે તેવું વર્તન કરીને ગુજરાત રાજય સેવા વર્તણૂંક નિયમો ૧૯૭૧ના નિયમ-૯ ‘સરકારની ટીકા’ના નિયમ અન્વયે ‘‘કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કોઇપણ પ્રવર્તમાન કે તાજેતરની નીતિ અથવા પગલાંની પ્રતિકૂળ ટીકારૂપ નીવડનારી કોઇ હકીકત કે મંતવ્ય અંગે કોઇ નિવેદન કરી શકે નહિ’’ તેનો ભંગ કર્યો છે.

માહિતી પૂરી પાડવાનો પોતાને અધિકાર ન હોય એવા કોઇ સરકારી કર્મચારીને અથવા બીજી કોઇ વ્યકિતને સીધી યા આડકતરી રીતે માહિતી પૂરી પાડી શકાશે નહિ તેવા નિયમ-10 નો પણ ભંગ તેમણે કર્યો છે. આ ઉપરાંત અનિલ પટેલ સાયન્સ ટેકનોલોજી વિભાગના 29 નવેમ્બર 2018ના પરિપત્રનો પણ ભંગ કર્યો છે.

અનિલ પટેલની આ પ્રકારની ગંભીર ગેરવર્તણૂંક તેમજ ગંભીર ગેરશિસ્તને પગલે તેમને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી નીચે મૂકવાનો પણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન અધિક સચિવ પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ ગાંધીનગરની જગ્યાએથી ફરજમોકૂફી દરમ્યાન સ્પીપા રાજકોટ ખાતે નિમણૂંકનું સ્થળ રાખવા અને તેમની હાજરીનું નિયમીત મોનિટરીંગ થાય તે માટે પણ પ્રબંધ કરવા સૂચનાઓ આપી છે.