ભ્રષ્ટાચાર તો દૂર કરો, ધારાસભ્યોએ મોદીને લખ્યો પત્ર

પ્રધાનમંત્રીને ખુલ્લો પત્ર…..

નરેન્દ્રભાઈ મોદી,
માનનીય પ્રધાનમંત્રી શ્રી,
નવી દિલ્હી.
ભારત સરકાર.

2014 માં લોકસભા ની ચૂંટણી જીતવા માટે આપે આપના ભાષણો માં ભ્રષ્ટાચાર દૂર કરવાના ખોખલા વચનો આપ્યા હતા. એટલું જ નહીં આપે ઍમ પણ કહ્યુ હતુ કે હુ આ દેશ નો પ્રધાન મંત્રી નહીં બલકે ચોકીદાર બનીને સેવા કરીશ.આપના આ ખોખલા વચનો આજે આપને એટલાં માટે યાદ કરાવવા પડે છે કારણ કે આપ ની ચોકીદારી સામે સમગ્ર દેશ ને શંકા જાગી છે કે આપ ચોકીદાર છો કે ભાગીદાર ?

આપના સાડા ચાર વર્ષના શાસનમાં જે કૌભાંડો થયા તેનાથી દેશની જનતા સારી રીતે વાકેફ છે.
લોકસભાની ચૂંટણી પહેલા પ્રચારમાં અનેક વખત આપે ભાષણમાં કહ્યું હતું કે અમારી સરકાર આવતા જ અમે દાગી નેતાઓને હાંકી કાઢીશું. સાડા ચાર વર્ષ વીતી ગયા છે, હમણા પાંચ વર્ષ પૂરા થશે અને નવી ચૂંટણી પણ આવી જશે, પરંતુ આ દાગી નેતાઓ સામે ક્યારે કાર્યવાહી થશે તેની રાહ જોવાઈ રહી છે. જોકે, હરિભાઈ ચૌધરી પહેલા એવા ગુજરાત ભાજપના નેતા કે સાંસદ નથી કે જેમનું નામ કૌભાંડ, મારામારી કે ફાયરિંગ જેવા ગુનાઓમાં આવ્યું ન હોય. આ લિસ્ટ ખૂબ જ લાંબુ છે.

ગુજરાતના સાંસદોની જ વાત કરીએ તો, ગુજરાતના સાંસદ તેમજ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી ગુજરાતીઓના નાણાં ડૂબાડનારી માધવપુરા બેંકના આરોપીઓની વકીલાત કરી ચુક્યા છે. સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું નામ ફાયરિંગ અને ધાકધમકી આપવાના કેસમાં આવી ચુક્યું છે. હાલના મંત્રી તેમજ સાંસદ પરસોત્તમ સોલંકીનું નામ 400 કરોડના મતસ્યકૌભાંડમાં આવી ચુક્યું છે. ચૂંટણી વખતે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વર્તમાન સાંસદ મોહન કુંડારિયા બાળકોની પીઠ પર ચાલતા જોવા મળ્યા હતા. હાલના કેન્દ્રીય મંત્રી તેમજ ગુજરાતમાંથી સાંસદ સ્મૃતિ ઈરાનીનું નામ બોગસ ડીગીકાંડમાં ચમકી ચુક્યું છે. પંચમહાલના સાંસદ પ્રભાતસિંહનું નામ માફિયાગીરી અને બુટલેગરો સાથે સંબંધ રાખવામાં ચમકી ચુક્યું છે. આ યાદી ખૂબ હજી પણ ખૂબ લાંબી છે.

દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઈમાં જ કૌભાંડ થયાના આક્ષેપો બાદ આખો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ કેસમાં સીબીઆઈના એક અધિકારી મનિષસિંહાએ આક્ષેપ લગાવ્યો કે ગુજરાતના વિપુલ ઠક્કર નામના એક વ્યક્તિ મારફતે ભાજપના વર્તમાન સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને રૂ. બે કરોડની લાંચ પડોંચાડવામાં આવી હતી. અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલી પિટિશનમાં આ વાત કહી હતી. નવાઈની વાત એ છે કે હરિભાઈ ચૌધરી અને ત્યાર બાદ ગુજરાતના મતસ્યદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશનું નામ સામે આવવા છતાં ભાજપ તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ મુદ્દે આપ થી લઈને ગુજરાતના સીએમ સુધી તમામ નેતાઓએ હાલ ભેદી મૌન સેવી લીધું છે.

આટલું જ ઓછું હોય તેમ ગુજરાતમાં ભાજપના શાસનમાં જમીન વિકાસ નિગમમાં, તલાટીની ભરતી કરવામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. એટલું જ નહીં ચાર હજાર કરોડનું મગફળી કૌભાંડ પણ આચરવામાં આવ્યું છે.આટ-આટલાં કૌભાંડો આપના જ નેતાઓ દ્રારા આચરવામાં આવેલા હોવાં છતાં પણ આપ મૌન છો ત્યારે કદાચ આપ ચોકીદાર નહીં પણ ભાગીદાર છો એમ કહેવું જરા પણ અનુચિત લાગતું નથી.
– ડૉ.આશાબેન પટેલ(MLA, ઊંઝા)
પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ