ગુજરાત વિધાનસભાએ તાજેતરમાં એક નવો કાયદો પસાર કર્યો છે જે દુકાનો અને સંસ્થાઓમાં કામ કરવાની સ્થિતી અંગે છે. કાયદાની મહત્વની જોગવાઈએ છે કે, તે સમગ્ર ગુજરાતમાં દુકાનો અને સંસ્થાઓને 24 કલાક ખૂલ્લી રહેવા દેશે. આ કાયદો તમામ ટ્રસ્ટ અને સમાજોને દુકાનો તરીકે પણ માને છે. તેનો મતલબ કે ગુજરાતમાં જે મંદિરો છે તે હવે દુકાનની વ્યાખ્યામાં આવી ગયા છે અને તેને એક દુકાન તરીકે જૂએ છે.
10થી વધું લોકો કામ કરતાં હશે તો કાયદો
ફેબ્રુઆરી 2019માં વિધાનસભામાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપીને 1 મે, 2019ના રોજ અમલમાં મુકવાનું શરૂ થયું છે. કાયદો જણાવે છે કે, 10 થી વધુ કર્મચારીઓ પાસે સત્તાવાળાઓને પોતાને નોંધણી કરાવવાની જાણ કરવી પડશે, જ્યારે અન્યોએ ફી સાથે નોંધણી પ્રક્રિયા પૂરી કરવી પડશે.
કામના કલાકો, વધારાના કલાકોના કામ માટે ચૂકવણી, રજાઓ અને કાર્યસ્થળ પર શૌચાલયો, પાણી, પ્રકાશ, સહાય પરિભ્રમણ, આગ સલામતી અને સ્વચ્છતાની યોગ્ય સુવિધા હોવી જોઈએ. તેની જવાબદારી માલિકોની ગણી છે, જે મંદિરો, ચેરિટેબલ ટ્રસ્ટ અને સમાજોના કિસ્સામાં તેમના સંબંધિત ટ્રસ્ટીઓ હોઈ શકે છે.
મંદિરમાં સરકારની દખલ વધશે
આ કાયદો કહે છે કે માલિક દિવસમાં 9 કલાકથી વધુ કર્મચારીનું કામ કરી શકતો નથી અને પાંચ કલાક પછી વિરામ હોવો જોઈએ. નવ કલાક પછીના દરેક કલાકે “ઓવરટાઇમ” ગણાશે, અને કર્મચારીને નિયમિત ચૂકવણીના 1.5 ગણા ચૂકવવાની જરૂર પડશે. દરેક સ્થળની તપાસ અધિકારી કરી શકશે, મંદિરમાં આવીને પણ અધિકારી દખલ કરી શકશે. તેના હિસાબો જોઈ શકશે. પૂજારી કે કર્મચારીઓની બાબતો પણ જોઈ શકશે. મંદિરના દસ્તાવેજો જોવા કે જપ્ત કરવા અને પૂછપરછ કરવાની સત્તા અધિકારીને હાથ આવી છે.
રાજનેતાઓની દખલ વધશે
આ કાયદાનો સ્થાનિક સ્વ-શાસન સંસ્થાઓ, પંચાયતો, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો અમલ કરાવશે અને તેના ઉપર દેખરેખ રાખશે. તેનો મતલબ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા લોકો અને તેના અધિકારીઓ કોઈ ટ્રસ્ટના મંદિરમાં આવીને દખલ કરી શકશે. જો તેમને દખલ કરતાં અટકાવવામાં આવશે તો રૂ.10થી રૂ.50 હજાર સુધીનો દંડ અને 6 મહિનાની સજા થઈ શકે છે. જેમાં પૂજારી પણ આવી જાય છે.
મંદિરના પૂજારીને દંડ ફટકારાશે
દંડની આ જોગવાઈથી હવે મંદિરો સહિત ચેરિટેબલ ટ્રસ્ટો પર દખલ કરશે. હિન્દુ વાદી કે જૈન વાદી ભાજપ સરકારનો હેતુ સ્પષ્ટ છે કે દુકાન અને મંદિરને એક લાકડીએ હાંકવા. મંદિર અને ધર્મસ્થાનો પણ એક દુકાન ગણી છે. પણ ખરેખર તો ટ્રસ્ટનો હેતું ધંધો કરવાનો નથી હોતો. તે મોટા ભાગે સેવા માટે હોય છે. છતાં સરકારે સેવા કે ધર્મને ધંધો ગણી લીધો છે. ખરેખર તો નવો કાયદો ભલે રાષ્ટ્રપતિએ મંજૂર કર્યો હોય પણ તે ભારતીય સંસ્કૃત્તિ સાથે મેળ ખાતો નથી.
શિક્ષણ પાછળ ઓછું ધર્મ પાછળ વધું ખર્ચ
ધાર્મિક નેતા અને ધાર્મિક સંસ્થા ગુજરાતમાં અતિ સમૃદ્ધ બની રહ્યાં છે. વિશ્વ કરતાં ભારતનું ધાર્મિક ચિત્ર ઊલટું છે. વિશ્વમાં આવું જોવા મળે છે કે ત્યાં પ્રજાની આર્થિક પ્રગતિ થઈ છે ત્યારે શિક્ષણ અને સુવિધા વધારવા માટે લોકો નાણાં ખર્ચે છે. પણ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં લોકો જ્યારે સમૃદ્ધ થયાં છે ત્યારે નાણાં અને દોલત ધાર્મિક સ્થાનો કે ધાર્મિક નેતા પાસે વેડફી નાંખે છે. આવું જ ગુજરાતમાં હમણાં વધી રહ્યું છે.
સમૃદ્ધ બનતાં મંદિર
વીરપુર જલારામ મંદિર એક એવું ઉદાહરણ છે કે જ્યાં નાણાં પ્રવાહ એટલો વધી ગયો કે નાણાં કે સંપત્તિ લેવા માટે ઈન્કાર કરી દીધો છે. જ્યારે ત્રણ મંદિરો સોના સાથે મઢવામાં આવી રહ્યાં છે. કેટલીક મસ્જિદ પણ આવું કરી રહી છે. આમ પ્રજાની સમૃદ્ધિ વધતાં નાણાં ધાર્મિક સ્થાનો તરફ સરકી રહ્યાં છે. જેના કારણે ધાર્મિક નેતાઓ પાસે અબજો રૂપિયાની સંપત્તિ જમા થઈ રહી છે. પંજાબ અને રાજસ્થાન પછી ગુજરાત એવું મોટું રાજ્ય છે કે જ્યાં ધાર્મિક સ્થાનો વધારે છે. મહારાષ્ટ્ર અને બીજા મોટા રાજ્યોમાં ઘણાં ઓછા ધાર્મિક સ્થળ છે. ગુજરાતના ધાર્મિક યાત્રાએ 3 કરોડ લોકો બહારથી આવે છે.
ગુજરાતમાં 2 લાખ મંદિરો
ગુજરાતમાં 2001ની વસતિ ગણતરી થઈ ત્યારે 1,42,135 ધાર્મિક સ્થાનો હતા. જે રાજ્યના કુલ મકાનો કે મિલકત સામે 1.30 ટકા થવા જાય છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં 1,10,079 ધાર્મિક સ્થાન હતા. જે કૂલ મકાનની સામે 1.70 ટકા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 32,057 ધાર્મિક સ્થાનો હતા અને કુલ મકાનની સામે તેનું પ્રમાણ 0.81 ટકા હતું. 2011ની વસતિ ગણતરી પ્રમાણે 1,81,854 ધાર્મિક સ્થળ છે. 10 વર્ષમાં 39719 ધાર્મિક સ્થળ વધ્યા છે. કુલ ઘર 1.75 કરોડ હતા ભારતમાં ગુજરાતનો હિસ્સો મકાનમાં 5.30 ટકા છે, પણ ધાર્મિક સ્થાનોમાં ગુજરાતનો હિસ્સો 6.04 ટકા છે. તેનો મતલબ એ થયો કે ભારતમાં સૌથી વધારે ધાર્મિક સ્થળો ગુજરાતમાં છે. 2019 સુધીમાં 2.25 લાખ ધાર્મિક સ્થાનો છે. જેમાં 2 લાખ મંદિરો હોવાનો અંદાજ છે.
વર્ષે નવા 4 હજાર મંદિર બને છે
ગુજરાતમાં દર વર્ષે 4 હજાર નવા ધાર્મિક સ્થાનો બની રહ્યાં છે. શાળા અને કોલેજનો ભારતમાં ગુજરાતનો હિસ્સો 4.42 ટકા છે. આમ આપણી સંપત્તિ ધાર્મિક સ્થળ તરફ વધી રહી છે. પણ શિક્ષણ આપતાં મકાનો એટલાં વધતાં નથી.