અમદાવાદ, તા.11
વૈશ્વિક મંદીએ અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે, જેમાં ભારત પણ બાકાત નથી. ચારેતરફ મંદીની ભારે અસર હવે વર્તાઈ રહી છે. ગુજરાતસ્થિત કંપનીઓએ પણ હવે તકેદારી લેવા માંડી છે. મોટાપાયે થતા ખર્ચા ઘટાડીને કરકસરના પગલાંરૂપે છટણી કરવા માંડી છે, તો વળી ઉત્પાદન ખર્ચને પણ ઘટાડી દીધો છે. ત્યારે હવે એક વધુ અહેવાલ સાંપડી રહ્યા છે, તે વિશ્વવિખ્યાત મારુતિ સુઝીકી કંપનીના છે.
અમદાવાદના હાંસલપુરસ્થિત કંપનીએ હવે ગુજરાતમાં કારના ઉત્પાદનમાં વધારો કરવાનું માંડી વાળ્યું છે. હાંસલપુર એકમમાં હાલના ઉત્પાદન કરતાં બેવડું કાર ઉત્પાદનનું કંપનીનું આયોજન હતું, જે અંતર્ગત વાર્ષિક 7.50 લાખથી વધારીને કારનું ઉત્પાદન 15 લાખ સુધી પહોંચાડી દેવાનું હતું. પરંતુ ઓટો સેક્ટર જે રીતે માર્કેટ ડાઉન ચાલી રહ્યું છે તેને કારણે કંપનીએ પણ સાવચેતીના ભાગરૂપે આ પગલું લીધું છે.
અગાઉ 7.50 લાખની ક્ષમતા ધરાવતી કંપની હાલમાં વાર્ષિક 5 લાખ કારનું ઉત્પાદન કરે છે
કંપનીએ મંદીની અસરને કારણે પણ ઉત્પાદન ક્ષમતા ઘટાડવાનો નિર્ણય કર્યો હતો, જે અંગે અન્ય પરિબળો પણ તેની પાછળ જવાબદાર છે. હાંસલપુરમાં જે રીતે કંપનીને જોઈએ તેવી માળખાગત સુવિધાઓ પણ મળતી નથી, જેને કારણે જરૂરિયાત મુજબ કંપનીએ બહારથી લાવવી પડે છે. આ ઉપરાંત વેચાણમાં સતત થઈ રહેલો ઘટાડો પણ એટલો જ જવાબદાર છે. છેલ્લા અહેવાલ મુજબ કંપનીનું વેચાણ 19 ટકા કરતાં પણ વધુ ગગડ્યું હતું, જેની સીધી અસર કંપનીના વ્યવહાર પર પડી હતી. આ ઘટાડો ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાનો રહ્યો હતો. વર્ષની શરૂઆત જ નબળાં પરિણામોથી થતાં કંપની પણ ઘટાડો કરવા માટે મજબૂર બની હતી. છેલ્લા કેટલાક સમયથી કંપની મુશ્કેલ સમયનો સામનો કરી રહી હતી અને તેમાં મંદીની અસર વધુ નડતરરૂપ સાબિત થઈ રહી છે.
જો કે આ તમામ સ્થિતિ વચ્ચે હરિયાણાના ગુરુગ્રામ અને હાંસલપુરનાં એકમો અન્ય સ્થળે ખસેડવા અંગે કંપની વિચારી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જો કે આ તમામ પરિબળો વચ્ચે કંપની વૈશ્વિક બજાર પર પણ નજર રાખી રહી છે અને તેના સુધારાની આશા રાખીને બેઠી છે.
મારુતિ સુઝુકીને મંદી ક્યાં-ક્યાં નડી
– હાંસલપુરમાં માળખાગત સુવિધાઓનો અભાવ
– વેન્ડર અહીં મળતા ન હોવાથી અસર
– બહારથી પાર્ટ્સ મગાવવા પડતા હોવાના કારણે ઉત્પાદન કિંમતમાં વધારો
– કારીગરો પણ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા મળતા નથી
– વેચાણમાં સતત ઘટાડો