સોનાના ભાવ ૪ નવેમ્બરે ૧૫૬૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની છ વર્ષની ઊંચાઈ સર કર્યા બાદ, છેલ્લા કેટલાંક સપ્તાહથી ૭૫ ડોલરના ઘટાડે ૧૫૦૦ ડોલર આસપાસ સ્થિર થઇ ગયા છે. શુક્રવારે ટેકનીકલ સપોર્ટ નજીક ભાવ ૧૪૯૩ ડોલર બોલાયા હતા. આમ થવા પાછળનું મૂળ કારણ અમેરિકા ચીન ટ્રેડ વોરનું તાપણું ઠંડુ પાડવાની શક્યતા, યુએસ ફેડરલ રીઝર્વ અને અન્યત્ર વધુ વ્યાજ કપાતની શક્યતા, અને ઇક્વિટી બજારમાં રોકાણકારોનો અધ્ધરપધ્ધર પણ આશાવાદી અભિગમ છે. છતાં આ બધા જ કારણોસર લોકોને જોખમ વધી રહ્યાનો એહસાસ થવા લાગ્યો છે. જો કે ટ્રેડ વોરનું તાપણું રોકાણકારોને વધુ સલામતી શોધવા ફરજ પાડી રહ્યું છે.
જાગતિક વિકાસની ચિંતાઓએ બજારોને અનિર્ણાયક સ્થિતિના બંદીવાન બનાવી દીધા છે. ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઈએમએફ)એ ગત સપ્તાહે ૨૦૧૯નો વૈશ્વિક ગ્રોથ રેટ ૦.૨ ટકા ઘટાડીને, ૨૦૦૮ની મંદી પછીનો સૌથી નીચો, ૩ ટકા અંદાજ્યો હતો. અલબત્ત, આઈએમએફ કહે છે કે વૈશ્વિક અર્થતંત્રો ધીમા પડી રહ્યા છે, તેથી વેપાર અંતરાયો વધવા લાગ્યા છે અને ભૂ-ભૌગોલિક સમસ્યાઓ પણ ચરમસીમા તરફ અગ્રેસર છે. આઈએમએફ વધુમાં કહે છે કે ટ્રેડ વોરએ સંગઠિતપણે ૨૦૨૦ની ગ્લોબલ જીડીપીમાં ૦.૮ ટકાનો સરેરાશ ઘટાડો ઉમેરશે. સર્વાંગી રીતે જોઈએ તો નવેમ્બર ડીસેમ્બર માં બજાર બોટમ આઉટ થઇ જાય તે પૂર્વે નવી તેજી અગાઉની આ સાયક્લીક્લ પીછેહઠ છે.
જો તમે લાંબા સમયની બુલિયન બજારનો અભ્યાસ કરશો તો, જણાશે કે આ સાયકલ ક્યારે અને કઈ રીતે દિશા ફેર કરે છે. ફાયનાન્સીયલ એસેટ્સ બજાર બીઝનેસ સાયકલ સાથે જ ઉંચે અને નીચે જવાની રુખ અપનાવતી હોય છે. કૃષિ કોમોડીટી બજારો હવામાન, દુષ્કાળ અને પુર પર આધારિત હોય છે. સોનાની બાબતમાં ભાવની પેટર્ન જોશો તો તે દર છ મહીને આગળની સાયકલનો બેઝ બનાવતી હોય છે. બ્રેક્ઝીટ અને ટ્રેડ વોર આસપાસ બદલાવ લેતા રાજકારણ, ધારણા કરતા નબળા અમેરિકન રીટેલ ટ્રેડ ડેટા સોનાને કઈ રીતે મદદરૂપ થાય છે તે પરત્વે હાલમાં રોકાણકારો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જ્યાં સુધી સોનાના ભાવને દિશાદોર આપે તેવા નવા ઉદ્દીપક ઉજાગર નહિ થાય ત્યાં સુધી ભાવ રેન્જબાઉન્ડ રહેશે. ફેડરલ રીઝર્વ સોના પર દબાણ રહે તેવી નીતિ અપનાવશે, એવી માન્યતા વચ્ચે મંદીવાળા પણ અત્યારે ધારણા કરતા સાવ ઓછા ઉર્જાવાન રહ્યા છે.
રોકાણકારોએ ત્રીજા ત્રિમાસિકમાં ૨૦૦૯ પછી પહેલી વખત, સૌથી વધુ ૬૦ અબજ ડોલરનું રોકાણ શેરબજારમાંથી પાછું ખેંચી લીધું છે, આમ છતાં ભારત, ચીન, અમેરિકા જેવા દેશના શેરઅંકો ઓલટાઈમ હાઈની નજીક રહ્યા છે. શેરમાં મોટી તેજી આવશે, એવું હવે તો રોકાણકારોએ પણ માનવાનું છોડી દીધું છે. ધંધા રોજગારમાં અને શેરબજારમાં સાયક્લીકલ તેજી તેના અંતિમ મોડ પર આવી ઉભી છે. રોકાણકાર જેઓ પરંપરાગત શેર વેચીને બજારમાંથી નીકળી ગયા છે, તેઓને હવે નાણા ક્યા સાચવવા તેની મૂંઝવણ છે, તેઓ ડેટ માર્કેટમાં દાખલ થઇ રહ્યા છે.
એનાલીસ્ટોનું માનવું છે કે આવા મૂંઝાયેલા રોકાણકારો માટે ડીફ્લેશનરી (ફુગાવાથી વિપરીત સ્થિતિ) એસેટ્સ તરીકે પરાપૂર્વથી મુલ્ય ધરાવતી મિલકત તરીકે સોનાચાંદીએ મજબુત વિકલ્પ પૂરો પાડ્યો છે. હવે ગોલ્ડ ઈટીએફ સ્વરૂપે રોકાણકારોને નવો વિકલ્પ ઉપલબ્ધ થયો હોવાથી ફીઝીકલ સોનાના બાર કે લગડી તેમના ઘરોમાં નથી મોકલવામાં આવતી, પણ તેનો મોટો ફીઝીકલ જમાવડો એક જ સ્થળે થવા લાગ્યો છે. ભલે સોનાચાંદીના ભાવ છેલ્લા કેટલાંક સમયથી સુસુપ્ત પડ્યા હોય, પણ તે તમને ચોક્કસપણે ઇસારો જરૂર કરે છે કે તેજીની નવી સાયકલ માટેની આ તૈયારીઓ છે.