મગફળીકાંડના મુળિયા મુખ્‍યમંત્રી કચેરી સુધી, કોંગ્રેસ

મગફળીકાંડમાં ન્‍યાયિક તપાસની માંગ સાથે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ રાજકોટ જીલ્‍લાના જેતપુર તાલુકાના પેઢલા ખાતે, ત્‍યારબાદ ગોંડલ રામરાજય ગોડાઉન ખાતે અને આજરોજ શાપર- વેરાવળ ખાતે સતત ત્રીજા દિવસે મગફળીકાંડમાં સંડોવાયેલાને સજા થાય, 4000 કરોડના મગફળી કૌભાંડની ન્‍યાયિક તપાસ થાય તે માંગ સાથે પ્રતિક ધરણાં યોજયા હતા. જેમાં મોટી સંખ્‍યામાં ખેડૂતો, ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો જોડાયા હતા. પ્રતિક ધરણાંના કારણે ગભરાયેલી કૌભાંડી ભાજપ સરકાર દેખાવ પુરતી હરકતમાં આવવાની ફરજ પડીને કૌભાંડી ચહેરો બચાવવા માટે નાની માછલીઓને પકડીને ચહેરો છુપાવવાનો પ્રયત્‍ન કર્યો.

સરકારની નીતિ અને નિયત સાફ હોય તો નામદાર ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના દેખરેખ હેઠળ તપાસ કરતાં કેમ ડરી રહી છે ? હકીકતે મગફળીકાંડના મુળિયા મુખ્‍યમંત્રી કાર્યાલય સુધી પહોંચેલા છે.

શાપર-વેરાવળ મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં કરોડોની મગફળી બળીને સ્વાહા થઈ જવાની ઘટના અંગે વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની આગેવાનીમાં આજે ધરણાના કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવડીયા, ધારાસભ્‍યો હર્ષદભાઇ રિબડીયા, ચિરાગભાઈ કાલરીયા, ઋત્વિકભાઈ મકવાણા,, વલ્લભભાઈ ધારવીયા, વિરજીભાઈ ઠુમર, અર્જુનભાઇ ખાટરિયા તથા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા. વિરોધપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્‍યું હતું કે આગ ગોડાઉનમાં નહિં પણ ખેડૂતોના હૃદયમાં લાગી છે. ભાજપે ખેડૂતોનાં પરસેવાની કમાણી છીનવી છે. ખેડૂતોના પરસેવાની કમાણી મળતિયાઓને મળે છે. ટેકાના ભાવની ખરીદીમાં મોટે પાયે થયેલા ભ્રષ્ટાચારને છૂપાવવા આગનું કાવતરું ઘડવામાં આવ્યું છે. મગફળીમાં માટી અને ધૂળની ભેળસેળ કરવાનું કૌભાંડ ભાજપ દ્વારા આચરવામાં આવ્યું છે. સરકાર તપાસના નામે તરકટ ચલાવે છે.

ટેકાના ભાવે રૂ.4000 કરોડની મગફળી ખરીદાયા બાદ એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે અને ખાસ કરીને મુખ્‍યમંત્રીના જીલ્‍લામાં ત્‍યારે કેન્‍દ્રના રાજય કક્ષાના કૃષિમંત્રી રૂપાલાએ જણાવ્‍યું હતું કે મગફળીની ખરીદીને લઈને ઘટનાઓ સામે આવી છે તે વિશે જાણકારી માગતો રીપોર્ટ માંગવામાં આવશે ત્‍યારે કેન્‍દ્ર અને રાજયની ભાજપ સરકારને રીપોર્ટોના નામે સમય પસાર કરીને આરોપીઓને છાવરવાનો અને સત્‍યને છુપાવવાનો પ્રયાસ છે.

કેન્‍દ્ર કે રાજયની ભાજપ સરકારને ન્‍યાયિક તપાસ આપી ગુનેગારોને જાહેર કરી પકડવામાં રસ નથી.

રાજકોટની ભાગોળે આવેલા શાપર-વેરાવળમાં પાલ ઓટો નજીકના નેશનલ કોટન ખાનગી ગોડાઉન ગુજકોટ દ્વારા ભાડે રાખવામાં આવેલ તેમાં રૂ.4 કરોડથી વધુ રકમની 29,000 ગુણી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનું કૌભાંડ છતું ન થાય તે તેવી મેલી મુરાદ સાથે સમી સાંજે 6ઠી મેંના 6.45 કલાકે અગ્‍નિદાહ આપી દેવાયો હતો. અગાઉ ગોડાઉનમાં ભભૂકેલી આગનું રહસ્‍ય હજુ ઉકેલાયું ન હતું તેમ છતાં બાકીના ગોડાઉનમાં આગ ન લાગે કે આગ લાગે તો ફાયર સેફટી કે સીસીટીવી કેમેરાની કોઈ વ્‍યવસ્‍થા કરી નહીં. આગ લાગ્‍યા બાદ તંત્રએ આગથી 15,000 બોરી બચાવી લેવાનો દાવો કર્યો, આ બચી ગયેલા કોથળાઓ ઉંધા ઠાલવતાં મગફળી સાથે માટી, ધુળ-ઢેફાં નિકળ્યા હતા અને ભ્રષ્‍ટાચારની બદબુ સામે આવી હતી. મુખ્‍યમંત્રીના જીલ્‍લામાં થયેલા આ મગફળી કાંડમાં કેમ આજદિન સુધી તપાસ અહેવાલ આવેલ નથી ?

ગોંડલના રામરાજય ગોડાઉનમાં સંગ્રહિત રૂ.૩૬ કરોડની ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીના જથ્‍થામાં આગ લાગવાની ઘટના અંગે સીઆઈડી ક્રાઈમે તપાસ કરી ભીનું સંકેલેલ છે. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થયેલી ગેરરીતિ કરનાર અને ત્‍યારબાદ આગ લગાડી પુરાવાઓનો નાશ કરનાર કોઈ ઈસમો સામે પગલાં લેવામાં આવ્‍યા નથી. દેખાવ પુરતી ધરપકડો કરવામાં આવે છે અને મગફળીના ધુવાડાઓ હવામાં ઓગળી જાય ત્‍યાર પછી આરોપીઓને છોડી મુકવામાં આવે છે.

જામનગરમાં સેન્‍ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરેશનનાં ગોડાઉનમાં તારીખ ૧૯મી એપ્રિલના લાગેલી આગમાં રૂપિયા ૬૫ લાખની કિંમતનો 95 ટન ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીનો જથ્‍થો બળીને ખાક પામ્‍યો હતો. ગાંધીધામમાં 2 જાન્‍યુઆરીના રોજ ગોડાઉનમાં લાગેલી અચાનક આગનો રીપોર્ટ કેમ આજદિન સુધી નહીં ?

આસ સી ફળદુ, ક-ષિ પ્રધાન

સ્‍થળ   આગનીતારીખ  વિતિ ગયેલા દિવસો    મગફળીનો જથ્‍થો

ગાંધીધામ       2-1-2018      213    10 કરોડ

ગોંડલ  30-1-2018     185    36 કરોડ

જામનગર      19-4-2018     106.65 લાખ

શાપર-વેરાવળ 6-5-2018      90     4 કરોડ

કૃષિમંત્રીએ રાજકોટ ખાતે કહ્યું હતું કે, મોટું રસોડું હોય ત્‍યારે થોડું ઢોળાઈ જાય, થોડું દાઝી જાય, ભાજપનો કાર્યકર પણ મગફળી કાંડમાં સંડોવાયેલા છે.

હકીકતમાં ભાજપે ચુંટણી સમયે વારંવાર ખેડૂતોને ખાત્રી આપી હતી કે ઉત્‍પાદન ખર્ચ ઉપરાંત 50ટકા એટલે કે 1200થી 1500 રૂપિયા મગફળીના મળશે. આ અંગે સરકાર જવાબ આપે કે ચૂંટણી સમયના વચનનું પાલન કેમ નહીં ? ખેડૂતને મગફળીના 300થી 400 રૂપિયા ઓછા કેમ આપ્‍યા ?

વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી 6-8-2018ને સોમવારના રોજ જુના માકેર્ટીંગ યાર્ડ, રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો-આગેવાનો અને પ્રજાજનો સાથે મગફળી કાંડની ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા તપાસ કરવાની માંગણી સાથે ગાંધીચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ-ધરણાં કરશે.