મગફળીના દાણાની માંગ ઘટી, ખેડૂતોને સીધી અસર આવતાં વર્ષે થશે

મગફળીનું સારું ઉત્પાદન છતાં તેના ક્વોલીટી દાણાની માંગ વિદેશમાં નથી. તેથી ખેડૂતોને આવતા વર્ષે મગફળીમાં મોટો માર પડી શકે તેવું બજાર બની ગયું છે. 2 વર્ષથી મગફળીનું બમ્પર ઉત્પાદન અને પુરવઠો હોવા છતાં નિકાસને ગંભીર ફટકો પડવાથી સીંગદાણાના 80 ટકા યુનિટો બંધ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં સીંગદાણા બનાવવાનો ઉદ્યોગ પરંપરાગત અને લઘુ પ્રકારનો છે. અસંખ્ય યુનિટો બંધ થઇ જવાને લીધે રોજગારીના પણ પ્રશ્નો સર્જાયા છે. કારખાના બંધ થવાના કારણોમાં મગફળીમાંથી દાણા બનાવવામાં થતી ડિસ્પેરીટી અને નિકાસનો અભાવ ગણાવવામાં આવે છે.
ગુજરાતભરમાં આશરે 1800થી 2000 જેટલા સીંગદાણાના યુનિટો આવેલા છે. મોટાં યુનિટોની સંખ્યા બહુ ઓછી છે, મોટેભાગે નાના કદમાં ગૃહ ઉદ્યોગ તરીકે કારખાનાઓ વધારે ચાલે છે. મોટાંભાગના અર્થાત 80 ટકા કારખાના બંધ પડી ગયા છે. જે યુનિટો ચાલે છે તેમાં કટકે કટકે કામકાજ થઇ રહ્યું છે. આ સ્થિતિ છેલ્લાં દોઢેક માસથી ચાલી રહી છે.
ગુજરાત અૉઇલ સીડ્ઝ પ્રોસેસર્સ ઍસોસિયેશનના પ્રમુખ મુકુંદભાઇ શાહ કહે છે, મગફળી ખરીદીને સીંગદાણા બનાવવામાં પડતર લાગતી નથી એટલે ઉદ્યોગની મુશ્કેલી વધી છે. સીંગદાણાનો ભાવ સૌરાષ્ટ્રમાં ટન દીઠ રૂા. 60,000થી 67,000 સુધી ગુણવત્તા પ્રમાણે ચાલે છે. મગફળી રૂા.45000 કે તેનાથી ઊંચા ભાવમાં મળે છે. એ કારણે પોસાણ નથી.વળી, ખૂલ્લા બજારમાં મગફળીનો જથ્થો ઉપલબ્ધ નથી. નાફેડ પાસે આશરે 6 લાખ ટન મગફળી છે પણ વેચવાની શરતોને કારણે બજારમાં છૂટથી માલ આવી શકતો નથી. સીંગદાણાનું એ કારણે તેલ નીકળી ગયું છે.
સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવક 10-12 હજાર ગુણી કરતા વધારે થતી નથી. ગોંડલ જેવા મહત્ત્વના પીઠાંમાં’ ફક્ત પાંચ હજાર ગુણી આવક થાય છે. રાજકોટમાં ય માંડ ચારેક હજાર ગુણી આવે છે. એ સિવાયના સૌરાષ્ટ્રમાં ક્યાય નોંધપાત્ર આવક પણ નથી. આવકનો આ જથ્થો એકાદ મિલની રોજિંદી જરૂરિયાત જેટલો છે. નાફેડની મગફળી બજારમાં ખૂબ ધીમે આવે છે. આમ તેલ મિલોની સાથે દાણા ઉત્પાદકો ય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નાફેડની મગફળી સરળતાથી ઉપલબ્ધ બને તો ચાલનારા કારખાનાની સંખ્યા વધશે.
દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢિયા કહે છે, સીંગદાણાની નિકાસને આફ્રિકાને કારણે ગંભીર ફટકો પડયો છે એ કારણે પણ ઉદ્યોગની દશા બગડી છે. આફ્રિકામાંથી સુદાન અને નાઇઝિરિયા જેવા દેશો 825-830 ડૉલર પ્રતિ ટનના ભાવથી ઇન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઇન્સમાં નિકાસ કરી રહ્યા છે. ભારતની સીંગદાણાની અૉફર આ દેશોને 1000 ડૉલરથી નીચાં ભાવમાં થતી નથી. માગ આફ્રિકા તરફ ડાઇવર્ટ થઇ ગઇ છે. આફ્રિકામાં હવે સીંગદાણાના કારખાનાની સંખ્યા વધતી જાય છે અને માલની ગુણવત્તા પણ ભારતની તુલનાએ ઉત્તમ બને છે. ભારતના બોલ્ડ સીંગદાણામાં જ અત્યારે યુક્રેન, રશિયા અને તાઇવાનની માગ છે. ઝીણાં દાણામાં નિકાસ નહીંવત છે. હવે દક્ષિણ ભારતમાં સસ્તાં દાણા મળી રહ્યા છે એટલે ત્યાંથી માલની રવાનગી થાય છે.
સરકાર હવે સીંગદાણાની નિકાસને પ્રોત્સાહન આપે તો આ ઉદ્યોગ અને ભારતની નિકાસ જળવાઇ શકે તેમ હોવાનું ઉદ્યોગ વર્તુળોએ કહ્યું હતું. નિકાસ માટે રજૂઆતો પણ થઇ છે. જોકે, કોઇ હકારાત્મક નિર્ણય લેવાયો નથી.
સીંગદાણાની નિકાસને પ્રોત્સાહન કેમ નહીં ?
સૌરાષ્ટ્રમાં પીનટ પ્રમોશન કાઉન્સિલ શરૂ થાય એ માટે કેન્દ્ર સરકાર સૌરાષ્ટ્ર અૉઇલ મિલ્સ ઍસોસિયેશન સાથે બે વખત ઉચ્ચસ્તરની બેઠક કરી ચૂકી છે. બીજી તરફ સીંગદાણાની નિકાસને કોઇ જ પ્રોત્સાહન અપાતું નથી એ આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. સોમા કહે છે, તમામ કૃષિ ચીજોને 10 ટકા સુધીનું નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. સીંગદાણાને શા માટે એમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તે સમજાતું નથી. સીંગદાણાની નિકાસ વડે ભારતને મોટું વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે. સરકારમાં આ મુદ્દે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં સીંગદાણાને હજુ નિકાસ પ્રોત્સાહનનો લાભ મળી રહ્યો નથી.
સીંગદાણાની નિકાસને ગંભીર ફટકો
ભારતીય સીંગદાણાની નિકાસ પાછલા બે વર્ષથી ઉતરોતર ઘટી રહી છે. એપેડાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં નિકાસ 21.68 ટકા જેટલી ઘટી ગઇ છે.’ એપ્રિલથી જાન્યુઆરી માસના આંકડાઓમાં ચાલુ વર્ષે નિકાસ 3,94,054 ટનની થઇ છે. અગાઉના વર્ષમાં 5,03,155 ટનની નિકાસ કરવામાં આવી હતી.