મગફળીની ખરીદી માટે ઓનલાઇન છતાં લાઈનો

ટેકાના ભાવે મગફળી ખરીદવા સરકારનું રજિસ્ટ્રેશન ઓનલાઈન છે જ નહીં. ૭-૧૨નો ઉતારો, ૮-અનું પત્રક, પાક સંદર્ભે તલાટીનો દાખલો લઈ ખેડૂતોને સામેથી માર્કેટયાર્ડોમાં જવું પડે છે. તેમ છતાંય, સરકાર ઓનલાઈન રજિસ્ટ્રેશનનો ઢોલ પિટી વાહવાહી લૂંટી રહી છે.

કહેવાતા ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં મેન્યુઅલ ઈન્ટરવેન્શને અવકાશ હોઈ ભાજપના મળતિયા પોતાના રજિસ્ટ્રેશન કરાવવામાં સફળ રહ્યા છે. ૧૨૨ કેન્દ્રોમાં પ્રથમ રજિસ્ટ્રેશન થયેલા ૧૦૦ ખેડૂતોના નામ સરકાર જાહેર કરે તો આપોઆપ ભાંડો ફૂટે એમ છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન તો ઘરે બેઠા, હાથ વગી પ્રક્રિયા છે. ટેકાના ભાવે અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા શરૂ થનારા ૧૨૨ કેન્દ્રોમાં મગફળીની ખરીદી માટે અત્યાર સુધીમાં ૧.૬૯ લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. સરકાર આ નોંધણી ઓનલાઈન થયાનો દાવો કરે છે પરંતુ, હકીકતમાં તો ખેડૂતોને કલાકોના કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહી મગફળી વેચવા રજિસ્ટ્રેશન કરાવવું પડયું છે. જેને ઓનલાઈનના વાઘા પહેરાવીને ભાજપના મળતિયાઓ લાઈનમાં ઊભા રહેલા ખેડૂતો કરતા પહેલા રજિસ્ટ્રેશન કરાવી ગયા હોવાનું બહાર આવ્યુ છે.

એક જ દિવસમાં ખેડૂતોને રૂપિયા ૧.૪૦ કરોડની ખોટ થઈ

રાજકોટમાં એક જ દિવસમાં સેંકડો ખેડૂતો ૭૦ હજાર મણ મગફળી રૂ.૭૫૦થી ૮૫૦ના ભાવે વેચવા મજબૂર થયા હતા. સરકાર ખરેખર સરકાર ટેકાના ભાવે ખરીદી કરે અને તેનાથી ફાયદો થતો હોય તો ફાયદો થતો હોય તો સોમવારે સેંકડો ખેડૂતો રાજકોર્ટ યાર્ડમાં ટેકાના ભાવથી પણ રૂ.૧૫૦- ૨૫૦માં મગફળી વેચવા માટે કેમ તૈયાર થયા ? સરેરાશ રૂ.૨૦૦નું નુકસાન ગણતરીમાં લઈ તો એક જ દિવસમાં ૭૦ હજાર મણના વેચાણમાં ખેડૂતોએ રૂ.૧.૪૦ કરોડથી વધુની ખોટ થઈ હતી.

ડીસામાં ડખો, રજિસ્ટ્રેશનમાં ગેરરીતિ આચર્યાનો આક્ષેપ

મગફળી ખરીદી માટે ડીસા માર્કેટયાર્ડમાં મંગળવારે ચાલતી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ખેડૂતોએ ગેરરીતિ આચરવામાં આવ્યાનો આક્ષેપ કર્યો હતો. પહેલાંથી પૂરતો સ્ટાફ મુક્યા વગર જ આડેધટ થતા રજિસ્ટ્રેશનમાં ગેરરીતિ આચર્યાનું ખેડૂતોએ ખુલ્લુ પાડતા એપીએમસી અને સરકારી સ્ટાફ કેન્દ્ર છોડીને ભાગી ગયો હતો