મગફળીમાં ફરી અચાનક આગની ઘટના

મહેસાણાના ઊંઝાથી ગોંડલ લઇ જવામાં આવી રહેલ સરકારી મગફળીમાં અચાનક આગની ઘટના સામે આવી છે. ગતરોજ સોમવારે મોડી સાંજે સરકારી મગફળીનો જથ્થો ટ્રકમાં ભરીને ગોંડલ રવાના કરાયો હતો. પરંતુ, વેર હાઉસથી માંડ અડધો કિલોમીટર બહાર નીકળતા જ ટ્રકમાં ભરેલ બોરીઓમાં આગ લાગતા તંત્રની પોલ ખુલી થઇ ગઈ છે. ટ્રકમાં વધુ બોરીઓ ભરવા મુદ્દે અધિકારીઓ એક બીજાને ખો આપી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.

મહેસાણાના ઊંઝાથી ગોંડલ રવાના થયેલ સરકારી મગફળીના જથ્થામાં ઓચિંતી આગથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે, આ આગ વેર હાઉસના બહાર નીકળેલ ટ્રકના ઉપરના ભાગે વીજ વાયર અડી જતા લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું. ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન દ્વારા વર્ષ 2017-18 ના ક્રોપની મગફળી ઊંઝાના મકતુપુર નજીક આવેલ એમ.આર. પટવા વેર હાઉસ ભાડે રાખીને સ્ટોરેજ કરવામાં આવી હતી.

જ્યાંથી ગત મોડી સાંજે 6૦૦ જેટલી બોરી ભરી સહારા ટ્રાન્સપોર્ટ, જામનગરની ટ્રક મારફતે ગોંડલની અક્ષર મિલમાં જવા રવાના થઇ હતી. પરંતુ, એમ.આર. પટવા વેર હાઉસમાંથી બહાર નીકળતા જ ટ્રકમાં ભરેલ મગફળીની બોરીને વીજ વાયર અડી ગયો હતો. જેના સ્પાર્કથી મગફળી ભરેલી બોરીમાં આગ લાગી હતી. જે ટ્રક ચાલકને થોડે દુર જતા જ જાણ થતા પાણીનો છંટકાવ કરીને આગ કાબુમાં લેવાઈ હતી. અને 6૦૦ પૈકી 6૦થી 7૦ બોરીને નુકશાન થયું હતું. જો કે, આ સમગ્ર ઘટના મુદ્દે અધિકારીઓએ પોતાની જવાબદારીમાંથી છટકીને એક બીજાને ખો આપતા જોવા મળ્યા હતા.

ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના મહેસાણા વિભાગના ડીવીઝન ઇન્સ્પેકટર જી.એ. ગોસ્વામીને પૂછતાં તેઓએ વેર હાઉસ મેનેજરને ખો આપી હતી. તો વેર હાઉસ મેનેજર બાબુભાઈ કડિયાને પૂછતાં પોતાની જવાબદારીમાંથી છટકી તેમના આસીસ્ટન્ટ ગોડાઉન મેનેજર બાબુભાઈ પટેલને ખો આપી હતી. તો વળી આ ત્રણેય કર્મચારીઓએ પોતાની જવાબદારીમાંથી છટકીને છેલ્લે આસીસ્ટન્ટ ગોડાઉન મેનેજર બાબુભાઈ પટેલએ ટ્રકના ડ્રાઈવર અને મગફળી ખરીદનાર પાર્ટી પર ખો નાખી હતી. અને તેમના કહેવાથી ટ્રકમાં ઓવર લોડ ભર્યો હોવાનું જણાવ્યું હતું.

આમ, વેર હાઉસના આ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી એક બીજાને ખો આપી રહ્યા છે. ત્યારે ઊંઝા પોલીસે પણ હકીકતમાં કોના કહેવાથી ટ્રકમાં વધુ બોરીઓ ભરવામાં આવી હતી. તે અંગેની તપાસ શરુ કરી છે. અને પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, આખરે આ રીતે ઓવર લોડ બોરીઓ શા માટે ભરવામાં આવતી હતી ? અને વધુ બોરીઓ ભરવામાં આવતી હતી તો શા માટે ? જે એક તપાસનો વિષય છે.