મગફળીમાં ફરી એક વખત ભાજપે ભ્રષ્ટાચારનું તેલ કાઢ્યું

રાજ્યમાં અછતની સ્થિતિ હોવાથી  મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે. અપુરતા વરસાદ અને અછતની સ્થિતિને લીધે આ વર્ષે મગફળીના ઉત્પાદનનો અંદાજ 23થી 25 લાખ ટનનો દર્શાવવામાં આવ્યો હતો. તેની સામે 35 લાખ ટન મગફળીની ખરીદી થઈ જતાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીમાં જૂની મગફળી પણ પધરાવી દેવામાં આવી હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું હતું કે મગફળીના ગોડાઉનો ભાડે રાખવાથી માંડીને ખેડૂતોના નામે રાજકીય કાર્યકરોએ લાખો રૂ.ની નબળી મગફળી સરકારને ધાબડી દીધી છે.

મગફળીની ક્વોલીટીના મુદ્દે સર્વેયરોની નિમણુંક થઈ છે. પરંતુ કોઈ ચેકીંગ કરતુ નથી જેના કારણે આ વખતે મગફળીના નામે ખેડૂતોને બદલે રાજકીય કાર્યકરોના ગજવા ભરાઈ જશે. મગફળીની ખરીદીમાં ચાલતી પોલંપોલ બાબતે તમામ જિલ્લાના સ્થાનિક આગેવાનોથી માંડીને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ બધુ જાણતા હોવા છતાં કોઈ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી.

તા. 31 જાન્યુ.ના મગફળીની ખરીદીની કામગીરીનો સંકેલો કરવામાં આવનાર હોવાથી હવે છેલ્લા દિવસોમાં લાગતા-વળગતા લોકોની ભેળસેળવાળી નબળી મગફળી પણ સરકારનાં ગોડાઉનમાં વેંચી દેવામાં આવશે.