મગફળી, કપાસ, સોયાબીનની આવક નોંધાઈ

દિવાળીના મીની વેકેશન બાદ  ગીર સોમનાથ જિલ્લાના માકેઁટિંગ યાર્ડનો પ્રારંભ થયો છે. માર્કેટ યાર્ડની શરૂઆત થતાં જ મગફળીની આવકમાં ધૂમ વધારો જોવા મળ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો વસવાટ કરી રહ્યા છે અને સૌથી મોટા ભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. ત્યારે આજે વેરાવળ તાલુકાના કાજલી માકેઁટિંગ યાર્ડમાં વહેલી સવારથી જ ખેડૂતોના વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેમાં મગફળીની આવક વિપુલ પ્રમાણમાં નોંધાઈ છે તો મગફળીના સારા એવા ભાવો મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને સાથે કાજલી માર્કેટિંગ યાર્ડના ચેરમેન, સેક્રેટરીની કામગીરીથી પણ ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.
દિવાળીના મીની વેકેશન બાદ લાભપાંચમનું શુભ મૂહુર્ત કરી આ વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ કાજલી માર્કેટિંગ યાર્ડનો આજથી દબદબાભેર પ્રારંભ થઈ ચૂકયો છે અને મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી યાર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે અને ખેડૂતોને પણ સારા ભાવ આપવામા આવ્યાં છે.
કાજલી માર્કેટિંગ યાર્ડમાં આજદિન સુધી ક્યારેય પણ ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું નથી. સારી સુવિધા, ઝડપી સુવિધા અને સારા ભાવો મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
કાજલી માર્કેટિંગ યાર્ડમાં આસપાસના ગામના ખેડૂતો તેમના પાકના ઉત્પાદન આપવા આવે છે. પરંતુ અન્ય તાલુકાના ખેડૂતો પણ આ યાર્ડની સંતોષકારક કામગીરીથી અહીં આવવાનું પસંદ કરે છે અને આજે હજ્જારોની સંખ્યામાં ખેડૂતોની ભીડ જોવા મળી હતી.