મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી હતી કે મગફળીની ખરીદીની સમગ્ર ઘટનામાં કોઇપણ પાર્ટીના કે કોઇ પણ ચમરબંધી હશે તો પણ તેને છોડવામાં નહી આવે. કૃષિમંત્રી ફળદુએ પણ તંત્રને કડકમાં કડક પગલા લેવા સૂચના આપી છે. જે લોકોએ ગેરરીતી કરી છે તે જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે તેની સામે કડક એકશન લઇ રહી છે. પોલીસ તંત્ર દ્વારા ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ આગળ કાર્યવાહી ચાલી રહી છે. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ૧૦ લાખ ટન મગફળી ૯૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી છે. ત્યારે બીજે ધ્યાન દોરવા સરકારની નિષ્પક્ષ અને કડક કાર્યવાહી સામે આક્ષેપો કરી ખોટો ભ્રમ ઉભો કરવાનો નિરર્થક પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મગફળી કૌભાંડમાં કરેલા આક્ષેપોનો જવાબ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આપતાં જણાવ્યુ હતુ કે, મગફળી બાબતનું જે ઓડિયો ક્લીપ ફરી રહી છે તે બાબતે મુખ્યમંત્રી, કૃષિ મંત્રી તથા ભાજપા સરકાર સંપૂર્ણ ગંભીર અને કડક છે. આ ઓડિયો ક્લીપમાં કોઇપણના ભ્રષ્ટાચારને ચલાવી નહી લેવાય તે પ્રકારની તથા બચવા માટે સરકારને ભલામણ કરવાની થઇ રહેલી વાતથી જ પ્રતિત થાય છે કે આરોપીઓને સરકારના કડક પગલાની બીક લાગી છે. કોંગ્રેસ માત્ર જુઠ્ઠા આક્ષેપો અને નકારાત્મક ભાવનાઓથી દૂર રહી પ્રજાકાર્યમાં જોડાય તેવી અપીલ પંડ્યાએ અંતમાં કરી હતી.
કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા મગફળી ખરીદી કૌભાંડમાં અનેક મુદ્દાઓનો જવાબ પંડયા આપી શક્યા નથી. 400 સહકારી મંડળીઓમાં મોટાભાગે ભાજપના કબજામાં છે. કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ જવાબ આપવાના બદલે પક્ષ તરફથી જવાબ આપવામાં આવી રહ્યો છે. ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરિયા મગફળી ખરીદીમાં સંડોવાયેલા છે. તે અંગે પંડયા અને ભાજપ મૌન છે.
પરેશ ધાનાણીએ સરકારને 20 પ્રશ્નો જાહેરમાં પુછેલાં છે તેમાંથી એક પણનો જવાબ આપવામાં આવ્યો નથી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આ કૌભાંડમાં સીધા સંડોવાયેલા છે અને તેમણે 6 મહિનામાં કોઈ તપાસ જ ન કરી હોવાના વિરોધ પક્ષ દ્વારા આરોપો મૂક્યા છે તેનો કોઈ જવાબ ભાજપના પ્રવક્તા ભરત પંડયા આપી શક્યા નથી.