ચાર હજાર કરોડના મગફળી કૌભાંડ ઉપર પડદો પાડવાના પ્રયાસ સામે કોંગ્રેસ સત્ય બહાર લાવવા વાઈરલ ઓડીયોમાં જે અધિકારી, સંસદસભ્ય, મંત્રી, ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરાયો છે તેમનો પણ ન્યાયિક તપાસમાં સમાવેશ કરવા માંગણીી કરવામાં આવી છે. વિરોધપક્ષના નેતાએ પાંચમા દિવસનો ઉપવાસ પોતાના કાર્યાલયમાં કર્યો – કાલે દિલ્હીમાં પણ ઉપવાસ ચાલુ રાખશે.
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોના મોઢામાંથી ટેકાના ભાવનો કોળીયો છીનવનાર કોઈપણ ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.
ગુનેગારને જ્ઞાતિ-જાતિ, ધર્મ કે રાજકીય વિચારધારા સાથે કોઈ લેવા-દેવા હોતી નથી – ગુનેગાર ગુનેગાર જ ગણાય.
સરકાર ન્યાયિક તપાસ ન કરાવે તો સરકારના જ મગરમચ્છોએ મલાઈ તારવી છે તેવું પૂરવાર થશે.
ખેડૂતોના હૃદયમાં ભભૂકતી આગ ભાજપ સરકારને ભસ્મીભૂત કરશે.
મગફળી કાંડમાં ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ મારફત વિપક્ષ, સત્તા પક્ષ, ખેડૂત આગેવાનો અને મીડીયાને સાથે રાખીને મગફળી કાંડમાં મલાઈ કોણ તારવી ગયું ? તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગણી સાથે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ ગુજરાત વિધાનસભા ખાતે આવેલ તેમના કાર્યાલયમાં પ્રતીક ઉપવાસ ચાલુ રાખ્યા હતા.
મગફળી વેચવા માટે મગફળી કાંડ-૨ની શરૂઆત થઈ. ચૂંટણી પહેલાં અમે ખરીઘું, અમે ખરીઘું કરીને હવે મગફળીમાંથી મોટા પ્રમાણમાં માટી-કાંકરા-પથરા નીકળ્યા તો એ કોઈકે ભર્યા હતા તેમ કહી જવાબદારીમાંથી છટકી જવું યોગ્ય નથી. સરકારની જવાબદારી છે. મગફળી ખરીદનારા લોકોએ જવાબદારી સ્વીકારવી જોઈએ. ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાતમાં જાહેર સભામાં ભાષણ કરીને ટેકાના ભાવે મગફળી ખરીદીના દાવા કરનાર જ સાચા ગુનેગાર છે. મગફળી કાંડમાં થયેલ ભ્રષ્ટાચારના પુરાવાઓના નાશ કરવા માટે પહેલાં ગોડાઉન સળગાવ્યા.
કોંગ્રેસ પક્ષે છ મહિનાથી લેખિત, મૌખિક અને વિધાનસભામાં વારંવાર ન્યાયિક તપાસ કરાવવા સવાલો પૂછ્યા, માંગણી કરી હતી, તેમ છતાં છ મહિના થયા બાદ પણ એફ.એસ.એલ.નો રિપોર્ટ ન આવ્યો, કૃષિ વિભાગની તપાસણીનો અહેવાલ ન આવ્યો, પોલીસને પપેટ બનાવીને તપાસને આડે પાટે દોરવા માટે થઈને સીઆઈડી ક્રાઈમને જવાબદારી સોંપી પરંતુ આજ દિવસ સુધી ન્યાયના કઠેડામાં એક પણ આરોપી કેમ ઉભો કરવામાં ન આવ્યો ? એકપણ આરોપીને જેલના સળિયા પાછળ કેમ ધકેલવામાં ન આવ્યો? ગોડાઉનમાં સંગ્રહાયેલ મગફળીના કોથળાઓમાં માટી-પત્થર-કાંકરા હતા, તેને મગફળી વેચાણના નામે વેચાણ કરીને નિકાલ કરવા માટે આખા સૌરાષ્ટ્રના વેપારીઓને ડરાવી-ધમકાવીને મગફળી પાણીના ભાવે ખરીદવા મજબુર કર્યા. રૂ. ૧૩૫૦ની મગફળી રૂ. ૬૮૦થી ૭૪૦ વચ્ચે વેચાય છે, એમાં ટેન્ડર બહાર પાડયા કે બારોબાર વેચી તેની કોઈ સ્પષ્ટતા સરકારે કરી નથી. આમાં રૂ. ૬૦૦ તો ધાલખાધ આવે છે, એટલે રૂ. ૪૦૦૦ કરોડનું કૌભાંડ અને ૪૫% ભાવફેર એટલે રૂ. ૧,૮૦૦ કરોડ તો સરકારની તિજોરના ભાવફેરની અંદર જ ધોવાઈ ગયા. હવે રૂ. ૨,૨૦૦ કરોડની મગફળી ૨૮૯ ગોડાઉનમાં સરકારી ચોપડે ભરેલી છે તે ગોડાઉનમાં મગફળી છે કે પથ્થર તેનું સત્ય તો વેપારીઓ માલ ભરવા ગયા ત્યારે મીડીયાના મિત્રોની મદદથી બહાર આવ્યું. વેપારીઓને ગોડાઉન બતાવ્યું બીજે અને બીજા ગોડાઉનથી માલ લેવાનું કહ્યું. વેપારીઓ માલ લેવા ગયા અને માલનું ચેકીંગ કર્યું ત્યારે મગફળીના ૩૫ કિલોનાં કોથળામાંથી ૨૦ કિલો પથ્થર-તોડા-માટી નીકળ્યા અને ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટયો.
ખેડૂતોના મોઢા પાસે આવેલ ટેકાના ભાવનો કોળિયો ભાજપ સરકારના કયા મળતિયાઓ જમી ગયા ? એક મહિના પહેલાં ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના ખેડૂત સેલના અધ્યક્ષ હર્ષદભાઈ રીબડીયાએ રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે ધરણા કર્યા હતા ત્યારે જાહેર મંચ પરથી માન. મુખ્યમંત્રીને કોંગ્રેસ પક્ષે કહ્યું હતું કે, રૂ. ૪,૦૦૦ કરોડના મગફળી કાંડમાં જો તમે દૂધે ધોયેલા હોવ, ભાજપ સરકાર ગુનેગાર ન હોય તો સીટીંગ જજના નેતૃત્વમાં નિષ્પક્ષ તપાસ સોંપવી જોઈએ, તેનો આજ સુધી સરકારે કેમ પ્રત્યુત્તર ન આપ્યો ?
પેઢલા ખાતેના ઉપવાસ આંદોલન બાદ રાતોરાત ૨૨ લોકોની સરકારે ધરપકડ કરી. મગફળી ખરીદી માટે કુલ ૮ જેટલી સંસ્થાઓને ખરીદી સોંપી હતી, જેમણે અંદાજીત ૭.૬૪ લાખ ટન મગફળીની ખરીદી કરી અને રૂ. ૪,૦૦૦ કરોડનો ખર્ચો સરકારી તિજોરીમાંથી કર્યો. રૂ. ૯૦૦ રૂપિયા પ્રતિ મણના ભાવે ખેડૂત પાસેથી મગફળી ખરીદવા ભાજપ સરકારે ૮ જેટલી રાજ્યસ્તરીય સંસ્થાઓ અને એને સંલગ્ન ૪૦૦ જેટલી સહકારી મંડળીઓ મારફત મગફળી ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. આ ૮ જેટલી સંસ્થાઓના વહીવટદારો, પ્રતિનિધિઓ કઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે તે જાણવાનો ગુજરાતની જનતાને અધિકાર છે. કુલ મગફળીની ખરીદીમાંથી ગુજકોમાસોલ પાસે બહોળો અને અનુભવી સ્ટાફ, રાજ્યવ્યાપી નેટવર્ક હોવા છતાં તેને ફક્ત ૧.૧૭ લાખ ટન મગફળીની ખરીદી સોંપી. ગુજરાત સરકારની સીસ્ટર કન્સર્ન એવી ગુજકોટ કંપની કે જેનું રાજ્યવ્યાપી મહેકમ અધિકારીથી લઈ પટાવાળા સુધી અંદાજીત ૬ જણના સ્ટાફનું છે, તેની પાસે ૫.૫ લાખ ટન મગફળી ખરીદાવાનું કોના ઈશારાથી થયું ? કોની સૂચનાથી આ સંસ્થાને ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી ? કોના ઈશારે રાજ્યમાં ફડચામાં ગયેલ મંડળીઓ, સૂચિત મંડળીઓ, આર્થિક રીતે વહીવટી ધારાધોરણ ફુલફીલ ન કરતી હોય તેવી મંડળીઓને માત્ર ભાજપના કાર્યકર્તા હોવાનું કમલમ્ કાર્યાલયેથી સર્ટીફીકેટ લાવ્યા તેમને મગફળી ખરીદી કેન્દ્રના નામે સરકારની તિજોરીમાંથી રૂ. ૪,૦૦૦ કરોડ લૂંટવાનો પરવાનો આપવામાં આવ્યો. રાજ્યમાં જે પાંચ ગોડાઉનોમાં આગ લાગી છે તે પાંચેય ગોડાઉન ગુજકોટ દ્વારા સંગ્રહીત મગફળીના જ હતા તેવું જાણવામાં આવ્યું છે ત્યારે માત્ર ગુજકોટ દ્વારા ખરીદાયેલ મગફળીના ગોડાઉન સરકારની મીઠી નજર હેઠળ એક સરખી પદ્ધતિથી સળગ્યા છે કે કેમ ? એ જાણવાનો અધિકાર ગુજરાતની જનતાને છે.
અમે પેઢલાથી પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું, તેની એક રાતમાં ૨૨ આરોપીઓને જેલમાં પૂર્યા, આજે બીજા પાંચ આરોપીઓ તેમાં ઉમેરાયા છે. સહકારી સંસ્થાઓ મારફત ચાલતા મગફળી કેન્દ્રો ૪૦૦ જેટલા છે અને એક સંસ્થામાં ૨૨ ગુનેગારો છે. ૪૦૦ જેટલી ભાજપ સમર્થિત મંડળીઓ દ્વારા નબળી ગુણવત્તાની મગફળી ખરીદીને મળતિયાઓની મિલમાં ધકેલી અને કોથળામાં મગફળીના ફોતરા, માટી, પથ્થર અને કાંકરા ભરી, કોથળા સીવી, ભાજપના મળતિયાઓએ ઊંચા ભાવે ભાડે આપવામાં આવેલ ગોડાઉનોમાં ખડકવામાં આવ્યા. આ જ ગોડાઉનો સરકારની મીઠી નજર હેઠળ સળગાવવામાં આવ્યા અને તેના સત્ય સુધી હજુ સરકાર પહોંચી શકી નથી. મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ હતી તે દરમ્યાન નાફેડના અધિકારીઓએ ભારત સરકારને આ ખરીદીમાં થતી અનિયમિતતાનો રિપોર્ટ કર્યો હતો, અને તે રિપોર્ટના આધારે મગફળી ખરીદીને બ્રેક મારવામાં આવી હતી. ભાજપના આગેવાનોએ મગફળી કાંડમાં અધૂરી રહેલ મલાઈ તારવવા પુનઃ ખરીદ કેન્દ્રો શરૂ કર્યા ત્યારે નાફેડે મગફળી ખરીદીમાં થયેલ અનિયમિતતા અંગે રજૂ કરેલ અહેવાલ દેશની જનતા સમક્ષ રજૂ કરતા ભાજપ સરકાર શું કામ ડરે છે ? તે ગુજરાતની જનતાનો સવાલ છે.
રાજ્યની તિજોરીને લૂંટનારો કોઈપણ વ્યક્તિ ગુનેગાર હોય છે અને ગુનેગાર જ્ઞાતિ, ધર્મ ભાષા કે રાજકીય વિચારધારાના સીમિત દાયરાનો હોઈ શકે નહીં. પહેલા દિવસથી અમે કહેતા આવ્યા છીએ કે, ખેડૂતોના મોઢે આવેલ ટેકાના ભાવનો કોળીયો જે કોઈ ઝૂંટવી ગયા હતા તેને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. ચૂંટણી પહેલાં રાજકીય રોટલા શેકવા ભાજપના સમર્થકોને ૧૦૦% મગફળી ખરીદ કેન્દ્રો આપવામાં આવ્યા હતા, એ ગુજરાતનો જનજન જાણે છે. ચૂંટણી પહેલાં ખેડૂતોના ૭/૧૨ લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશનના નામે તેમને લાઈનોમાં ઉભા રાખવામાં આવ્યા. ખેડૂતોની વચ્ચે ભાજપ-કોંગ્રેસનું વિભાજન કરવામાં આવ્યું અને મળતિયાઓની પાસે પણ મણદીઠ ૫૦-૧૦૦નું કમિશન ખાઈ હલકી ગુણવત્તાની મગફળી ખરીદીને તે ભાજપના મળતિયાઓની મિલમાં પીલવામાં આવી. તેલના ડબ્બેથી ભજીયા-ગાંઠિયા તળી ચૂંટણી લડાઈ ગઈ અને નર્વસ નાઈન્ટીએ અટકેલ ભાજપ સરકાર બનાવવામાં સફળ થઈ. ત્યારપછી વારંવાર ખેડૂત પ્રતિનિધિઓ, સહકારી આગેવાન અને વિપક્ષે કૃષિ મંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યા છતાં આંધળી, બહેરી અને મૂંગી સરકારે વિરોધપક્ષે ઉઠાવેલ સવાલોના જવાબ આપવાની આજદિન સુધી તસ્દી લીધી નથી જેના કારણે પેઢલા મુકામે અમારે પાંચ દિવસ પહેલાં નાછૂટકે મજબુરીવશ આંદોલન કરવું પડયું, કારણ કે મગફળી કાંડના તાર ક્યાંકને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલા હોય તેમ જણાય છે. સરકારે વીતેલા છ-આઠ મહિનામાં ભ્રષ્ટાચારના ષડયંત્ર પર પડદો પાડવા સરકારી મશીનરીનો ભરપુર દુરુપયોગ કર્યો છે. પરંતુ આ ચાર હજાર કરોડના મગફળી કૌભાંડ ઉપર પડદો પાડવાના પ્રયાસ સામે કોંગ્રેસ સત્ય ઉજાગર કરીને જ જંપશે.
મુખ્યમંત્રીના ગૃહનગર રાજકોટમાં ૨૫ લાખ કોથળાઓની ઊંચા ભાવે ખરીદી કરી. આ હલકી ગુણવત્તાના કોથળાઓ કોણે ખરીઘા, કોના મારફત ખરીઘા, કયા ભાવે ખરીઘા, ક્યારે ડીલીવરી કરી, એ ગુણવત્તાસભર હતા કે કેમ, ડીલીવરી થયેલ કોથળા ક્યાં ધર કરી ગયા અને રદ્દી કોથળાઓનો ઢગલો કરી કોના ઈશારે કોણે સીસીટીવી સર્વેલન્સવાળા માર્કેટ યાર્ડમાં આગ લગાડી તેનો જવાબ આજદિન સુધી ગુજરાતની જનતાને મળ્યો નથી. એક મહિના પહેલાં મુખ્યમંત્રીના ગૃહનગર રાજકોટ ખાતે ત્રિકોણ બાગમાં જાહેર ધરણામાં અમે વિનંતી કરી હતી કે, કોંગ્રેસ આરોપ-પ્રત્યારોપની રાજનીતિ નહીં પરંતુ ખેડૂતોના મોઢે આવેલ ટેકાના ભાવનો કોળીયા ઝૂંટવી જનાર લોકો પર કડક કાર્યવાહી થાય, જેલમાં ધકેલાય તે માટે આ ભ્રષ્ટાચારની ન્યાયિક જાંચ થવી જોઈએ.
પેઢલા મુકામે પહેલા દિવસના ઉપવાસ દરમ્યાન અમને સ્થાનિક લોકો પાસેથી જાળવા મળ્યું કે, ત્રણ પૈકી બે ગોડાઉનમાં મગફળી હતી. તેમાંથી પહેલાં ગોડાઉનમાંથી મગફળી ભરવાનો વેપારીઓને આગ્રહ કરાયો ત્યારે તેમાં સંગ્રહાયેલ મગફળીના ૩૫ કિલોના કોથળામાંથી ૨૦ કિલો માટી-પથ્થર-ઢેફાં મળ્યા હતા. હવે ૨૮૯ ગોડાઉનોમાં માટીમાં મગફળી છે કે મગફળીમાં માટી છે ? તેનું સત્ય જાણવાનો સહુને અધિકાર છે અને તે જ માંગણીને લઈને અમે આંદોલનની શરૂઆત કરી. પેઢલા ખાતે ત્રીજું ગોડાઉન તુવેરનું ભર્યું હતું તેવું મને જાણવા મળેલ છે. મોંધા ભાવની તુવેરમાં સસ્તા ભાવનું સોયાબીન ભેળવીને પણ ષડયંત્ર થયું હોવાનો મને સંદેહ છે. બીજા દિવસના ઉપવાસ ગોંડલના રામરાજ્ય ગોડાઉનના દરવાજે કર્યા. સ્થાનિક મિત્રો અને તાજના સાક્ષીએ નજરે જોયેલ અહેવાલ કીધો. તે મુજબ રામરાજ્યનું ગોડાઉન સળગ્યું તેના ૮-૧૦ દિવસ પહેલાંથી દરરોજ રાત્રે મગફળીના ફોતરા ભરેલા કોથળાઓ ટ્રકમાં ભરાઈને ગોડાઉનમાં ઠલવાતા હતા અને ગોડાઉનમાંથી મગફળી ભરેલ કોથળાઓ બહાર ધર કરી જતા હતા. ત્યારે આમાં પણ ફોતરા ઠાલવીને મગફળી કઈ મિલોમાં પીલાઈ તેનો પણ તપાસના દાયરામાં સમાવેશ કરવો જોઈએ.
મગફળી કાંડમાં મલાઈ કોણ તારવી ગયું ? મગફળી કૌભાંડના તાર મોટા મગરમચ્છો સુધી દોરી જઈ રહ્યા છે. મગફળીકાંડની તટસ્થ તપાસની વિરોધપક્ષે માંગણી ઉઠાવી ત્યારે સરકારે મોટા મગરમચ્છોને બદલે નાની માછલીઓને નિશાન બનાવી. ગોંડલનું ગોડાઉન સળગ્યું તો ગોડાઉનના મૂળ માલિકને જેલમાં પૂરી દીધા. જેણે જીવનમાં વેલ્ડીંગ મશીન નથી જોયું તેવા વ્યક્તિઓને જેલમાં પૂરી દીધા. સરકાર ચાર હજાર કરોડના મગફળી કાંડની એક કેન્દ્ર પર તપાસ કરી ભ્રષ્ટાચારના આખા અધ્યાય પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહી છે. આના તાર ક્યાંકને ક્યાંક મુખ્યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલા હોય તેમ જણાય છે.
મગફળીકાંડમાં જે ફરિયાદી બન્યા હતા તેને મુખ્ય આરોપી તરીકે પ્રસ્તુત કરી રહી છે. ગઈકાલે પ્રસિદ્ધ થયેલ ઓડીયો ટેપમાં જો મગન ઝાલાવાડિયાનો જ અવાજ હોય તો વાઈરલ થયેલ ઓડીયોમાં જે અધિકારી, સંસદસભ્ય, મંત્રી, ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરાયો છે તેમનો પણ ન્યાયિક તપાસમાં સમાવેશ થવો જોઈએ. સરકારે કૌભાંડનો સ્વીકાર કરીને અમુક આરોપીઓને જેલમાં પૂર્યા છે. માછલીઓને મારીને જેલમાં પૂરવાથી કૌભાંડ પર પડદો પાડવાનો સરકારનો પ્રયાસ હોય તેમ જણાય છે. મોટા મગરમચ્છ રાજ્યની કેબિનેટમાં તો નથી ને ? તેવો સવાલ જનતાને થઈ રહ્યો છે ત્યારે ઓડીયો ટેપમાં જાહેર થયેલ નામોનો પણ તપાસના દાયરામાં સમાવેશ કરવો જોઇએ.
સરકાર જો દૂધે ધોયેલી હોય તો સત્તા પક્ષ, વિપક્ષ સાથે મળીને ઉપસ્થિત કરેલ ૨૪ પ્રશ્નોના જવાબ સહિત ન્યાયયિક તપાસની માંગણી સ્વીકારવી જોઈએ. આજે શંકાના દાયરામાં રહેલ સરકાર વિરુદ્ધ ખેડૂતોના હૃદયમાં આગ ભભૂકી રહી છે, જે આગામી સમયમાં ભાજપ સરકારને ભસ્મીભૂત કરશે.
વિરોધપક્ષના નેતાએ પાંચમા દિવસનો ઉપવાસ પોતાના કાર્યાલયમાં કર્યો હતો અને કાલે દિલ્હીમાં પણ ઉપવાસ ચાલુ રાખશે.