વેદના – ખાસ અહેવાલ
રાજ્ય સરકારે વર્ષ 2018માં ટેકાના ભાવે મગફળીની ખરીદીની યોજના જાહેર કરી દીધી છે અત્યારે આ યોજનાનો લાભ લઇ મગફળી વેચવા માંગતા ખેડુતોની લાંબી લાંબી કતારો નોંધણી કેન્દ્રો ઉપર જોવા મળે છે. 1 નવેમ્બરથી રજિસ્ટ્રેશન ચાલુ થયું છે ને 15 નવેમ્બરથી મગફળીની ખરીદી ચાલુ થશે. ત્યાં સુધીમાં તો આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ ખેડુતોને તો મજબૂરીમાં પોતાની મગફળી સસ્તા ભાવે વેચી રહ્યા છે. તેનો ફાયદો ઉઠાવી વેપરીઓ, દલાલો એજન્ટો સંઘરાખોરો જરૂરિયાતમંદ ખેડૂતો પાસેથી ખરીદી એજ મગફળી સરકારને ટેકાના ભાવે પધારાવશે. 15 નવેમ્બર આવતા જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા ખેડુતોની લગભગ 70% મગફળી વેચાઈ ગઈ હશે.
ઉત્પાદન સામે ખરીદી કેટલી.?
ગુજરાતમાં વર્ષ 2018 ખરીફની ચાલુ મોસમમાં કુલ વાવેતર વિસ્તાર 14.68 લાખ હેકટર છે અને સરકારના ચોપડે હેકટર દીઠ ઉત્પાદન 1.836 મેટ્રિક ટન થવાનો અંદાજ છે. એટલે કે ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું કુલ ઉત્પાદન 26.95 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
25% મગફળી ખરીદાશે
કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે થયેલા કરાર મુજબ અંદાજીત કુલ ઉત્પાદનના 25% મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરી શકશે. આમ કુલ ઉત્પાદન 26.95 લાખ મેટ્રિક ટનના 25% એટલે કે 6.5 લાખ મેટ્રિક ટન મગફળીની ચાલુ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાની છે.
ટેકાના ભાવમાં ખરેખર ટેકો કેટલો
ખેડૂતોને પ્રતિ મણ 200 રૂપિયા સબસીડી લેખે ચૂકવશે. પ્રતિ ટન( 200 રૂપિયા × 50 મણ) = 10,000 રૂપિયા એક ટને આપશે તો આખી યોજનામાં ખેડૂતો માટે કેટલી સબસિડીની જોગવાઈ છે. (ટને 10,000 × 6.5 લાખ મેટ્રિક ટન) = 650 કરોડ રૂપિયા થવા જાય છે.
જો બધી મગફળી ખરીદે તો કુલ રૂ.2695 કરોડ સરકારે આપવા પડે.
સરકારનું બીજું ખર્ચ 800 કરોડ
ખરીદીમાં બરદાન, તોલાઇ, ચડાઇ, ઉતરાઈ, પરિવહન, ગોદમ ભાડું, જાળવણી, પગાર, માલમાં વજન ઘટ, 6.5 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવા જરૂરી મૂડી રોકાણ એવા 4060 કરોડનું વ્યાજ વગેરે ગણતા સરકાર આ ખરીદીમાં એક મણે 250 રૂપિયા ખરીદીખર્ચ અને જાળવણીખર્ચ કરશે. ટેકાના ભાવે ખરીદીમાં એક મણે 250 રૂપિયા ખર્ચ થાય છે તો કુલ ખર્ચની ગણતરી કરીયએ તો 1 મણે 250 રૂપિયા એટલે કે એક ટને (250 × 50 મણ) = 12,500 રૂપિયા ખર્ચ એક ટન મગફળીની ખરીદી પાછળ સરકાર કરે છે તો 6.5 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવા કુલ ખર્ચ (12,500× 6.5 લાખ મેટ્રિક ટન) રૂપિયા 800 કરોડનો થશે.
ટેકા કરતાં ખર્ચ વધું
ખેડુતોને મણે 200 રૂપિયાની સહાય કરાવવા માટે રૂપિયા 650 કરોડનો ફાયદો કરાવવા કે મદદ કરવા
800 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. જો આ બન્ને રકમ ભેગી કરીએ તો 650 કરોડ + 800 કરોડ = 1450 કરોડ રૂપિયા ખેડૂતો માટે ખર્ચવાની છે.
જેમાંથી 650 કરોડ રૂપિયા ખેડૂતોને આપશે અને 800 કરોડ રૂપિયાનો વેડફાટ કરશે. જે ખેડુતોના હાથમાં નહિ આવે એનો વેડફાટ થશે એને બદલે સીધા જ 1450 કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવા જોઈએ.
25% ખેડૂતોના બદલે 100% ખેડૂતોને ફાયદો
ખરીદીની જંજટમાં પડ્યા વગર દરેક ખેડૂતના ખાતામાં પ્રતિ હેકટર 10,000 રૂપિયા (1468 કરોડ ÷ 14.68 હેકટર) સરકાર સીધે સીધા નાખી શકે તેમ છે જો આમ ખેડુતોના ખાતામાં સીધા જ રૂપિયા જમા કરાવી દેવામાં આવે તો જે ગરીબ ખેડુત છે, મગફળી વેચાઈ ગઈ છે તેવા ખેડૂતો તથા તમામ નાના મોટા ખેડૂતને સીધો લાભ મળશે. સરકારના રૂપિયાનો વેડફાટ નહિ થાય.
કેન્દ્ર સરકારની સમિતિ પણ એજ કહે છે
કેન્દ્ર સરકારે આશા અંબ્રેલા, ભાવાંતર, ટેકાના ભાવે ખરીદી વગેરે બાબતોનો અભ્યાસ કરી ખેડૂતોને ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે સહાય કેમ ચૂકવી શકાય તે માટે ડો. અશોક ગુલાટી, તીર્થ ચેટરજી અને સીરાજ હુસૈન જેવા કૃષિ આર્થિક તાજજ્ઞોની કમિટીના રિપોર્ટમાં પણ સરકારને એવી જ સલાહ આપવામાં આવી છે કે ખરીદીની પળોજણમાં પડ્યા વગર ખેડુતોના ખાતામાં રૂપિયા સીધા જ જમા કરી દેવા જોઈએ. જેથી સરકાર ઓછામાં ઓછા ખર્ચે ખેડૂતોને વધારેમાં વધારે સહાય કરી શકે.
ખેડુત સંગઠનોનું સમર્થન
16 સપ્ટેમ્બર 2018ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના વિવિધ ખેડુત સંગઠનોના 30 જેટલા ખેડુત આગેવાનો મળ્યા હતા. જે બેઠકમાં સમર્થન આપવામાં આવ્યું હતું કે સરકારે ટેકા ખરીદીની પળોજણમાં પડ્યા વગર પ્રતિ હેકટર નક્કી કરેલી રકમ ખેડૂતના ખાતામાં સીધે સીધી જમા કરી દેવી જોઈએ. જે બાબતે ખેડુત આગેવાન નાગજીભાઈ ભાયાણી રાજ્યના કૃષિ મંત્રીને તારીખ 02/01/2018 અને 20/08/2018 ના રોજ રૂબરૂ મળી ને ટેકાના ભાવની ખરીદીમાં સરકારના નાણાંના થતા વેડફાટ બાબતે આગોતરી જાણ કરી હતી. નાગજીભાઈ એ ગયા વર્ષે પણ સરકારએ નાણાંના કરેલા વેડફાટ બાબતે કૃષિમંત્રીને જાણ કરી હતી.
વેપારીઓ દ્વારા ટેકો
સૌરાષ્ટ્રના યાર્ડના વેપારીઓની ભાવાંતર યોજનાની માંગ વેપારીઓ માટે થોડાઘણા અંશે ફાયદાકારક હશે પણ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી વાત છે સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ એસોસિએશનની લડતને ગુજરાતના મોટાભાગના બધા જ ખેડુત સંગઠનો ટેકો આપી રહ્યા છે. એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીને બિરદાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે સરકાર ખરીદીના નામે નાણાંનો વેડફાટ બંધ કરી પ્રતિ હેકટરદીઠ જે તે નક્કી કરેલી રકમ સીધી જ ખેડૂતના ખાતામાં જમા કરાવી આપે.
નાણાં બચાવી લેવા અપીલ
ગુજરાતની જનતાએ પોતાની પરસેવાની કમાણીના રૂપિયા ટેક્સરૂપે ભર્યા છે એનો સરકારે કરકસરથી ઉપયોગ કરવાનો છે. ગમે તેમ વેડફાટ કરવાનો સરકારને પણ અધિકાર નથી. શું ફરી રૂ.2200 કરોડનું મગફળી ખરીદી કોંભાંડ વિજય રૂપાણીની ભાજપ સરકાર કરવા માંગે છે ? એવો પ્રશ્ન ખેડૂતો પુછી રહ્યા છે. ખેડૂત આગેવાન નાગજીભાઈ ભાયાણી તથા
પાલભાઈ આંબલિયા દ્વારા આ વિગતો સરકારને આપી છે.