મધ્યાહન ભોજનમાં જીવાત

સંધાણાની પ્રાથમિક બ્રાન્ચ શાળામાં બપોરે મધ્યાહન ભોજનમાં બનવેલી ખિચડી બિનઆરોગ્યપ્રદ અને જીવાત વળી નિકળતાં ગ્રામજનો અને વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જે બાદ રસોઈ ઘરમાં રાખેલા ઘઉંનો જથ્થો પણ જીવાતવાળો અને બિનઆરોગ્યપ્રદ મળી આવતા ચકચાર મચી ગઈ હતી, ઘટનાની જાણ થતાં માતર મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ગુજરાતમાં કુપોષણ દૂર કરવા માટે સરકારી પ્રાથમિક શાળાઓનાં મધ્યાહન ભોજન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ આટલા જંગી ફંડના ધુમાડા છતાં બાળકોને સ્વસ્થ્ય અને આરોગ્યપ્રદ ભોજન પૂરૂં પાડવામાં તંત્ર સદતંર નિષ્ફળ નિવડ્યું છે. જેનો પુરાવો માતર તાલુકાનાં સંધાણા ગામની પ્રાથમિક શાળામાં જોવા મળ્યો હતો. ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવતી ખીચડીમાં મોટાપાયે જીવાતો હોવાનું સામે આવ્યું છે. આ બાબતને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો.
વાલીઓએ શાળાના રસોઈ ઘરમાં રાખાયેલાં અનાજની ચકાસણી કરતા ઘઉં સહિતના જથ્થામાં મોટાપાયે જીવાતો મળી આવી હતી. જો કે આ સમગ્ર મામલે શિક્ષકોએ પોતાની જવાબદારીમાંથી હાંથ ખંખેરી નાંખતા મધ્યાહન ભોજનના સંચાલકો પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો.
આ સમગ્ર ઘટનાને પગલે મામલતદાર સહિતના અધિકારીઓ શાળામાં દોડી આવ્યા હતા. જેમણે કોઈ નક્કર પગલા લેવાની જગ્યાએ માત્ર જીવાતવાળા ઘઉંનો જથ્થો જપ્ત કરીને મધ્યાહન ભોજનના સંચાલિકાબેન તેમજ અનાજના ગોડાઉનના સંચાલકને નોટીસ પાઠવીને સંતોષ માન્યો છે. ત્યારે સમગ્ર મામલે ભીનું સંકેલાય છે કે પછી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કોઈ નક્કર પગલા લેવાય છે તે જોવું રહ્યું