મધ્યાહ્ન ભોજન યોજનાનાં એક લાખ કર્મચારીઓ હડતાળ પર જશે

રાજ્ય સરકાર દ્વારા બુધવારે રાજ્યનાં મંત્રીઓ તેમ જ વિપક્ષી નેતા અને ધારાસભ્યોનાં પગારભથ્થામાં 45 ટકા જેટલો વધારો કરીને પોતાને પડતી તકલીફો દૂર કરી દીધી છે, પણ રાજ્ય સરકારમાં ફરજ બજાવતાં તેમ જ વિવિધ યોજનાઓ અન્વયે કામ કરી રહેલાં કર્મચારીઓનાં વેતન વધારવામાં કોઈ રસ ન હોવાનાં આરોપ સાથે આવતીકાલથી રાજ્યની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના સાથે સંકળાયેલા 96000 કર્મચારીઓ હડતાળ પર ઉતરશે અને તેનાં કારણે શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના પર મોટી અસર પડે એવી શક્યતાઓ ઊભી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં ચાલી રહેલી મધ્યાહ્ન ભોજન યોજનામાં હડતાળનાં શસ્ત્રથી મધ્યાન્તર પડી જશે.
લગભગ એક મહિના પહેલાં મધ્યાહ્ન ભોજન યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓએ એકસૂરે વેતન વધારાની માગણી કરી હતી. અને એવી માંગણી કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રકારની લઘુત્તમ વેતન આપવાની યોજના છે તેનો અમલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે. અને 21મી ઓગસ્ટે આ સંગઠને રાજ્ય સરકારને એક મહિનાની મહેતલ આપી હતી. જેની અવધિ પૂરી થવા આવી છતાં રાજ્ય સરકારે આ કર્મચારીઓની માંગણીને ધ્યાને ન લેતાં આ કર્મચારીઓએ આવતીકાલથી હડતાળનું એલાન આપી દીધું છે. અત્રે નોંધનીય છે કે મધ્યાહ્ન ભોજન યોજના અન્વયે લગભગ 96 હજાર કર્મચારીઓ સમગ્ર રાજ્યમાં કાર્ય કરી રહ્યાં છે. અને આ 96 હજાર કર્મચારીઓને યોગ્ય વેતન નહિ અપાતું હોવાનો આરોપ અનેકવાર કરવામાં આવ્યો છે.
સંગઠનનાં એક નેતાએ જણાવ્યું કે, રાજ્ય સરકારને અને ચૂંટાયેલાં પ્રતિનિધિઓને તેમનાં પગાર ભથ્થાં વધારવામાં જ રસ છે, રાજ્યની વિવિધ યોજનાઓમાં કાર્ય કરતાં કર્મચારીઓનાં પગાર ભથ્થાં વધે એમાં કોઈ રસ નથી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, મધ્યાહ્ન ભોજન યોજનામાં રાજ્ય સરકાર દ્વારા એનજીઓની પ્રથા દાખલ કરવામાં આવી છે તેનાં કારણે ઘણી સમસ્યાઓનું નિર્માણ થયું છે. આ ઉપરાંત મધ્યાહ્ન ભોજન યોજનાનાં કર્મચારીઓ પાસે ચૂંટણીની કામગીરી પણ કરાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જે મેનુ તૈયાર કરાયું છે તેમાં પણ ઘણો મોટો તફાવત જોવા મળે છે, કેમ કે એનજીઓ પ્રથાનાં કારણે હલકી ગુણવત્તાનાં ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે અને આ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં રાજ્ય સરકારનાં પેટનું પાણી હલતું નથી. ત્યારે આ પ્રકારની ઉદાસીનતાનાં વિરોધમાં મધ્યાહ્ન ભોજન યોજનાનાં કર્મચારીઓને ન છૂટકે હડતાળનું શસ્ત્ર ઉઠાવવું પડ્યું છે.