મનુભાઈએ સાણંદમાં પ્રદુષણ ફેલાવતી મેઘમણી કંપની બંધ કરાવી

મારા માતા-પિતા પારંપરિક ભિક્ષુકનું કામ કરતા હતા પણ હું ભણ્યો અને ગ્રેજ્યુએટ થયો, મારી પાસે નોકરી ન્હોતી, મારી પાસે બે વિકલ્પ હતા કે પિતાની જેમ ભિક્ષુક પ્રવૃત્તિ કરુ અથવા મારો નાનો મોટો ધંધો કરૂ, મારી પાસે ખાસ પૈસા પણ ન્હોતા, મેં સાણંદથી નળસરોવર જતા રસ્તા ઉપર એક નાનકડો પાનનો ગલ્લો શરૂ કર્યો. આ શબ્દો છે સાણંદના 42 વર્ષીય મનુભાઈ બારોટના છે. હજી થોડા દિવસ પહેલા મનુભાઈને આંગણે સાણંદમાં મોરારીબાપુ આવ્યા હતા.થોડા વર્ષ સાણંદમાં પાનનો ગલ્લો શરૂ કરનાર મનુભાઈ બારોટના ગલ્લા ઉપર ભાત-ભાતના લોકો પાન ખાવા માટે આવતા હતા ત્યારે તેમની વાતો સાંભળી મનુભાઈને અંદાજ આવ્યો કે તેમના નળકાંઠાના લોકો દારૂણ સ્થિતિમાં જીવે છે. ખાસ કરી આ વિસ્તારમાં ખુબ પાણી ભરાઈ રહેતું હોવાને કારણે મચ્છરના ત્રાસને કારણે મહિલાઓ અને બાળકો મેલેરીયાનો ભોગ બને છે, તેમાં પણ સગર્ભા સ્ત્રીઓને મેલેરીયા થાય ત્યારે તેના માટે તે ઘાતક સાબિત થાય, દારૂણ ગરીબીમાં જીવતા બાળકો કુપોષણનો ભોગ બને છે.પણ સમસ્યા એવી હતી કે મનુભાઈ બારોટ પાસે પોતાને જ જીવવાના પૈસા ન્હોતા તો લોકોને કેવી રીતે મદદ કરે? પણ ઈચ્છા હતી તેના કારણે રસ્તો થતો ગયો. ગલ્લા ઉપર આવતા સરકારી અધિકારીઓને મનુભાઈએ લોકોની પીડા કહેવાની શરૂઆત કરી. અધિકારીઓને પણ તેમની વાત સાચી લાગતી અને તેઓ મનુભાઈને લોકો માટે એકસો અને પાંચસો રૂપિયા આપવા લાગ્યા હતા. મનુભાઈ તે પૈસામાંથી મચ્છરદાની ખરીદવા લાગ્યા અને સગર્ભા મહિલાઓને આપવાની શરૂઆત કરી હતી. તેવી જ રીતે લોકો પૈસા આપે તે તેમાંથી સુખડી બનાવી કુપોષણનો ભોગ બનેલા બાળકો સુધી પહોંચાડવા લાગ્યા.મનુભાઈ બારોટ આવુ કામ કરે છે તેની જાણ થતાં ધીરે ધીરે લોકો નાની નાની મદદ મોકલવા લાગ્યા અને પછી મનુભાઈ બારોટના ગલ્લાનું કામ બાજુ ઉપર થવા લાગ્યુ અને તેઓ એક પછી એક લોકોના કામ લઈ દોડવા લાગ્યા. તેમના વિસ્તારમાં આવેલ જાણિતી કેમિકલ ફેક્ટરી મેઘમણી ખુબ પ્રદુષણ ફેલાવતી હતી, તેમણે તંત્રમાં રજુઆત કરી પણ કોઈ પરિણામ આવ્યુ નહીં. તેમણે ગાંધીગીરી કરી ટ્રેક્ટર ભરી ફુલ લઈ મેઘમણી ફેક્ટરી ઉપર જતા અને ફુલ આપી પ્રદુષના કારણે લોકોને કેવો ત્રાસ થઈ રહ્યો છે તેનાથી વાકેફ કર્યા આખરે ફેક્ટરી બંધ કરવાની ફરજ પડી.સાણંદને હરિયાળુ બનાવવા માટે તેમણે વૃક્ષો વાવવાની શરૂઆત કરાવી, આજે સ્થિતિ એવી છે કે 30 હજાર કરતા વધુ વૃક્ષો ત્યાં ઉગી નિકળ્યા છે. આ જ પ્રકારે નળસરોવર પક્ષી અભ્યારણ માટે જાણિતુ છે પણ બીજી તરફ બહુ મોટી સંખ્યામાં ત્યાં પક્ષીઓના શિકાર થતાં હતા. મનુભાઈએ શિકારીઓને સમજાવ્યા પણ ખાસ પરિણામ આવ્યુ નહીં, તેમણે તલગાજરડા જઈ મોરારીબાપુને વિનંતી કરી, બાપુ નળસરોવર આવ્યા અને બાપુની વાત માની 35 શિકારીઓએ શિકાર છોડી દેવાના સોંગદ લીધા. ગરીબીને કારણે બાળકોને શિક્ષણ પણ મળતુ ન્હોતુ, તેમણે લોકોના દાનની મદદથી ધોરણ9-10ના બાળકો માટે કોંચિંગ ક્લાસ શરૂ કર્યા.2007માં સાણંદમાં ટાટા નેનો કંપની લઈ આવી, ટાટાના અધિકારીઓને કોઈએ મનુભાઈના કામની જાણકારી આપી. ટાટા કંપનીએ મહિલા અને બાળકો તેમજ શિક્ષણ માટે ફંડ આપવાની શરૂઆત કરી. આમ એક નાનકડો પ્રયાસ હતો તેને ટાટા કંપનીનું પીઠબળ મળ્યુ, બાળકી જન્મે ત્યારે ઉત્સવ મનાવવાની તેમણે શરૂઆત કરાવી અને માતૃવંદનાનો એક કાર્યક્રમ શરૂ કર્યો જે સ્ત્રીઓ ગરીબ છે તેમને વર્ષભરનું આનાજ તો આપ્યુ પણ આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે તેમણે 25 હજારના બોન્ડ આપવાનો નિર્ણય કર્યો. આ માતૃવંદનના કાર્યક્રમ માટે ખુદ મોરારીબાપુ સાણંદ આવ્યા હતા.જે 20 મહિલાને બાપુના હાથે બોન્ડ મળ્યા તે મહિલાઓને લઈ મનુભાઈ બારોટ તા. 30મી એપ્રિલના રોજ વિમાન માર્ગે હરિદ્વાર જઈ રહ્યા છે. આ મહિલાઓ એસટી બસમાં પણ ભાગ્યે જ બેઠી હશે, તેમને વિમાનમાં બેસાડી મા ગંગાના દર્શન કરવામાં આવશે. આ જ પ્રકારે જિલ્લા પંચાયતની મદદથી ગરીબ બાળકોને પણ વિમાનમાં બેસાડવાનો કાર્યક્રમ છે. મેરાન્યૂઝના સંવાદદતાએ મનુભાઈને પુછ્યુ કે હવે તમે પાનના ગલ્લા ઉપર ક્યારે બેસો છો તો તેમણે હસતા હસતા કહ્યુ સાહેબ હું વ્યસન મુક્તિનો કાર્યક્રમ પણ કરુ છુ ત્યારે હું પાન-તંબાકુ અને બીડી વેચુ તે વાજબી નથી, મેં હવે ગલ્લો બંધ કરી દીધો છે.મનુભાઈ બારોટ કહે છે, હુ જે કામ કરૂ છુ તેના માટે ટાટા કંપની અને સાણંદના શ્રીમંતો મદદ કરે છે, હું તો માત્ર નિમિત્ત છું કે તેમના પૈસા જરૂરીયાવાળા લોકો સુધી પહોંચે જેના કારણે બાળકો કુપોષણનો ભોગ બને નહીં, લોકોને મેલેરીયા થાય નહીં, બાળકોને શિક્ષણ મળે અને સાણંદને સારૂ પર્યાવરણ મળે, બસ એક નાનકડો પ્રયાસ કર્યો અને લોકોએ મદદ કરી છે.