મહિલાને બસમાં પ્રસુતિની પીડા ઉપાડતા આંગણવાડી કાર્યકરનાં સહયોગથી બાળકને જન્મ આપ્યો

સિધ્ધપુર ડેપોની બસમાં આદિવાસી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા આંગણવાડી કાર્યકરની મદદથી સગર્ભાને બસમાં જ ડિલિવરી કરાવાઈ હતી. પાલનપુર ડીવીઝન હેઠળના સિધ્ધપુર ડેપોના ડ્રાઇવર અને કંડક્ટરે સરાહનીય કામગીરી કરીને ડિલિવરી બાદ 108ને ફોન કરીને મેડિકલ વાન બોલાવી હતી.  આ અંગેની વિગત મુજબ સિધ્ધપુર ડેપોની બસ મેતાથી સુરત જઇ રહી હતી. આ દરમ્યાન દાહોદ તાલુકાના ખરોડ ગામની આદિવાસી મહિલા હંસાબેન રાકેશભાઈ મીનાને અમદાવાદ નજીક પ્રસુતિની પીડા ઉપડી  હતી. આથી ડ્રાઇવર મહેબુબ મકરાણી તેમજ કંડક્ટર મનોજ પટેલે બસને અડાલજ ચોકડી નજીક ઉભી કરી દીધી હતી. આ પછી તમામ મુસાફરોને ઉતારી દીધા હતા. આ દરમ્યાન આંગણવાડી કાર્યકર હેમલતાબેન સુરેશભાઈ પરમારે બસ કર્મચારીઓના સહયોગથી સગર્ભા બહેનને નોર્મલ પ્રસુતિ કરાવતા બાળકનો જન્મ થયો હતો. બાળકના જન્મ બાદ તુરંત ડ્રાયવર અને કંડક્ટરે 108ને ફોન કરી મેડીકલ વાન બોલાવી લીધી હતી. જેમાં પ્રસુતા મહિલાને સોલા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી. એસટી બસમા નોર્મલ પ્રસુતિ કરાવતા પુત્રનો જન્મ થતાં આદીવાસી પરિવારજનોમાં આનંદ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારે દોડધામ વચ્ચે મહિલાને તંદુરસ્ત બાળકનો જન્મ થતાં હાશકારો અનુભવ્યો હતો.