રાજ્યની 6 હજાર ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ છે. જેમાંથી મોટાભાગની પંચાયતોમાં મહિલાઓના પતિ કે જેને સરપંચ પતિ કહે છે – તેઓ પોતાની પત્નીના નામે વહીવટ કરે છે. માત્ર સહી તેમના પત્ની સરપંચ કરે છે. આવું થતું હોવા છતાં પંચાયત વિભાગના પ્રધાન કંઈ કરવા તૈયાર નથી. આ ફરિયાદો છેલ્લાં 17 વર્ષથી થઈ રહી છે. તેમ છતાં કાયદો સુધારાતો નથી કે આવા પતિદેવ સામે કોઈ ફરિયાદ થતી નથી. બનાસકાંઠા જિલ્લાએ સરપંચ પતિ સામે ફોજદારી પગલાં ભરવા આદેશ કરીને સમગ્ર ગુજરાતમાં પહેલ કરી છે. પણ ભાજપ રાજકીય રીતે સરપંચ પતિઓને પંપાળવા માટે આજ સુધી રાજ્ય કક્ષાએ આવા કોલશાહી વિરોધી કામને રોકવા માટે ક્યારેય આદેશ કર્યા નથી.
ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલી મહિલા સરપંચ તથા મહિલા સભ્યના પતિદેવો કે તેમના પ્રતિનિધીઓ પંચાયત કાયદા વિરૂદ્ધ અનઅધિકૃત રીતે ગ્રામપંચાયતની ખુરશીઓમાં બેસી વહીવટ કરતા હોવાની ફરિયાદો મળતા જેને ગંભીરતાથી લઇને કલોલ તાલુકા વિકાસ અધિકારીએ પરીપત્ર બહાર પાડીને આદેશ કર્યો છે કે હવેથી જો કોઈ વ્યક્તિ સરપંચના નામે વહીવટ કરશે તો સરપંચ સામે પગલાં લેવામાં આવશે. ગ્રામપંચાયતની કચેરીમાં અનઅધિકૃત લોકો ગ્રામ પંચાયતનો વહીવટ કરતા નજરે પડે તો જે તે સરપંચ સામે કાર્યવાહી કરાશે.
ગુજરાત પંચાયત અધિનીયમ – 1993 મુજબ 50 ટકા ગ્રામ પંચાયતોમાં મહિલા અનામતને કારણે મહિલા સરપંચ અને મહિલા સભ્યો ચુંટાય છે. આવા કૂલ 18 હજાર ગામડામાં 12 હજાર પંચાયતો છે. તે હિસાબે 6 હજાર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ છે અને 60 હજાર જેટલા મહિલા સભ્યો છે. તેમના પતિ કે પ્રતિનિધિઓ દ્વારા ગ્રામપંચાયતની કચેરી ખાતે સરપંચ કે સભ્યની ખુરશીમાં બેસીને પંચાયતો વહીવટ કરતા હોવાની રજૂઆતો ગ્રામજનો દ્વારા રાજ્યના પંચાયત વિભાગને વારંવાર મળતી હોવા છતાં તેમની સામે કોઈ પગલાં લેવામાં આવતાં નથી. ફરિયાદો મળતા જેને ગંભીરતાથી લઇ કલોલ તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોરે પરીપત્ર બહાર પાડયો છે.
બનાસકાંઠા જિલ્લા પંચાયતની સંકલનની બેઠકમાં તેમજ સરકારના બનાસકાંઠા જિલ્લા સ્વાગત અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ચૂંટાયેલાં મહિલા પ્રતિનિધિઓના બદલે કોઈ અન્ય હાજર રહે છે તે તુરંત બંધ કરી દેવામાં આવે. બનાસકાંઠાના તમામ તલાટી કમ મંત્રીઓને પણ સુચના અપાઇ હતી કે ગ્રામ પંચાયતમાં સરપંચ સિવાયની કોઇ પણ બિન અધિકૃત વ્યક્તિ સરપંચની ખુરશીમાં બેસી વહીવટ કરતા ધ્યાને આવશે તો તેની જવાબદારી તલાટી કમ મંત્રીની રહેશે.
અધિકારીઓની મુલાકાત દરમિયાન બિન અધિકૃત વ્યક્તિઓ ગ્રામ પંચાયતનો વહીવટ કરતા ધ્યાનમાં આવશે તો આ બાબતે ગુજરાત પંચાયત અધિનીયમ 1993ની કલમ 57-1 મુજબ જે તે મહિલા સરપંચ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તેમજ જરૂર જણાય તો ફોજદારી કાર્યવાહી કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવતા ગ્રામ પંચાયતનો વહીવટ કરતા મહિલા સરપંચોના પતિદેવોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.