મહેસાણાના ગામોમાં કૃડ ઓઈલના કૂવા મોતના કૂવા

મહેસાણા જિલ્લાના પેટાળમાં ક્રૂડ ઓઈલનો વિપુલ જથ્થો સંગ્રહાયેલો છે અને તેના જ કારણે મહેસાણા ઓ.એન.જી.સી.મોટા પ્રમાણમાં ઓઈલનું ઉત્પાદન કરે છે. જોકે મહેસાણા જિલ્લાના હરદેસણ અને તેની આસપાસના ગામોમાં ઓએનજીસી દ્વારા ખાનગી એજન્સી પાસે ઓઈલ સંશોધન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં જમીનના પેટાળમાં બ્લાસ્ટ કરી મોટા પ્રમાણમાં ઊંડા કૂવા કરવામાં આવ્યા છે અને તેના કારણે ખેડૂતોના ખેતર,પાણીના બોર અને ઊભા પાકને નુકશાન થવાની સાથે ઓઈલ સંશોધન કરવામાં આવેલા ખુલ્લા કૂવા મોતના કૂવા બનીને રહી ગયા છે.
મહેસાણા જિલ્લાના હરદેસણ, પાંચોટ, છઠીયારડા, અલોડા, નુગર, કામલપુર સહિત અનેક ગામોમાં ઘણા લાંબા સમયથી ખાનગી કંપની દ્વારા ઓઈલ સંશોધનની કામગીરી કરવામાં આવી રહી છે. ઓએનજીસીના માધ્યમથી ખાનગી કંપની મહેસાણા જિલ્લાના પેટાળમાં ઓઈલ શોધવાનું કામ કરી રહી છે અને તેના માટે જમીનના પેટાળમાં કૂવા ખોદી બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. તેના પરિણામે આ વિસ્તારના ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જમીનના પેટાળમાં કૂવા ખોદી બ્લાસ્ટ કરવાથી પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે તો વળી પાણીના બોરમાં રેતનું પ્રમાણ આવી રહ્યું છે. તેમજ ખેતી માટે બનાવેલા બોરના પાયા પણ હચમચી ગયા છે અને તેથી ઊભા પાકને પણ પારાવાર નુકશાન થઈ રહ્યું છે.
ઓઈલ સંશોધન માટે ડ્રિલીંગ કરી ઓઈલ માટે બનાવેલા અસંખ્ય કહી શકાય એટલા કૂવા મહેસાણાના હરદેસણ અને તેની આસપાસના ગામોમાં ખુલ્લા પડ્યા છે. ખેડૂતોના ખેતરમાં કરાયેલા કૂવાથી ઊભા પાકને નુકશાનની સાથે ખેતી લાયક જમીનને પણ ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ ખેડૂતના ખેતરમાં ૨૦૦થી ૫૦૦ ફૂટ ઊંડા ખુલ્લા કૂવા મોત સમાન લાગી રહ્યા છે. આ ખુલ્લા કૂવા ગમે ત્યારે બાળકથી માંડી મોટાને પોતાના કાળ કોળીયો બનાવી શકે છે. મોત સમાન ખુલ્લા કૂવા માટે નિંદ્રાધીન તંત્રની આંખ ખુલતી નથી.
ઓઈલ સંશોધન માટે ડ્રિલીંગ કરી ખોદેલા કૂવા ખેડૂતોને પારાવાર નુકશાનકારક સાબિત થયા છે, તો વળી ખેડૂતો અને તેમના બાળકો માટે ખુલ્લા કૂવા મોત બનીને ઊભા છે. ત્યારે પ્રશ્ન થાય છે કે શું ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે ત્યારે ન્યાય મળશે ? અને કાળ બનીને ખુલ્લા કૂવા કોઈ કાળનો કોળીયો બનશે પછી પુરાશે ? હવે જોવાનું રહ્યું કે નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગશે.