મહેસાણા નગરપાલિકા દ્વારા ઘણાં લાંબા સમયથી બ્લોક લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે, શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવાની સાથે શહેરને સુંદર બનાવવા બ્લોક નાંખવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. મહેસાણા નગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ૧૨૦૦થી વધુ દબાણો દૂર કરી બ્લોક નાંખવામાં આવ્યા છે. જોકે મહેસાણા શહેરમાં દબાણો કેવા પ્રકારના દુર કરાયા અને ક્યાં કરવામાં આવ્યા તેને લઈને વિવાદ સર્જાયો છે.
મહેસાણા નગરપાલિકા શહેરના જાહેરમાર્ગો ઉપરથી દબાણો દૂર કરતી હોવાનો દાવો કરી રહી છે. તો બીજી તરફ દબાણો ઠેરના ઠેર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. કારણ કે દબાણો દૂર કરવાનો કોઈ પાકો ઈરાદો પાલિકા સત્તાધીશોનો નજરે જોવા મળતો નથી. કેમ કે એક જ હરોળમાં આવતા દબાણો માટે વ્હાલા દવાલાની નીતિ હોવાનો ભાજપના નગરસેવક આક્ષેપ કરી રહ્યા છે.
દબાણો હટાવવાના બહાને બ્લોક લગાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હોવાનું ભાજપના નગરસેવકો માની રહ્યા છે. કોઈ જ ચોક્કસ માપ કે કોઈ જ ચોક્કસ લંબાઈ કે પહોળાઈ નિશ્ચિત કર્યા વિના ફક્ત દબાણના બહાને ઓટલા અને જૂના ફૂટપાથ તોડી કરોડો રૂપિયાના બ્લોક નાંખવામાં આવી રહ્યા છે. ત્યારે સત્તાધીશોની સાથે જવાબદાર અધિકારીઓની પણ મિલીભગત હોય એ પ્રકારે બ્લોક નાંખવાની કામગીરી કરી રહ્યા છે.
દબાણો અને પાર્કિંગના બહાને ફક્ત ઓટલા, પગથિયા અને જૂના ફૂટપાથ દૂર કરાયા છે. અને તે જ સ્થાનો ઉપર કરોડો રૂપિયા બ્લોક લગાવી કટકીનો કીમિયો સત્તાધીશો અને અધિકારીઓએ શોધી કાઢ્યો હોવાનો ભાજપનો આક્ષેપ છે.