મહેસાણા નગરપાલિકા કોંગ્રેસમાં ફરી એક વખત ભંગણના એંધાણ નીતિન પટેલને ફાયદો કરાવશે

31 ઓક્ટોબર 2018માં કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકાની સમિતિઓની રચના મોકૂફ રખાયા બાદ ફરી એક વખત રાજસ્થાનની ચૂંટણીનું બહાનું આગળ ધરીને 22 નવેમ્બર 2018માં સમિતિઓ રચવાનું બંધ રાખવામાં આવ્યું છે. જ્યારથી ચૂંટણી થઈ  ત્યારથી સમિતિઓ રચી શકાય નથી. સમિતિઓ મહેસાણા કોંગ્રેસમાં જાણે કે વિવાદનો પર્યાય બની ગઈ હતી. અગાઉ એક મહિના પહેલાં બંધબારણે યોજાયેલી પાલીકાની સાધારણ સભામાં સમિતિઓ જાહેર કરવાની હતી પણ કોંગ્રેસ બે જૂથમાં વહેંચાઈ ગઈ હતી અને સમિતિઓ બની શકી ન હતી. જ્યારે સફાઈનો ઠેકો આપવા માટે મતદાન થતાં કોંગ્રેસ લઘુમતીમાં મૂકાઈ ગઈ હતી. સભ્યોએ જ વિરોધ શરુ કર્યો હતો. આ પીછેહઠનાં કારણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કીર્તિસિંહ ઝાલાએ  અહેવાલ તૈયાર કરીને પ્રદેશ કોંગ્રેસમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ સરમુખત્યારશાહી અપનાવીને પત્રકારોને બહાર મોકલી દીધા હતા, ત્યારે મહિલા કોર્ટોરેટરોના પતિઓને અંદર રખાયા હતા.  આવું થઈ શકે નહીં છતાં તેમણે આવું કર્યું હતું. લઘુમતીમાં મૂકાઈ ગયેલાં પાલિકા પ્રમુખ સોલંકીએ સમિતિ બનાવવાનું કામ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હતો. દીવાળી બાદ નિરીક્ષકોની હાજરીમાં સમિતિઓ 22 નવેમ્બર 2018માં રચાવાની હતી. પણ કોંગ્રેસમાં ભાગલા પડી ગયા છે. અહીં પાટીદારોએ કોંગ્રેસને ખોબા ભરીને મત આપ્યા પણ પાટીદારોને સત્તા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ન આપતાં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ હારી ગઈ હતી અને નીતિન પટેલ ધારાસભ્ય બન્યા હતા. હવે ફરી એક વખત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એજ ભૂલ કરવા તરફ જઈ રહ્યાં છે. સમિતિઓના અધ્યક્ષો અને સભ્યો પ્રદેશ કક્ષાએથી નકકી કરી દેવાયા છે. પણ તે જાહેર કરવામાં અહીંના પ્રભારી હિમાંશુ પટેલ સદંતર નિષ્ફળ દેખાય રહ્યાં છે.

2015માં યોજાયેલી ચૂંટણીમાં 44 બેઠકમાંથી 29 કોંગ્રેસને મળી હતી અને ભાજપને 15 બેઠક મળી હતી. કોંગ્રેસની એક વર્ષ સુધી સત્તા રહી હતી. બહુમતી છતાં કોંગ્રેસના 10 સભ્યોએ બળવો કરીને ભાજપના પડખામાં જઈ બેઠા હતા. ભાજપને સત્તા આપી હતી. સમિતિઓ પણ ભાજપે જ બનાવી હતી. ભાજપ પાસે સત્તા આવ્યા બાદ પ્રમુખ તરીકે રઈબેન પટેલ રહ્યાં હતા અને ખડી સમિતિના અધ્યક્ષ પદે ભાજપના કૌશિક વ્યાસ હતા. 10 સભ્યો ફરીથી કોંગ્રેસમાં આવી જતાં કોંગ્રેસને 14 જૂન 2018માં સત્તા મળી હતી.

રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના ગઢ પર કોંગ્રેસે 9 જાન્યુઆરી 2018માં પુનઃ કબ્જો કર્યો હતો. પ્રમુખ તરીકે કોંગ્રેસના ધનશ્યામ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના પુરીબેન પટેલની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની સવા વર્ષ માટે વરણી કરવામાં આવી હતી.

એપ્રિલ 2018માં રઈબેન પટેલ પ્રમુખ હતા ત્યારે મુખ્ય અધિકારી સામેની લડાઈ આમને સામને આવી ગઈ હતી. ચીફ ઓફિસર નવનીત પટેલે પાલિકા પ્રમુખ રાઈબેન પટેલની કાર સુવિધા પાછી ખેંચી લેતા આ વિવાદ થયો હતો. રઈબેન પટેલ ઊંટ લારીમાં બેસીને પાલિકા જવા નીકળ્યા હતા. પ્રમુખની કારની લોગબુક માંગતા સર્જાયેલા વિવાદ બાદ કોંગી નગરસેવકોએ અગાઉ ધરણા યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ પ્રમુખ એ લોગબુક પરતના કરતા પ્રમુખની ચીફ ઓફિસરની જોર હુકમીથી કાર જપ્ત કરી હતી.

મહેસાણા નગરપાલિકાની મધ્યસત્ર મુદત માટે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ કોઈ ભંગાણ ન સર્જે તે માટે કોંગ્રેસે કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યારે કોંગ્રેસના નગરપાલિકાના સભ્યોને દીવના એક રિસોર્ટમાં લઇ જવાયા હતા.

રાહુલ ગાંધીની સભા પહેલાં ભંગાળના ભણકારા

21 ડિસેમ્બર 2016માં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મહેસાણામાં જાહેરસભાને સંબોધવા આવવાના હતા ત્યારે ના છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખનો વિખવાદ ઊઠ્યો હતો. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના પ્રમુખ નિમિષાબહેન પટેલને હટાવવા માટે 16 કોર્પોરેટરોએ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરી હતી. રાહુલ ગાંધીની જાહેરસભાના સ્ટેજ પર બેસનારની યાદીમાં નિમિષાનું નામ જોતાં જ કોંગ્રેસના 22 કોર્પોરેટરોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ઉપપ્રમુખ જયદીપસિંહ ડાભીએ પણ ચીમકી આપી હતી.

કેમ આવું થાય છે

ભાજપે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી કોંગ્રેસના સભ્યોને ખેંચવા સોગઠા ગોઠવ્યા હતા.  પ્રમુખપદની રેસમાં રહેલા ભાજપના ઉમેદવારે કોંગી સભ્યોનો રૂબરૂ અને ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પાલિકામાં પ્રભુત્વ ધરાવતા પટેલ અને ઠાકોર સભ્યોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ખેંચતાણ રહે છે.  14 પાટીદાર સભ્યો હોઇ બહુમતી તેમની છે. પ્રમુખ અને અન્ય મલાઇદાર શાખાઓના ચેરમેન પદેથી વંચિત રહેલા 3 ક્ષત્રિય સભ્યોએ તેમના નેતાઓ મારફતે પ્રદેશ મોવડીઓ સમક્ષ વર્તમાન ટર્મમાં ઉપપ્રમુખ પદ અને સારા પદની માંગણી કરતાં આવ્યા છે.

21 જૂન 2016માં મહેસાણા નગરપાલિકાના કોંગ્રેસના 29 પૈકી 17 નગર સેવકોએ રાજીનામાં આપ્યા હતા. 24 એપ્રિલ 2017માં રોજ મહેસાણા નગરપાલિકા પ્રમુખ નિમિષાબેન પટેલ સામે કોંગ્રેસના 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી કુલ 44 માંથી 39 સભ્યો હાજર રહી 38 સભ્યોએ અવિશ્વાસ મતને ટેકો આપ્યો હતો. કોંગ્રેસની સમસ્યાનું આ મૂળ છે જે કોંગ્રેસના પ્રવક્તા હીંમાશુ પટેલ તેનો કોઈ ઉકેલ લાવી શકતા નથી.

આમ મહેસાણામાં કોંગ્રેસે કાયમી પગ જમાવવાનો મોકો હાથે કરીને ગુમાવી રહી છે.

(દિલીપ પટેલ)