માઉન્ટ કાર્મેલ શાળાના વિદ્યાર્થીની રાખડી ઉતારી લેવા ફરજ પાડી

ગાંધીનગરના સેક્ટર-21માં આવેલી માઉન્ટ કાર્મેલ શાળાના એક શિક્ષકે ધોરણ-5ના વિદ્યાર્થીઓના હાથ પર બાંધેલી રાખડી જબરદસ્તી પૂર્વક કાપી નાંખી હતી. આ મામલો બહાર આવતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે તપાસ માટે આજે શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસ કરવા માટે શાળાએ પહોંચ્યા હતા. તેની પાછળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ શાળાના ઝાંપા સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વાલીઓએ શિક્ષિકાએ કરેલા આ કૃત્યથી હિંદુ ધર્મ અને પર્વ ઉપર તરાપ મારવાનું કામ કર્યું હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

શિક્ષકે વિદ્યાર્થીની રાખડી જબરદસ્તી કાપી નાંખતા વાલીઓ પણ રોષે ભરાયા હતા. કલેક્ટર અને શિક્ષણ પ્રધાનને રજૂઆત કરીને શિક્ષિકા સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી. આ ઘટના ધ્યાનમાં આવ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ વિભાગને કડક સૂચના આપી છે. ચુડાસમાએ કહ્યું કે, અમે સ્કૂલ પાસેથી ત્રણથી ચાર દિવસમાં ખુલાસો માંગ્યો છે. આ ખરેખર અનિચ્છનિય ઘટના છે. આ પ્રકારની હરકતથી સમગ્ર સમાજની લાગણી દુભાઈ શકે છે. કોના આદેશથી અને કોને આવું કૃત્ય કર્યું છે તેનો ખુલાસો સ્કૂલ તરફથી અપાયા બાદ પગલાં લેવાશે.

સમગ્ર મામલો સામે આવતા વિશ્વ હિન્દુ પરિષદ – વીએચપી અને એબીવીપી જેવા સંગઠનોએ શાળામાં જઈને ઉગ્ર સુત્રોચ્ચારો સાથે વિરોધ પણ કર્યો હતો. આ મુદ્દે તમામ સંગઠનો એક થતા સ્કૂલ સત્તા વાળા એ તેમને મળવા બોલાવી તેમની રાખડી બાંધવાની માગ ને સઁતોષ તા આ વિવાદ નો અંત આવ્યો હતો.

એ બી પી અને વીએચપી એવી માંગણી કરી હતી કે જે શિક્ષિકાએ વિદ્યાર્થીઓના હાથે બાંધેલી રાખડીઓ કાપી નાખી છે. એ જ શિક્ષિકા ફરીથી બાળકોને રાખડી બાંધે. તેવી માગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. માઉન્ટ કાર્મેલ શાળામાં સરકારના ઉચ્ચ અધિકારીઓના બાળકો ભણે છે. શાળા સંચાલકોને મીડિયા દ્વારા પૂછવામાં આવતા શાળા સંચાલકોએ આક્ષેપોને ફગાવ્યા હતા. એટલું જ નહીં  ઘટના અંગે ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કર્યો હતો.