મોડાસા, તા.૧૬
મોડાસા પાસેનો માઝુમ ડેમ ઉપરવાસમાં વરસાદના પગલે છલકાઇ ગયો છે. રવિવારે જળાશયની સપાટી 156.95 એ પહોંચતા સિંચાઇ સત્તાવાળાઓ દ્વારા માઝુમ જળાશયમાંથી 2000 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીકાંઠાના 23 જેટલા ગામડાઓને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતું અને માઝુમ નદી કાંઠાની પંચાયતોના તલાટી કમમંત્રીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઇ છે.
માઝુમ જળાશયમાં બે હજાર ક્યુસેક પાણીની સતત આવક શરૂ થતાં સિંચાઇ સત્તાવાળાઓ દ્વારા જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે બે હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો. જિલ્લાના માઝુમ નદી કાંઠાના ગામડાઓને સતર્ક રહેવા સિંચાઇ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા 23 જેટલા ગામડાઓને એલર્ટ કરાયા હતા. સાથે સાથે માઝુમ નદી કાંઠાની ગ્રામપંચાયતોના તલાટી કમમંત્રીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઇ હોવાનું જાણવા મળ્યું છે.
માઝૂમ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમની રૂરલ લેવલ સપાટીથી ઉપર જતા તંત્ર દ્વારા ડેમમાંથી નદીમાં બે હજાર કયુસેક પાણી છોડાતાં માઝૂમ નદીમાં અમરગઢકંપાથી ખડોદા માર્ગ પરની ડીપ પર પાણી ફરી વળતાં રાહદારીઓ વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. નદીમાં પાણી આવતા મહાદેવપુરા,ખડોદા, નવા ખડોદા રવિપુરા કમ્પા, નવા જવાનપુરા અન્ય ગામોને અસર થઈ હતી.