મા વાત્સલ્ય યોજનામાં ખાનગી હોસ્પિટલોને સારવારના રૂ.2170 કરોડ ચૂકવાયા

ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ટીમ હેલ્થમાં નવા જોડાઈ રહેલા ૧૪૬૬ સ્ટાફ નર્સને નિમણૂંકપત્રો એનાયત કરાયા હતા. આગામી સમયમાં નવા ૧૦૦૦ સ્ટાફ નર્સની નિમણૂંક રાજય સરકાર દ્વારા કરાશે. રાજય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ વિભાગોમાં વિવિધ કેડરોમાં ૧ લાખથી વધુ કર્મચારીની ભરતી કરી છે.

મેડિકલ બેઠકોમાં વધારાની સાથે હોસ્પિટલો વધી છે. મધ્યમ વર્ગોના પરિવારોને કીડની, હ્રદય જેવા ગંભીર રોગો તથા
પ્રસુતિ સમયે મદદરૂપ થવા મા અને મા વાત્સલ્ય યોજના અમલી કરી છે. જે હેઠળ પ્રતિવર્ષ રૂ. ૩ લાખની મર્યાદામાં મફત સારવાર અપાય છે. અત્યાર સુધી ૬૮ લાખ દર્દીઓની સારવાર પેટે રૂ. ૨૧૭૦ કરોડની રકમ સીધી હોસ્પિટલોને રાજય સરકારે ચૂકવી દીધી છે.

આયુષમાન ભારતમાં રૂ. ૫ લાખની વાર્ષિક સારવાર કેન્દ્ર સરકાર દ્વારા વિનામૂલ્યે પ્રતિ વર્ષ પૂરી પડાશે જેમાં પણ
રાજયના ૨.૪૪ કરોડ નાગરિકોને લાભ મળશે. રાજ્યભરમાં ૩૫૦થી વધુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૨૨ સિવિલ હોસ્પિટલ સહિતની વિવિધ માળખાગત સવલતો દ્વારા પાંચ કરોડથી વધુ આઉટ ડોર દર્દીઓને સારવાર તથા ૫૦ લાખથી વધુ દર્દીઓને ઇન્ડોર સેવા દ્વારા ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.