મુંબઈ,તા:૨૫
શેરબજાર વધઘટ થઈ રહ્યું છે. સેન્સેક્સ 37000થી 40500ની રેન્જ વચ્ચે અથડાયા કરે છે. પરિણામે મ્યુચ્યુઅલ ફંડમાં મધ્યમ ને ટૂંકા ગાળા માટે વળતા પાણી જોવા મળી રહ્યા છે. લાંબા ગાળાના ઇન્વેસ્ટર્સ આ વધઘટ અંગે ઓછા ચિંતાતુર છે. પરંતુ ટૂંકા અને મધ્યમગાળાના ઇન્વેસ્ટર્સને અપેક્ષા પ્રમાણે વળતર ન મળે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. તેમાંના કેટલાક ઇન્વેસ્ટર્સ તો નરમાઈના આ સમયગાળામાં વધુ રોકાણ કરીને તેમના અગાઉના ઇન્વેસ્ટમેન્ટની કોસ્ટ નીચે લાવી દેવાનો પ્રયાસ કરે છે. આ સ્થિતિની ટૂંકા ગાળાના ઇન્વેસ્ટર્સ પર વધુ અસર જોવા મળી શકે છે. મધ્યમ ગાળાના ઇન્વેસ્ટર્સ પર થોડી ઓછી અને લાંબા ગાળાના ઇન્વેસ્ટર્સ પણ તેનાથીય થોડી ઓછી કે કદાચ નહિવત અસર જોવા મળી શકે છે. બજારના વર્તમાન સંજોગોમાં ટૂંકા ગાળાના ઇન્વેસ્ટર્સે સાવધ રહેવાની જરૂર છે.
વાસ્તવમાં મિડકેપ ફંડમાં મૂડીરોકાણ કરવાનો બજારની નરમાઈનો આ યોગ્ય સમય છે ખરો? આ સવાલનો જવાબ કદાચ હામાં આવી શકે છે. લાર્જ કેપ ફંડમાં રોકાણ કરનારાઓ કરતાં મિડકેપ ફંડમાં રોકાણ કરનારાઓની ચિંતામાં ઘણો વધારો થઈ ગયો છે. એક વર્ષથી જૂના હોય તેવા લાર્જ કેપ ફંડના રોકાણ પર મળતા વળતરમાં 7 ટકાનો ઘટાડો થયો છે. તેની સામે મિડકેપ ફંડના રોકાણના મૂલ્યમા 15 ટકાના ગાબડાં પડ્યા છે. આ સમયગાળામાં બેન્કની ફિક્સ ડિપોઝિટ પર પણ સાત ટકા વળતર છૂટી ગયું છે. શેરબજારનો સેન્સેક્સ આગળ વધતો અટકે કે પછી તેમાં ઘટાડો આવે ત્યારે જે રોકાણકારોએ નવું નવુ રોકાણ કરવાનું આયોજન કર્યું હોય તેવા રોકાણકારો મૂંઝાઈ જાય છે. તેમાંય શેરબજારની માફક મ્યુચ્યુઅલ ફંડ અંગે પૂરતી સમજણ ન ધરાવનારાઓની હાલત કફોડી થઈ જાય છે. આમેય તેઓ ઓછા આત્મવિશ્વાસ સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં હોય છે. તેથી તેમનું મન ગમે ત્યારે બદલાઈ જાય છે. બેન્કમાં વળતર છૂટતું નથી. સારુ વળતર મેળવવા માટે જાયે તો જાયે કહાંની સ્થિતિમાં લટકતા ઇન્વેસ્ટર્સ ભૂલ કરી બેસતા હોવાનું જોવા મળે છે.
શેરબજાર અંગે સાંધાનીય સમજ ન ધરાવનારાએ શેરબજારમાંથી કમાણી કરવી હોય તો તેમણે સૌથી પહેલી પસંદગી લાર્જ કેપ ફંડ પર ઉતારવી જોઈએ. બજારની વધઘટ-વોલિટાલીટીનો તેને અંદાજ આવે તે પછી તેનો વિશ્વાસ વધે છે અને જોખમ લેવાનું વલણ પણ મજબૂત થાય છે. ત્યારબાદ તેઓ મિડકેપ ફંડમાં રોકાણ કરવા તરફ વળતા હોવાનું જોવા મળે છે. ડહાપણ તો એ વાતમાં છે કે સ્મોલ કેપ, મિડકેપની સાથે સાથે લાર્જકેપનો સમન્વય સાધીને મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો બનાવવામાં આવે તે વધુ લાભદાયી સાબિત થઈ શકે છે. બજારમાં મિડકેપ ફંડો ક્યારે ચાલી જશે તે નિશ્ચિત ન હોવાથી સ્મોલ કેપ ફંડમાં પણ થોડુ ઇન્વેસ્ટમેેન્ટ કરવામાં આવે તે જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની તક ઝડપી લેવામાં ટાઈમિંગ્સ ઘણો જ મહત્વનો છે.
લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે તો તેમાં જોખમ ઓછું રહે છે. તેમની પાસેના બિઝનેસ મોડેલ જૂના અને વળતર અપાવે તેવા હોવાનું પ્રસ્થાપિત થઈ ચૂકેલું હોય છે. તેથી જ ફંડ ઉદ્યોગમાં અગ્રણી તરીકેનો તેમનો સિક્કો જામેલો હોય છે. તેમનું રિસર્ચવર્ક વધુ સંગીન હોય છે. તેથી તેઓ સ્ટોક્સમાં આવનારી ભાવિ વધઘટ અંગે વધુ સંગીનતાથી વાત કરી શકે છે. જે રોકાણકારો ઓછું જોખમ લેવા માગતા હોય તેઓ લાર્જ કેપમાં રોકાણ કરે તે વધુ હિતાવહ છે.
અત્યારે કંપનીઓની આવક ઘટી રહી છે. વસ્તુઓનો વપરાશ પણ ઓછી થઈ રહ્યો છે. આર્થિક મોરચે જોવા મળી રહેલી મંદી બજાર પર વિપરીત અસર કરી રહી છે તેવા સંજોગોમાં મિડકેપ ફંડો રોકાણકારો માટે સારુ વળતર જનરેટ કરશે કે નહિ તે અંગે આશંકા પ્રવર્તી રહી છે. હા, અર્થતંત્ર મંદીની પકડમાંથી બહાર આવે તેવા તબક્કે મિડકેપ ફંડ વધુ એડવાન્ટેજ લઈ શકે છે તે પણ હકીકત છે. આ સ્થિતિમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન-એસઆઈપીના માધ્યમથી મિડકેપ ફંડમાં રોકાણ કરવું લાભદાયી સાબિત થાય છે. હા, મિડકેપ ફંડમા રોકાણ કરનારાઓએ લાંબા સમય સુધી તે રોકાણને પકડી રાખવું પડશે. તેમ જ તેને માટે થોડું વધુ જોખમ લેવું પડશે. હા, મિડકેપ સ્ટોક અને ફંડ માટે તમે વધુ સંગીન પાયા પર રિસર્ચ કરેલું હોવું જરૂરી છે.
દસ વર્ષ દર મહિને રૂા. 12500 ઇન્વેસ્ટમેન્ટ કરો, વીસ વર્ષ પછી દસ વર્ષ સુધી મહિને રૂા.50,000 મેળવો
લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરીને લોકો સામાન્ય રીતે નિવૃત્તિ સમયને સલામત બનાવવાનું અથવા તો બાળકોના ભણતરના ખર્ચાઓને પહોંચી વળવાનું આયોજન કરે છે. લાંબા ગાળે નિશ્ચિત આવક મેળવવાની ઇચ્છા ધરાવનાર નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં સતત 60 કે 120 મહિના સુધી રોકાણ કરતાં રહીને દસ વર્ષ માટે સતત રૂા. 50,000ની માસિક આવક કરી શકે છે. હા, અત્યારે એનએસસી-નેશનલ સેવિંગ સર્ટિફિકેટના વ્યાજદર 7.9 ટકા છે તેમાં ફેરફાર થાય તો ગણિત થોડા આઘાપાછા થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં તો તગડી કમાણી કરવા જતાં વીસ વર્ષને અંતે મૂડી બજાર બગડે તો મૂડી પણ ગુમાવવાનો વાારો આપી શકે છે.
રોકાણકાર દર મહિને 12,500નું રોકાણ દસ વર્ષ સુધી એટલે કે 120 માસ સુધી કરે તો તેના નાણાં બમણા થઈ જાય છે. આ સંજોગોમાં દસ વર્ષ પછી 10 વર્ષ સુધી તે રોકાણકારને રૂા.25000નું વળતર મળવાનું શરૂ થાય છે. હવે દસ વર્ષ બાદ તે રોકાણકારને લાગે કે તેની અન્ય આવક ચાલુ છે તો બીજા દર વર્ષ સુધી એનએસસીની મેચ્યોર થયેલી રકમ રોકવાનું ચાલુ રાખી શકે છે. પરિણામે વીસ વર્ષ બાદ તે રકમ વધીને રૂા. 50,000ની થઈ શકે છે. વીસ વર્ષ પછી દર મહિને રૂા. 50,000 મેળવી શકે છે. આ વળતર મેળવવા માટે ઇન્વેસ્ટરે રૂા.15 લાખનું બેઝિક રોકાણ કરવું પડે છે. વીસ વર્ષ બાદ તેને રૂા.60 લાખ મળે છે. દસ વર્ષ સુધી આ વળતર મળતું રહેતું હોવાથી કરદાતાને તકલીફ ઓછી પડે છે. હા, તેના પર ટેક્સનો બોજો આવે છે. આ બોજાને જે તે વખતે હેન્ડલ કરવાનું તે વખતના વેરાની સ્થિતિ પ્રમાણે કરવું પડે છે. આ અંદાજિત આવક છે. રૂપિયા, આના, પાઈમાં આ ગણતરી કરેલી નથી. પરંતુ તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી નિશ્ચિત આવક થશે અને થશે જ. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્કની ક્લોઝ તમારી નાવડીને તમને ફંડની તાતી જરૂર હોય ત્યારે ડૂબાડી શકે છે.