ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (ટીચર્સ યુનિવર્સિટી)ના કુલપતિ તરીકે સરકારે ભાજપના મીડિયા સેલના કન્વીનર અને વાસણા બી.એડ. કોલેજના પ્રોફેસર ડો.હર્ષદ પટેલની નિમણૂક કરી છે. તેઓ પાંચ વર્ષ માટે આ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો હોદ્દો સંભાળશે. આ અગાઉ ભાજપના મિડિયા સેલના 3 લોકોને પણ કોઈ લાયકાત વગર યુનિવર્સિટીના મહત્વના પદ પર ઠોકી બેસાડવામાં આવ્યા હતા. હવે તેઓ વિવાદાસ્પદ નિર્ણયો લઈ રહ્યાં છે. ગુજરાતની યુનિવર્સિટીઓ પર ભાજપના મિડિયા સેલનું પ્રભુત્વ છે જ્યારે આ જ મિડિયા સેલ ગુજરાતના મિડિયા પર પ્રભૂત્વ ધરાવે છે. તેઓ કહે એ જ ટીવી ચેનલોમાં સમાચારો બતાવવામાં આવે છે અને માહિતી ખાતાના પ્રધાન કહે તે જ અખબારો લખે છે.
વાસણાની એસયુજી કોલેજ ઓફ એજ્યુકેશનના એસો.પ્રો., ગુજરાત યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી નેતા, સેનેટ સભ્ય, સિન્ડિકેટ સભ્ય અને બોર્ડ સ્ટુડન્ટ વેલ્ફેર તરીકે કાર્યરત રહેનારા ડો.હર્ષદ પટેલ એનસીટીઇની ડબલ્યુઆરસી કમિટીના સભ્ય તરીકે પણ નિયુક્ત થયા છે. તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રાલયની એકમાત્ર કંપની એડસિલના સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ભૂતકાળમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન અને સભ્ય તરીકે પણ સેવાઓ આપી છે. ટીચર્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.શશીરંજન યાદવ પણ મેથ્સના પ્રોફેસર હતા. ડો.હર્ષદ પટેલ પણ મેથ્સ વિષયના પ્રોફેસર છે. ગુજરાત યુનિવર્સિટીના પીવીસી તરીકે ભાજપના કાર્યકર અને કામેશ્વર સ્કૂલના શિક્ષક જગદીશ ભાવસાર નિયુક્ત કરાયા છે. તેમને અંગ્રેજી પણ આવડતું નથી. કુલપતિ હિમાંશુ પંડયા ભાજપના પ્રવક્તા ભરત પંડયાના સગા થાય છે. ચારેય ભાજપ મીડિયા સેલના કન્વીનર હતા. ઉચ્ચ શિક્ષણમાં લાયકાત જોયા વગર માત્ર ભાજપના પ્રવક્તા કે કાર્યકર હોય તેને કુલપતિપદ જેવી મહત્ત્વની અને ગંભીર જવાબદારી સોંપી દેવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણીની આવતીકાલે તારીખ જાહેર થાય તે પૂર્વે સરકારે ગાંધીનગરની ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ભાજપના કાર્યકર હર્ષદ પટેલને ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ બનાવાયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે નીતિન પેથાણી પણ સંઘના કાર્યકર છે. પીવીસી તરીકે ડો.વિજય દેશાણી ભાજપના કાર્યકર છે. ગોધરા યુનિવર્સિટીના કુલપતિ પણ ભાજપની વિચારધારા ધરાવે છે. જીટીયુના કુલપતિ પણ સંઘના ચુસ્ત કાર્યકર છે.
હર્ષદ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાં આવવા ખૂબ ધમપછાડા કર્યા હતા. મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. પ્રદેશના નેતાઓ સાથે સંબંધ હોય ગાંધીનગરના આંટાફેરા કરી એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ ભાજપના નેતાઓએ જ હર્ષદ પટેલનું પત્તું કાપ્યાની ચર્ચા ઉઠી હતી. સરકારે તેમને ગુજરાત યુનિવર્સિટીમાં પીવીસી બનાવ્યા નહીં તેના બદલે તોછડા એવા જગદીશ ભાવસારને પીવીસી બનાવ્યા હતા. હર્ષદ પટેલે કુલપતિ બનવા જીદ પકડી હતી. જેથી સરકારે તેમને ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ બનાવી દીધા છે. આ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.શશીરંજન યાદવ પણ ભાજપ મીડિયા સેલના કન્વીનર હતા.