મિસમેચ જણાય તો જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટની 20 ટકા રકમ સરકાર પોતાની પાસે રાખી મૂકશે

અમદાવાદ, શનિવાર

જીએસટીઆર 3બીના રિટર્નમાં આપવામાં આવેલી વિગતમાં ખરીદી અને વેચાણના બિલોમાં કોઈ પણ પ્રકારનું મિસમેચ જોવા મળશે તો તેવા સંજોગોમાં જે તે કંપની કે વેપારીએ લેવાની નીકળતી કુલ ઇનપુટ ટેક્સ ક્રેડિટમાંથી 20 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવી દેવામાં આવશે. આ આઈટીસી બધું જ સ્પષ્ટ થયા પછી રિલીઝ કરવામાં આવશે. આ અંગેનો એક પરિપત્ર નવમી ઓક્ટોબરે કરવામાં આવ્યો છે. માલની ખરીદી કરનારા જે વેપારીઓના સપ્લાયરોએ તેના જીએસટીઆર-1(વેચાણના રિટર્નમાં) નેટવર્ક પર અપલોડ કર્યું હોય અને તેમાં તેના તમામ ઇન્વોઈસ-બિલની સાચી રકમ ન દર્શાવી હોય તેવા કિસ્સાઓમાં 20 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાના અને મધ્યમ કદની કેટલીક કંપનીઓ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેતી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થા હેઠળ રજિસ્ટ્રેશન મેળવીને વેપાર કરતી કંપનીઓની હાલાકી સરકારના આ પરિપત્રને કારણે વધી જવાની સંભાવના છે. નોટબંધી પછી રોકડની અછતનો સામનો કરી રહેલી કંપનીઓની અછતમાં સરકારના આ પગલાંને પરિણામે વધારો થશે. કારણ કે તેમણે તૈયાર કરેલા બિલ પર સમયસરપેમેન્ટ મળતું નથી. તેમાં વિલંબ થાય છે. આ સ્થિતિમાં 20 ટકા રકમ વધુ લાંબા સમય સુધી સરકારની તિજોરીમાં પડી રહેશે તો તેમની હાલાકીમાં ખાસ્સો વધારો થઈ જવાની સંભાવના છે. અમદાવાદ અને સુરતના ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને છથી નવ મહિને પેમેન્ટ મળે છે. તેમાં વળી તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ રીતે અટવાયેલી રહે તો નોટબંધી પછી રોકડની તીવ્ર અછત અનુભવી રહેલા ટેક્સટાઈલ સેક્ટરના વેપારીઓની હાલાકીમાં પણ ખાસ્સો વધારો થઈ જાય તેમ મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનું કહેવું છે.

Read More

આ સ્થિતિમાં નાના અને મધ્યમ ઉદ્યોગ ધરાવતા વેપારી સાહસિકોના એસોસિયેશનોનું કહેવું છે કે  તેઓ જેટલા બિલ ઇશ્યૂ કરે તેમાંથી જેના પૈસા તેમને મળી જાય તે પ્રમાણે તેમને જીએસટી જમા કરાવવાની છૂટ આપવામાં આવવી જોઈએ. અત્યારની જીએસટી જમા કરાવવાની સિસ્ટમમાં વેપારીએ જે મહિનામાં બિલ ઇશ્યૂ કર્યું હોય તેના પછીના મહિનાની 20મી તારીખ સુધીમાં જીએસટીઆર-3બી રિટર્ન ફાઈલ કરીને જીએસટીની રકમ તેમણે જમા કરાવી દેવી પડે છે.

તેમને તો ખરીદનાર પાસેથી વસૂલવામાં આવેલા જીએસટીની રકમ પણ જમા કરાવી દેવાની ફરજ પાડવામાં આવી રહી છે. ખરીદનાર દ્વારા બિલની રકમ ન ચૂકવવામાં આવી હોય તો પણ વેપારીઓને તેમણે સરકારમાં તે રકમ જમા કરાવી દેવી પડે છે. ખરીદનાર પેમેન્ટ આપવામાં વિલંબ કરે તેટલો સમય વેપારીના નાણાં સરકારમાં અટવાયેલા જ રહે છે. સરકારે જ તૈયાર કરેલા નિયમ મુજબ જાહેર ક્ષેત્રની કંપનીઓએ નાની અને મધ્યમ કદની કંપનીઓએ આપેલા બિલ 45 દિવસમાં જ ચૂકવી દેવા તેવો નિયમ કરવામાં આવ્યો હોવા છતાંય સરકારી કંપનીઓ તેમને મહિનાઓ સુધી બિલના પેમેન્ટ કરતી જ નથી.

સરકારે 45 દિવસમાં પેમેન્ટ કરી દેવાનો નિયમ તો કર્યો છે, પરંતુ તેની સાથે બિલ ચૂકવણી કરવામાં વિલંબ કરે તો તેને માટે કોઈ જ દંડની જોગવાઈ કરવામાં ન આવી હોવાથી જાહેર ક્ષેત્રની કંપનીઓ અનહદ છૂટ લઈને વેપારીઓને સમયસર પૈસા ચૂકવતી નથી. નાના અને મધ્યમ કદની કંપનીઓની ચૂકવવાના બાકી લેણાનો સરવૈયામાં ઉલ્લેખ કરવાનો નિયમ હોવા છતાંય તેઓ ક્યારેય સરવૈયામાં તેનો ઉલ્લેખ કરતાં જ નથી. તેમને તે માટે દંડ પણ કરવામાં આવતો નથી. નાની કે મધ્યમ કદની કંપની તેને નિયમ બતાવે તો જાહેર ક્ષેત્રની કંપનીઓ તેનો સપ્લાય જ બંધ કરાવી દે છે.

સીજીએસટી એક્ટ 2017ની કલમ 37માં જીએસટીઆર-1માં આઉટવાર્ડ સપ્લાય એટલે કે વેચાણની વિગતો દર્શાવવાની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં એમ જણાવવામાં આવ્યું છે કે વેરો જમા કરાવવાનો સમયગાળો પૂરો થાય તેના દસ જ દિવસના ગાળામાં રજિસ્ટર્ડ વેપારીએ તેની વિગતો આપી દેવાની હોય છે. આ સ્થિતિમાં સપ્લાયર દ્વારા જીએસટીએન પોર્ટલ પર વિગતો અપલોડ ન કરવામાં આવી હોય અથવા તો પછી તેમાં કોઈ મિસમેચ જોવા મળે તો તેવી સ્થિતિમાં વેપારી દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ પેટે જેટલી રકમ ક્લેઈમ કરવામાં આવી હોય તેમાંથી 20 ટકા રકમ ઓછી રિઇમ્બર્સ કરવાની એટલે કે 20 ટકા ટેક્સ ક્રેડિટ ઓછી આપવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

આ નિયમને પરિણામે વેપારીઓને વેેપારધંધા ચલાવવા માટે જરૂર પડતી રોકડની અછતમાં વધારો કરશે. એક તરફ કંપનીઓ તેમના બિલ સમયસર ન ચૂકવીને તેમની આર્થિક હાલત બગાડી રહી છે, ત્યારે આ નવી જોગવાઈ તેમની કઠણાઈમાં વધારો જ કરશે.

Bottom ad