મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની વાતો કરનારી રાજ્ય સરકારનાં દાવા માત્ર પોકળ સાબિત થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હોમ ટાઉન રાજકોટમાં એક તબીબે મહિલા તબીબ ઉપર દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવતાં સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગયો છે.
ઘટનાની વિગતો એવી છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલાં એક ડોક્ટર વિરૂદ્ધ બળાત્કારનો આરોપ મૂકતી ફરીયાદ મહિલા તબીબે નોંધાવી છે. આ ફરિયાદનાં આધારે પોલીસે બળાત્કાર ગુજારનાર ડોક્ટરની ધરપકડ કરી તપાસનો ધમધમાટ વધારી દીધો છે. મહિલા તબીબે નોંધાવેલી પોલીસ ફરીયાદ પ્રમાણે ગત તા. 30મી ઓગષ્ટનાં રોજ ડોક્ટર સચિન સિંઘ દ્વારા મહિલા તબીબ સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ ઘટના ત્યારે બની હતી જ્યારે મહિલા તબીબ તેમનાં તબીબ રૂમમાં એકલા હતા અને તેમનાં સિનિયર ડો. સચિન સિંઘ તે રૂમમાં આવીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું મહિલા તબીબે તેમની ફરીયાદમાં જણાવ્યું છે.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ ઘટના બાબતે 2જી સપ્ટેમ્બરનાં રોજ કોલેજનાં સર્જરી વિભાગનાં હેડ સમક્ષ લેખિત ફરીયાદ મહિલા તબીબ દ્વારા કરવામાં આવી હતી. અને આ કિસ્સામાં હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસનાં અંતે ડો. સચિન સિંઘને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ તંત્રએ આ ડોક્ટર વિરૂદ્ધ કાયદેસરની કોઈ કાર્યવાહી ન કરતાં મહિલા તબીબે શનિવારે રાજકોટ પોલીસ સમક્ષ નોંધાવી હતી અને તપાસનાં અંતે પોલીસે ડો. સચિન સિંઘની ધરપકડ કરી હતી. આરોપી ડોક્ટરની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં કોર્ટે બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી ડો. સચિન સિંઘ મૂળ ઉત્તર પ્રદેશના વારાણસીનો વતની છે અને અમદાવાદમાં રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે.