800 કરોડના જમીન કૌભાંડમાં મુખ્ય પ્રધાન રૂપાણી આરોપી

મહેશ પટેલ દ્વારા

લાખો રૂપિયાની સ્ટેમ્પ ચોરીનાં કેસમાં ફરિયાદ

ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપની દ્વારા તદ્દન કોરા ગીરો દસ્તાવેજો કે જેના પર એક રૂપિયો પણ સ્ટેમ્પ ડ્યૂટી સરકારમાં ભરવામાં આવી નથી, તેને પુરાવામાં લઇને સુરેન્દ્રનગરના જીતેન્દ્ર શાહના રહેણાંક મકાનનો કબ્જો લેવાનો હુકમ તત્કાલિન અધિક કલેક્ટર ચંદ્રકાન્ત પંડ્યાએ કરેલો હતો, આ અંગે ફરિયાદી જીતેન્દ્ર શાહે એડવોકેટ દેવેશભાઇ ભટ્ટ મારફતે સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ સમક્ષ ચંદ્રકાન્ત પંડ્યા, નાયબ કલેક્ટર સ્પેમ્પ ડ્યૂટી શશીકાંત પંડ્યાં અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નાબૂદી કાયદા હેઠળના ગુનાઓ માટેની કાર્યવાહી કરવા ફરિયાદ કરાઇ છે, ચંદ્રકાન્ત પંડ્યા 800 એકર જમીનના કૌભાંડમાં સસ્પેન્ડ થયા છે, અને એસીબી તેમની સામે તપાસ ચલાવી રહી છે, જેમની ધરપકડ 52 દિવસ પછી સરકાર કરી શકી છે. આ સ્ટેમ્પડ્યુટી કૌભાંડની ફરિયાદમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ આરોપી બનાવવામાં આવ્યાં છે.

87,57000 રૂપિયાની સ્ટેમ્પ ચોરીનો મામલો

સ્ટેમ્પ ડ્યૂટીની બેંકો દ્વારા થતી ચોરી અંગે સરકાર આંખ આડા કાન કરી રહી છે, ફરિયાદી જીતેન્દ્ર શાહે તારીખ 7-6-2017ના પત્રથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા કલેક્ટર વિરુદ્ધ રૂપિયા 87,57000 ની સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અંગે પગલા લેવા ફરિયાદ કરી હતી, સુરેન્દ્રનગરના અન્ય એક નાગરિક જયરામ ડાભીએ તત્કાલિન કલેક્ટર ઉદીત અગ્રવાલ અને અધિક કલેકટર ચંદ્રકાન્ત પંડ્યાં વિરુદ્ધ ઇ.પી.કો હેઠળના ગુનાઓ અંગે ફોજદારી કેસ પણ કરેલો છે.

સરકારને કરોડો રૂપિયાનું નુકસાન

કોઇ પણ જાહેર સેવક સરકારનાં રાજસ્વને નુકસાન પહોંચાડે તો તે ભ્રષ્ટાચાર નાબૂદી કાયદા હેઠળ પણ જવાબદાર બને છે, આવા કૃત્યમાં જાહેર સેવકને કોઇ પ્રત્યક્ષ કે પરોક્ષ ફાયદો થયો છે તે ધ્યાનમાં લેવાતું નથી, ફક્ત સરકારને નુકસાન થઇ રહ્યું છે અને તેવા કૃત્ય માટે જો જાહેર સેવક ઉપેક્ષા સેવે તો તે માટે તેણે “અયોગ્ય અવેજ” લીધો છે તેવું ભ્રષ્ટાચાર નાબૂદી કાયદાના ઘણા બધાં કેસોમાં ઠરાવવામાં આવ્યું છે, જાહેર સેવક વિરુદ્ર આ કાયદાની કાર્યવાહી કરતા પહેલા સક્ષમ સરકારની મંજૂરીની જરૂર છે, પરંતુ આ કાયદામાં થયેલા તાજેતરના સુધારાઓ પ્રમાણે સરકારની પરવાનગી લેતા પહેલા યોગ્ય કોર્ટ સમક્ષ આવી ફરિયાદ કરવી જરૂરી છે, આ ફરિયાદમાં કોર્ટના નિર્દેશની માંગણી કરવામાં આવી છે કે જેને કારણે કોઇ પણ નાગરિક સરકારની પરવાનગી માટે અરજી કરી શકે છે.

ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપનીએ સરકારને લગાવ્યો ચૂનો

ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપની પર ખુટતી સ્ટેમ્પ ડ્યૂટી દંડ સાથે કુલ રૂપિયા 87,57000 જેટલી ભરવાની હોવાની ફરિયાદીનો આરોપ છે, તત્કાલિન નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યૂટી (સુરેન્દ્રનગર) શશીકાંત પટેલ દ્વારા આ કંપનીને ખોટી રીતે ક્લિનચીટ આપતા તેમને પણ આરોપી બનાવવામાં આવ્યાં છે, ઉપરાંત નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યૂટી આવો વિવાદ હલ કરવામાં સક્ષમ ન હોવાને કારણે પણ તેઓ જવાબદાર બને છે, મુખ્યપ્રધાનની ઉદાસીનતાને કારણે નુકસાન થઇ રહ્યું હોવાથી તેઓ વિરુદ્ધ પણ પરવાનગી માટેની કાર્યવાહી કરવામાં આવી છે, વિજય રૂપાણીએ ખુદ કહેલું છે કે ભ્રષ્ટાચારમાં મહેસૂલ ખાતુ નંબર વન છે, વિજય રુપાણીને અગાઉના નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યૂટી (સુરેન્દ્રનગર) ટાંક વિરુદ્ધ પણ પગલા લેવા વિનંતી કરવામાં આવી હતી, એક અરજીમાં ટાંકે ખુટતી સ્ટેમ્પ ડ્યૂટી ઉપર 8 ગણો દંડ નાખ્યો હોવાની ગેરરીતી અંગે તપાસ માંગવામાં આવેલ છે, મુખ્યપ્રધાન આ બાબતે પણ નિષ્ક્રીય છે.

મંત્રી વિરુદ્ધ કાર્યવાહી પહેલા રાજ્યપાલની મંજૂરી જરૂરી

કોઇ પણ મંત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નાબૂદી કાયદા હેઠળની કાર્યવાહી કરતા પહેલા મહામહિમ ગવર્નરની મંજૂરી જરૂરી છે.ગુજરાત પોસ્ટ.