મુસ્લિમ શાસકે હિન્દુઓ પાસેથી વાસણો પડાવી તોપ બનાવી, લાખોને માર્યા

પત્રકાર અને રિસર્ચર, લાહોર, આભાર સાથે

દુર્રાની નામે ઓળખવામાં આવ્યા તેવા અફઘાન શાસક અહમદશાહ અબ્દાલીએ સતત ઘણાં આક્રમણો પછી પંજાબમાંના ડગમગી રહેલા મુગલ શાસન પાસેથી સત્તા આંચકી લીધી હતી.
બે નવી તોપો બનાવવાનો આદેશ અપાયો, પરંતુ એ કામ માટે જરૂરી ધાતુ ઓછી પડી.

‘ઝમઝમા’ નામની આ તોપનો પાણીપતના ત્રીજા યુદ્ધમાં 14 જાન્યુઆરી, 1761ના રોજ મરાઠા સેના સામે પહેલી વાર ઉપયોગ કરાયો હતો.

રિસર્ચર મજીદ શેખે લખ્યું છે, “એવો આદેશ અપાયો હતો કે લાહોરના હિન્દુ જજિયા (એ નામનો વેરો) આપે. લાહોરના સૂબેદાર શાહ વલી ખાનના સૈનિકો દરેક હિન્દુ ઘરેથી ત્રાંબા કે પિત્તળનાં સૌથી મોટાં વાસણો એકત્ર કરતા હતા. જ્યારે પર્યાપ્ત માત્રામાં ધાતુ એકઠી થઈ ગઈ ત્યારે લાહોરના એક કારીગર શાહ નઝીરે એને ઓગાળીને એમાંથી તોપો બનાવી.”

તોપો જ્યારે તૈયાર થઈ ગઈ ત્યારે એને ઝમઝમા નામ આપવામાં આવ્યું અને આ તોપોને પહેલી વાર 14 જાન્યુઆરી, 1761એ પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા લશ્કર સામે વાપરવામાં આવી.

જેજી ડફે ‘હિસ્ટરી ઑફ મરાઠા’માં દાવો કર્યો છે કે આ યુદ્ધમાં એક લાખથી વધારે સૈનિકો મૃત્યુ પામ્યાં હતાં, જેમાંથી “લગભગ 40 હજારને યુદ્ધ પછી બે મોટી તોપથી ઉડાવી દેવાયા હતા.”

આ ‘જીત’ પછી અહમદશાહ અબ્દાલી લાહોરના રસ્તે કાબુલ પાછા જતા રહ્યા. તેઓ બંને તોપને લઈ જવા માગતા હતા પરંતુ એક જ લઈ જઈ શક્યા અને તે પણ કાબુલ લઈ જતા વખતે રસ્તામાં ચિનાબ નદીમાં પડી ગઈ.

બીજી તોપ, લાહોરના નવા સૂબેદાર ખ્વાજા ઉબૈદની દેખરેખમાં રાખવામાં આવી.

ઈ.સ. 1707માં બાદશાહ ઔરંગઝેબ આલમગીરના અવસાન પછી, નબળા મુગલ બાદશાહો પર એક તરફ અફઘાન અને ઈરાની આક્રમણકારોના હુમલા થતા રહ્યા અને બીજી તરફ પંજાબના ગ્રામીણ વિસ્તારોમાં શીખોએ મુગલોની પકડ ઢીલી પડ્યાનો લાભ લઈને ઘણી બધી ટુકડીઓ કે જૂથો બનાવી લીધાં હતાં.

ઈ.સ. 1716માં બનેલા એક જૂથનું નામ ભાંગિયા હતું. ભાંગની લતના કારણે શીખ સેના દળ ખાલસાના આ જૂથને ભાંગી નામ અપાયું હતું.

એવું કહેવાય છે કે એનું કેફી શરબત એમને ઠંડક આપતું હતું અને એમને યુદ્ધમાં ઉત્તેજિત અને નીડર બનાવી દેતું હતું. આ શક્તિશાળી જૂથના સંસ્થાપક જાટ સમુદાયના છજ્જાસિંહ (છજ્જુસિંહ) અમૃતસરથી 24 કિલોમીટર દૂર આવેલા પંજવાર ગામના વતની હતા.

‘હિસ્ટરી ઑફ પંજાબ’માં કનૈયાલાલે લખ્યું છે કે, છજ્જાસિંહે દશમા ગુરુ ગોવિંદસિંહ પાસેથી અમૃત લઈને શીખ ધર્મ અપનાવ્યો હતો.

તેઓ પોતાના સાથીઓની હિંમત એ જ ગુરુની આ ભવિષ્યવાણીથી વધારતા હતા કે તેઓ એક દિવસ પંજાબ પર શાસન કરશે. આ જ ભરોસા સાથે એમણે પંજાબમાં મુગલ શાસનની વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. જોકે, શસ્ત્રો ખૂબ ઓછાં હતાં તેથી આ જૂથ ગોરીલા હુમલા કરતું હતું.

સૈયદ મોહમ્મદ લતીફે ‘હિસ્ટરી ઑફ ધ પંજાબ’માં લખ્યું છે કે, ઘણા બધા શીખ આ જૂથમાં સામેલ થઈ ગયા. પછી, શસ્ત્રધારી લોકોએ બાતમીદારો અને સરકારી અધિકારીઓનાં ગામો પર રાત્રે હુમલા શરૂ કરી દીધા અને જેમને જે કિંમતી સામાન હાથમાં આવે તે ઉપાડી લેતા.

બટાલવીએ કહ્યું કે છજ્જાસિંહના મૃત્યુ પછી એમના એક સાથી ભીમાસિંહે (ભૂમાસિંહ) એમનું સ્થાન સંભાળ્યું. તેઓ મોગા પાસેના વેંડી પરગણાના હંગ ગામના ઢિલ્લોં જાટ હતા.

જ્યારે ભાંગી જૂથ સમેત શીખ જૂથોના વિસ્તાર વધ્યા ત્યારે તેઓ ‘મિસ્લ’ તરીકે ઓળખાવા લાગ્યા.
હરિસિંહે લાહોર અને ઝમઝમા પર કબજો કરી લીધો અને એનું નામ બદલીને ‘ભાંગીઓ વાળી તોપ’ કે ‘ભાંગિયાં દી તોપ’ કરી નાખ્યું
ઇતિહાસકાર લેપલ ગ્રિફિન અને સૈયદ મોહમ્મદ લતીફ અનુસાર, ભીમાસિંહ કસૂરના વતની હતા અને એમને શીખોના 12 મિસ્લામાંના એક પ્રખ્યાત અને શક્તિશાળી ભાંગી મિસ્લના ખરા સંસ્થાપક કહી શકાય.

ભીમાસિંહે ઈ.સ. 1739માં ઈરાની બાદશાહ નાદિરશાહની સેનાઓ સામેના સંઘર્ષમાં પોતાની ઓળખ સ્થાપી હતી. ભીમાસિંહની વહીવટી ક્ષમતાએ મિસ્લને શક્તિશાળી બનાવ્યું. ઈ.સ. 1746માં એમનું મૃત્યુ થયું. જોકે, ભીમાસિંહને એક પણ સંતાન નહોતું તેથી એમના ભત્રીજા હરિસિંહ એમના ઉત્તરાધિકારી બન્યા.

પહેલાં આ મિસ્લના લોકો રાત્રે અંધારામાં જ લૂંટફાટ કરતા હતા, પરંતુ એ કામ પછી એમણે ધોળે દહાડે કરવાનું શરૂ કરી દીધું. તેઓ પોતાના સાથીઓની સાથે સેંકડો માઈલ દૂર સુધી ધાડ પાડતા અને બધું જ નેસ્તનાબૂદ કરીને પાછા ફરતા.

હરિસિંહે લાહોર અને ઝમઝમા પર કબજો કરી લીધો અને એનું નામ બદલીને ‘ભાંગીઓ વાળી તોપ’ કે ‘ભાંગિયાં દી તોપ’ કરી નાખ્યું. લહનાસિંહ, ગુજ્જરસિંહ અને કહાનિયા મિસ્લના શોભાસિંહે અહમદશાહ અબ્દાલીની અફઘાન સેના સામે એક લાંબા ગોરીલા યુદ્ધ પછી 16 એપ્રિલ, 1765ના રોજ લાહોર પર કબજો કરી લીધો.

તેઓ 20 ઘોડેસવારોની ટુકડીમાં વહેંચાઈને હુમલો કરીને ભાગી જતા. કશીય અડચણ વગર સળંગ બે મહિના સુધી આવું રાત-દિવસ ચાલતું રહેતું.

લાહોરના કિલ્લા પર કબજો કરવો એ એક સાહસિક પગલું હતું. રાત્રે, ગુજ્જરસિંહના સાથીઓ કાળાં કપડાં પહેરીને ચારેબાજુ બનેલી દીવાલો પર એકસાથે ચઢીને અંદર આવ્યા અને બધાને મારી નાખ્યા. ત્યાર બાદ મુખ્ય દરવાજો ખોલ્યો અને લહનાસિંહ અને એમના સાથીઓ કિલ્લામાં દાખલ થઈ ગયા.

ત્યાર પછી ગુજ્જરસિંહની સેના પંજાબના વધારેમાં વધારે વિસ્તારો પર કબજો કરવા નીકળી પડી. સેનામાં બધા માત્ર સૂકા ચણા, થોડી કિસમિસ અને નાની નાની મશકો (પાણી ભરવાની ચામડાની થેલી)માં પાણી ભરીને આગળ વધતા હતા.

એમણે લોકોને ભેગા કર્યા અને જાહેરાત કરી કે લાહોર ‘ગુરુ કા ગહવારા’ (ગુરુનું પારણું) છે, કેમ કે ચોથા ગુરુ રામદાસનો જન્મ લાહોરમાં ચૂના મંડીમાં થયો હતો.

આ શીખ સત્તાની શરૂઆત હતી.

પોતાના 30 વર્ષના શાસનકાળમાં આ ત્રણે શાસકોએ લાહોરને ત્રણ ક્ષેત્ર (ભાગ)માં વહેંચ્યું. લહનાસિંહે લાહોરના કિલ્લા અને અંદરના શહેર પર શાસન કર્યું, ગુજ્જરસિંહ ભાંગીએ લાહોરના પૂર્વ ભાગ શાલીમાર બાગ સુધીનું ક્ષેત્ર સંભાળ્યું, જ્યારે શાભાસિંહે નિયાઝ બેગ સુધી પશ્ચિમ ભાગની કમાન સંભાળી લીધી.

ગુજ્જરસિંહે એક નવો કિલ્લો બનાવડાવ્યો, જેનું નામ આજે પણ કિલા ગુજ્જરસિંહ છે. શાભાસિંહે પોતાનો કિલ્લો બાગ-એ-ઝેબુન્નિસામાં બનાવડાવ્યો.

ઈ.સ. 1766માં અબ્દાલી જ્યારે ફરી આવ્યા અને 22 ડિસેમ્બરે લાહોરમાં દાખલ થયા ત્યારે શીખ શાસક ત્યાંથી જતા રહ્યા. અહમદશાહે લહનાસિંહ સાથે વાત કરવાની કોશિશ કરી અને દોસ્તીના પ્રતીકરૂપે એમને અફઘાનના સૂકા મેવાની એક છાબ મોકલી.

લહનાસિંહે સૂકા ચણાની છાબ સાથે એ ભેટ પાછી મોકલી દીધી, જેનો મતલબ હતો કે તેઓ હંમેશાં વિરોધ કરશે.

તોપ ભાંગી પ્રમુખો લહનાસિંહ અને ગુજ્જરસિંહના કબજામાં હતી, પરંતુ, જેમણે લાહોર પર કબજો કરવામાં ભાંગીઓની મદદ કરી હતી તે સ્કારચકિયા મિસ્લના પ્રમુખ ચઢતસિંહે એને લૂંટના માલમાંનો પોતાનો ભાગ ગણાવી હતી.

ચઢતસિંહે 2 હજાર સૈનિકોની મદદથી એને (તોપને) ગુજરાંવાલા પહોંચાડી.

એના થોડા સમય પછી, અહમદનગરના ચઢ્ઢાઓએ સ્કારચકિયાના વડા પાસેથી તોપ પડાવી લીધી. એને માટે બે ચઢ્ઢા ભાઈઓ અહમદ ખાન અને પીર મોહમ્મદ ખાન વચ્ચે ઝઘડો થયો.

એ લડાઈમાં અહમદ ખાનના બે પુત્ર અને પીર મોહમ્મદ ખાનનો એક પુત્ર બબેટા મૃત્યુ પામ્યા. ગુજ્જરસિંહ ભાંગી, જેમણે પીર મોહમ્મદ ખાનને એમના ભાઈ સામે લડવામાં મદદ કરી હતી, એ તોપને ગુજરાત લઈ ગયા.

ઈ.સ. 1772માં ચઢ્ઢાઓએ તે તોપ પાછી લઈ લીધી અને એને રસૂલનગરમાં સ્થાનાંતરિત કરી દીધી.

બીજી તરફ, હરિસિંહના મૃત્યુ પછી મહાનસિંહ સરદાર તરીકે પસંદગી પામ્યા. જ્યારે મહાનસિંહનું મૃત્યુ થયું ત્યારે હરિસિંહના પુત્ર ઝંડાસિંહ અને ગંડાસિંહ શીખ પ્રજાના સમર્થનથી મિસ્લના પ્રમુખ બની ગયા.

ઈ.સ. 1773માં ઝંડાસિંહ જ તોપને અમૃતસર લઈ ગયા હતા. ઝંડાસિંહ જમ્મુ પરના હુમલામાં મૃત્યુ પામ્યા. એમને એક પણ સંતાન નહોતું.

ગંડાસિંહે પઠાણકોટ પર હુમલો કર્યો. તેઓ હકીકતસિંહના હાથે મૃત્યુ પામ્યા. એમના પુત્ર ગુલાબસિંહ ઓછી ઉંમરના કારણે મિસ્લના પ્રમુખ ના બની શક્યા તેથી ગંડાસિંહના નાના ભાઈ દેસોસિંહને પ્રમુખ બનાવાયા.

ત્યાર બાદ ગંડાસિંહના પુત્ર ગુલાબસિંહ પ્રમુખ બન્યા. એમના શાસન દરમિયાન મહારાજા રણજિતસિંહે લાહોર પર કબજો કરી લીધો.

જ્યારે રણજિતસિંહ શહેરના કોટ બહાર ઊભા હતા ત્યાં સુધીમાં લહનાસિંહ, ગુજ્જરસિંહ અને શોભાસિંહનાં મૃત્યુ થઈ ચૂક્યાં હતાં અને એમનું સ્થાન એમના ત્રણ શક્તિહીન પુત્રો ચૈતસિંહ, મેહરસિંહ અને સાહબસિંહે લીધું હતું. નબળા નેતૃત્વના પતનનો સમય આવી ગયો હતો.

ગુલાબસિંહ અને રણજિતસિંહની સેનાઓ વચ્ચે બેસિન નામના સ્થળે અથડામણ થઈ. બીજા દિવસે ભીષણ યુદ્ધ થાય એમ લાગતું હતું. પણ, રાત્રે ગુલાબસિંહે એટલો દારૂ પીધો કે બીજા દિવસે એમની આંખ જ ના ખૂલી, જેના કારણે એમની સેના વેરવિખેર થઈ ગઈ.

એમના મૃત્યુ બાદ એમના પુત્ર ગુરુદત્તસિંહ ભાંગી મિસ્લના પ્રમુખ બન્યા. એમણે રણજિતસિંહ પર હુમલાની યોજના ઘડી, પરંતુ રણજિતસિંહને ખબર મળી ગયા અને એમણે અમૃતસર પર હુમલો કરીને એમને શહેરની બહાર કાઢી મૂક્યા અને પોતે શહેર પર કબજો કરી લીધો.

ગુજરાન માટે એમને થોડાંક ગામ આપી દેવાયાં, જે થોડા સમય પછી પાછાં લઈ લેવાયાં. ગુલાબસિંહના મૃત્યુ બાદ એ પરિવારમાં કોઈ એટલા સક્ષમ ના બન્યા અને આ રીતે આ મિસ્લ ખતમ થઈ ગઈ.

ઈ.સ. 1802માં જ્યારે મહારાજા રણજિતસિંહે અમૃતસર પર કબજો કર્યો ત્યારે તોપ એમના કબજામાં આવી ગઈ. રણજિતસિંહના શાસનકાળના ઇતિહાસકાર, ખાસ કરીને સોહનલાલ સૂરી અને બૂટેશાહે લખ્યું છે કે ભાંગીઓએ કાન્હીઓ અને રામગઢીઓની સામે દીનાનગરની લડાઈમાં આ તોપનો ઉપયોગ કર્યો હતો. રણજિતસિંહે ડસ્કા, કસૂર, સુજાનપુર, વઝીરાબાદ અને મુલ્તાનનાં અભિયાનોમાં એનો ઉપયોગ કર્યો હતો.

આ અભિયાનોમાં તોપ ઘણી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને હવે પછી તેનો ઉપયોગ કરવા માટે અયોગ્ય ઠરાવી દેવાઈ હતી, તેથી એને લાહોર પાછી લાવવી પડી. એને લાહોરના દિલ્હી ગેટની બહાર રાખવામાં આવી હતી. અહીં તે 1860 સુધી રહી.

ઈ.સ. 1864માં જ્યારે મૌલવી નૂર અહમદ ચિશ્તીએ ‘તહકીક-એ-ચિશ્તી’નું સંકલન કર્યું ત્યારે એમણે એને લાહોર સંગ્રહાલયની પાછળ આવેલા વઝીર ખાનના બગીચાની પાછળ પડેલી જોઈ. ઈ.સ. 1870માં એને લાહોર સંગ્રહાલયના દરવાજે એક નવું સ્થાન મળ્યું.

બ્રિટિશ શાસન દરમિયાન આ તોપને પહેલાં દિલ્હી ગેટ અને પછીથી લાહોરના સંગ્રહાલયની સામે મૂકવામાં આવી હતી. અનારકલી બાજારની બાજુમાં સંગેમરમરના ચબૂતરા પર મુકાયેલી 265 વર્ષ જૂની આ તોપને ‘કિમજ ગન’ પણ કહેવામાં આવે છે.

આ નામ બ્રિટિશ લેખક રુડયાર્ડ કિપલિંગની નવલકથા ‘કિમ’ના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

આ નવલકથા કંઈક આ રીતે શરૂ થાય છેઃ “નગરપાલિકાના આદેશોનો ભંગ કરીને કિમ એક જૂના સંગ્રહાલયની સામે મૂકેલી તોપ પર બેઠો હતો.”

આ સાડા નવ ઇંચ પહોળા મોંવાળી 14 ફૂટ લાંબી તોપને સ્થાનિક લોકો ઘણી વાર ‘ભાંગીઓની તોપ’ જ કહે છે. તોપનું મોં જાણે આજે પણ પાણીપતની તરફ છે, પરંતુ હવે લોહી વહાવવાનું બંધ થઈ ગયું છે. હવે અહીં કબૂતરો દાણા ચણે છે અને શાંતિથી ઊડતાં રહે છે.

કદાચ એ ગરમીની જ અસર હતી કે જ્યારે અમે ગુજ્જરસિંહના જર્જરિત થતા કિલ્લાની તસવીર લેવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક લોકો અમારી સાથે તકરાર કરવા લાગ્યા. તેઓ અમારી પાસે આ કિલ્લાના અવશેષોની તસવીર લેવાની મંજૂરીના કાગળો માગવા લાગ્યા. કેટલીક પડવાના વાંકે લટકી રહેલી બારીઓવાળી દીવાલ અને દરવાજો હોવાનો સંકેત કરતી કમાન – બસ, આટલો જ બચ્યો છે હવે આ કિલ્લો.

કોણ જાણે એ લોકો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી આ ઇમારતને દરેક સમયે નુકસાન કરતા અને થોડા થોડા સમયે દબાણોથી ઢાંકી દેતા સમયે કોની પાસેથી મંજૂરી લેતા હશે!