મૂડીઝે વધુ કોર્પોરેટ ડિફોલ્ટ થવાની ચેતવણી ઉચ્ચારી

અમદાવાદ,તા:૦૧

શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ઘટીને બંધ રહ્યું હતું. બજારમાં પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કમાં કૌભાંડ થયું હોવાની અફવા ફેલાઈ હતી. આ સાથે બજારમાં બેન્કિંગ ક્ષેત્રે અનેક સહકારી બેન્કોમાં મોટા પાયે કૌભાંડ બહાર આવશેની અફવા ફેલાઈ હતી. જેથી બેન્ક શેરોમાં ભારે વેચવાલી આવી હતી. આ સાથે બેન્ક સિવાયના મોટા ભાગના ક્ષેત્રના શેરોમાં પણ ભારે વેચવાલી ફરી હતી. જોકે આરબીઆઇએ બજારમાં બેન્કિંગ સિસ્ટમમાં ગરબડી નહીં હોવા બાબતે સ્પષ્ટતા કરી હતી. આરબીઆઇએ કહ્યું હતું કે બેન્કિંગ સિસ્ટમ મજબૂત છે. બેન્કોમાં બધું સમુસૂતરું છે. આમ બેન્કિંગ ક્ષેત્રે ફેલાયેલી અફવાને લીધે બજારમાં મોટે પાયે ગભરાટ ફેલાતાં શેરોમાં ધૂમ વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ એક તબક્કે ઇન્ટ્રા-ડે દરમ્યાન 900 પોઇન્ટ કરતાં વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 300 પોઇન્ટ અને બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ જેટલો તૂટી ગયા હતા. જોકે ગભરાટ શમતા બજારમાં વેચાણો કપાતાં સેન્સેક્સ રિકવર થયો હતો. જેથી ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 362 પોઇન્ટ તૂટીને 38,305.41ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 1145.60 પોઇન્ટ તૂટીને 11,359.90ના મથાળે બંધ રહ્યો હતો.

બજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન સરકાર દ્વારા ડેટ અને બોરોઇંગ્સમાં વધારો થશે એવા પણ અહેવાલ આવ્યા હતા, જેને પગલે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી શેરબજારમાં શેરોની જાતેજાતમાં વેચવાલી ફરી વળી હતી. જોકે એક માત્ર તેલ ગેસ ઇન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો. બાકીના મોટા ભાગના ઇન્ડેક્સમાં ભારે ઘટાડો આવ્યો હતો. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ચેતવણી ઉચ્ચારી હતી કે કોર્પોરેટ ડિફોલ્ટમાં ઓર વધારો થવાની આશંકા છે. જેથી બેન્કોમાં લિક્વિડિટી ઘટવાનું જોખમ છે. જેથી એસબીઆઇ નવ ટકા સુધી અને ઇન્ડસઇન્ડના શેર 11 ટકા સુધી તૂટ્યો હતો. આ ઉપરાંત આરબીએલ 22 ટકા તૂટ્યો હતો. આ સાથે ડોલર સામે રૂપિયો પણ 21 પૈસા તૂટીને બંધ રહ્યો હતો.

મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 24 શેરોમાં મંદી થઈ હતી અને એનએસઈના નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 50માંથી 39 શેરોમાં મંદી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 730 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1830 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક  એક્સચેન્જ પર 447 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1729 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 10 શેરો ઘટીને સાથે બંધ થયા હતા.

મારુતિ અને એમ એન્ડ એમના વેચાણમાં ઘટાડો

ઓટો ક્ષેત્રની અગ્રણી કંપની મારુતિ સુઝુકીનું સપ્ટેમ્બરમાં વેચાણ 24.4 ટકા ઘટીને 1,22,640 (1,62,290) યુનિટ થયું હતું. કંપનીનું સ્થાનિક વેચાણ 26.7 ટકા ઘટીને 1,12,500 (1,53,550) યુનિટ થયું હતું. આ ઉપરાંત એમ એન્ડ એમનું સપ્ટેમ્બરમાં વેચાણ 21 ટકા ઘટીને 43,343 યુનિટ થયું હતું. આમ ઓટો ક્ષેત્રે હજી તહેવારો હોવા છતાં વાહનોના વેચાણમાં મંદી ચાલી રહી છે. જેથી ઓટો કંપનીઓના શેરોમાં પણ વેચવાલી હતી. આ સાથે અન્ય ઓટો કંપનીઓના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ પણ ચાર ટકા તૂટ્યો હતો.

યસ બેન્ક ઓલ ટાઇમ નીચલા સ્તર

યસ બેન્કનો શેર ઓલ ટાઇમ નીચલા સ્તરે પહોંચ્યો હતો. ઇન્ટ્રા-ડો દરમ્યાન યસ બેન્કનો શેર 30 ટકા તૂટ્યો હતો અને બેન્કનું માર્કેટ કેપ રૂ. 8000 કરોડની નીચે ચાલી ગયું હતું. એક  અહેવાલ મુજબ યસ કેપિટલ( ઇન્ડિયા), મોર્ગન ક્રેડિટ પ્રાઇવેટ અને રાણા કપૂરે સાથે મળીને 26-27 સપ્ટેમ્બરે 552 લાખ શેર અથવા 2.16 ટકાના હિસ્સાનું વેચાણ કર્યું હતું. આ વેચાણ તેમણે ખુલ્લા માર્કેટમાં કર્યું હતું. જેથી યસ બેન્કના શેરમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી શેર 22.22 ટકા ઘટીને 32.20ના મથાળે બંધ રહ્યો હતો.

આરકોમની નાદારી મુદ્દે શેરહોલ્ડર્સમાં આક્રોશ

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભામાં કંપનીની નાદારીના મુદ્દે શેરધારકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કંપનીનું ભાવિ અધ્ધરતાલ થઈ જતાં શેરહોલ્ડરોએ મેનેજમેન્ટ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સની વાર્ષિક શેરહોલ્ડર્સ મિટિંગ સોમવારે મુંબઈ મળી હતી, જેમાં નાદારી જાહેર કરનારી કંપની અંગે કંપનીના ભવિષ્ય વિશે રોકાણકારોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કંપનીએ નાદારી નોંધાવી હોવાથી શેરહોલ્ડર્સે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કંપનીએ નાદારી માટે અરજી કર્યા પછી કોર્ટે નીમેલા રિઝોલ્યુશન પ્રોફેશનલ દ્વારા પહેલી વાર વાર્ષિક સાધારણ બેઠક સંબોધવામાં આવી હતી.

રિઝોલ્યુશન પ્રોફેશનલ કન્સલ્ટન્સી કંપની ડેલોઇટના અનિશ નાણાવટીએ શેરહોલ્ડર્સને જણાવ્યું હતું કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે કોર્પોરેટ રિઝોલ્યુશન પ્રોસેસ પૂરી કરવા માટે વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો છે, આથી આ પ્રક્રિયા આવતા વર્ષની 10 જાન્યુઆરી સુધીમાં પૂરી થવી જરૂરી છે.

ધોલેરા સરમાં ચીનનો રૂ.10,500 કરોડના મૂડીરોકાણ સાથે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક

ધોલેરામાં ઘણા સમયથી મોટા રોકાણકારની શોધ ચાલી રહી છે ત્યારે ચીનના ઉદ્યોગો ગુજરાતમાં રોકાણ કરશે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (સર)ની સ્પેશિયલ

સ્પેશિયલ પર્પઝ વેહિકલ કંપની ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અને ચાઇના એસોસિયેશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીઝ વચ્ચે ગાંધીનગરમાં કરાર થયા હતા. આ કરાર મુજબ રૂ. 10,500 કરોડના મૂડીરોકાણ સાથે ધોલેરામાં ચાઇના ઇન્ડસ્ટ્રિયલ પાર્ક આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.

એરટેલ રૂ. 7,000 કરોડ એકત્ર કરશે

ભારતી એરટેલ ઓવરસીસ બોન્ડ્સ ઇશ્યુ દ્વારા વધુ રૂ. 7,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની આ ભંડોળ દ્વારા વર્તમાન ઋણ રિફાઇનાન્સ કરવાની અને 4જી નેટવર્કના વિસ્તરણમાં રોકાણ કરવાનો હેતુ ધરાવે છે. કંપની 2020ના પ્રારંભે થનારી આગામી સ્પેક્ટ્રમ હરાજી માટે તૈયાર થઈ રહી છે.