ઓલ ઇન્ડિયા કવોટામાં પરત આવનારી બેઠકો બાદ તમામ બેઠકો માટે નવો રાઉન્ડ થશે
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેનો પહેલો રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. પહેલા રાઉન્ડના અંતે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ સહિતની કોલેજોમાં મળીને ૨૫૦૮ બેઠકો ખાલી પડી છે. આ ખાલી બેઠકો ઉપરાંત તાજેતરમાં EWS કેટેગરીમાં મંજુરી મળી છે તે ૩૬૦ બેઠકો ઉપરાંત ઓલઇન્ડિયા કવોટામાં ખાલી પડનારી બેઠકો માટે હવે બીજા રાઉન્ડમાં કાર્યવાહી કરવાનુ નક્કી કરાયુ છે.
મેડિકલમાં પહેલો રાઉન્ડ પૂર્ણ થયા બાદ સરકારી કોલેજમાં ૧૯૩ બેઠકો ખાલી પડી છે.આજ રીેત મેનેજમેન્ટ કવોટામાં ૧૯૬ અને એનઆરઆઇ કવોટામાં ૧૫ બેઠકો ખાલી છે. આજ રીતે ડેન્ટલમાં સરકારી કોલેજોમાં ૫૧૬ અને મેનેજમેન્ટ કવોટામાં ૪૭૫ બેઠકો ખાલી પડી છે. જયારે આયુર્વેદમાં સરકારી કોલેજોમાં ૪૧૦ બેઠકો ખાલી છે. હોમિયોપેથીમાં ૯૮૮ અને નેચરોપથીમાં ૧૫ બેઠકો ખાલી પડી છે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કુલ સરકારી કવોટાની બેઠકોમાં ૨૧૨૨ બેઠકો, મેનેજમેન્ટ કવોટામાં ૩૭૧ બેઠકો અને એનઆરઆઇ કવોટામાં ૧૫ મળીને કુલ ૨૫૦૮ બેઠકો ખાલી પડી છે. મેડિકલમાં પહેલા રાઉન્ડમાં EWS કેટેગરીની માત્ર ૨૦ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. હવે બાકીની ૩૦ બેઠકો લેખે ૩૬૦ બેઠકો ઉપરાંત પહેલા રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોને પણ બીજા રાઉન્ડમાં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાંથી હાલમાં ઓલ ઇન્ડિયા કવોટામાં મેડિકલમાં ૨૧૦ બેઠકો આપવામાં આવી છે. આજ રીતે ડેન્ટલમાં ૩૮ બેઠકો આપવામાં આવી છે. ઓલ ઇન્ડિયા કવોટાની બેઠકો માટેનો રાઉન્ડ આગામી તા.૨૫મીએ પૂર્ણ થાય બાદ ખાલી પડનારી બેઠકો જે તે રાજયોને પરત આપવામાં આવતી હોય છે. ઓલ ઇન્ડિયા કવોટામાં આપેલી બેઠકોમાંથી જેટલી બેઠકો ખાલી પડે તેને પણ બીજા રાઉન્ડમાં સામેલ કરવામાં આવશે. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે આયુર્વેદ, હોમિયોપેથીની કુલ કોલેજો પૈકી કેટલીક કોલેજોની મંજુરી હજુ બાકી છે. આ મંજુરી મળતાં તેની બેઠકો પણ બીજા રાઉન્ડમાં સામેલ કરાશે.